Gujarat

વર્તમાન પ્રમુખ સામે 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં ખળભળાટ

By GS Team
12 Jan 20203 mins read
This article was originally published on 12 Jan 2020
વર્તમાન પ્રમુખ સામે 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં ખળભળાટ

ચાણસ્મા,તા. 11 જાન્યુઆરી 2020 ,શનિવાર

ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વર્તમાન પ્રમુખ વિરુદ્ધ તાલુકા પંચાયતના કોંગ્રેસના અસંતુષ્ટ, અપક્ષ સહિત ભાજપના ૧૧ સભ્યો દ્વારા તા.૧૦-૧-૨૦૨૦ના રોજ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયેલ તારીખથી ૧૫ દિવસમાં તાલુકા વિકાસ અધિકારીએ મિટીંગ બોલાવવા ફરજીયાત નિર્ણય લેવો પડે છે. જેથી ટુંક સમયમાં સત્તા પરિવર્તન થવાનું દેખાઈ આવે છે.

હાલની ચાણસ્મા તાલુકા પંચાયતમાં ૧૮ સભ્યો પૈકી કોંગ્રેસ અસંતુષ્ટના પાંચ સભ્યો, ભાજપના બે સભ્યો, અપક્ષના બે સભ્યો તેમજ વર્તમાન પ્રમુખ જુથના બે સભ્યો સાથે મળી કુલ ૧૧ સભ્ય ોદ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. દરખાસ્તમાં વર્તમાન પ્રમુખ સામે ગ્રાન્ટની ફાળવણી સહિત મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દરખાસ્ત દાખલ કરવા માટે ૯ સભ્યોની જરૃરિયાત રહે છે. પરંતુ દરખાસ્તમાં ૧૧ સભ્યોએ સહી કરી છે. અને જાણવા મળે છે તે મુજબ હજુ પ્રમુખ જુથના કેટલાક સભ્યો અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપશે તેમ જણાતાં વર્તમાન પ્રમુખને ખુરશી છોડવાની નોબત આવે તો નવાઈ નહી.

અગાઉ અઢી વર્ષ પહેલાં તત્કાલીન પ્રમુખ કોકીલાબેન પટેલની પક્ષ દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પરંતુ ખુદ કોંગ્રેસના જ સભ્યો દ્વારા પ્રમુખપદની બીજી ટર્મ માટે ભારે ખેંચતાણને અંતે ચુંટણી યોજાતા પીંપળની બેઠક ઉપરના ગેમરભાઈ દેસાઈ પ્રમુખપદે આરૃઢ થયા હતા. તેમની વિરુદ્ધ બળવો કરનાર કોંગ્રેસના પાંચ સભ્યો વિરુદ્ધ ગાંધીનગર વર્તમાન પ્રમુખે અપીલ કરી સભ્ય પદ રદ્દ કરવા માટે માંગણી કરી હતી. અને આ બેઠકો માટે પેટા ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. પરંતુ બળવાખોર જુથના માજી પ્રમુખ કોકીલાબેન પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતા તમામ પાંચ સભ્યોને સભ્યપદે ચાલુ રાખવા આદેશ કરતાં ચુંટણી રદ્દ કરી વર્તમાન પાંચ સભ્યોને સભ્યપદે ચાલુ રાખવા હુકમ કર્યો હતો. અને માત્ર સભ્યના રાજીનામાથી ખાલી પડેલ ધીણોજની બેઠક ઉપર પેટા ચુંટણી યોજાતાં આ બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર ચુંટાઈ આવ્યા હતા.

જાણવા મળે છે તે મુજબ વર્તમાન તાલુકા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ હાઈકોર્ટની ડબલ બેચમાં આ ચુકાદાને પડકાર્યો હતો. અને અગાઉના હુકમને માન્ય રાખી તમામ પાંચ સભ્યોનું સભ્યપદ ચાલુ રાખવા આદેશ કરતાં ફરી એકવાર વર્તમાન પ્રમુખ જુથને ફટકો પડયો હતો. હવે તાલુકા પંચાયતની મુદત આગામી ડિસેમ્બરમાં પુરી થવા જઈ રહી છે. ત્યારે માત્ર એકાદ વર્ષના સમયગાળા માટે પ્રમુખની ખુરશી સુધી પહોંચવા અનેક રાજકીય માપદંડ અજમાવવામાં આવી રહ્યા છે.

અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનાર સભ્યો

(૧) કૈલેશબાઈ હરીભાઈ પટેલ

(૨) ધીરાજી પથુજી ચાવડા

(૩) બાબુભાઈ કુબેરદાસ પટેલ

(૪) રાજેશ્વરી અરવિંદભાઈ ચાવડા

(૫) કૈલાસબા ભરતસિંહ સોલંકી

(૬) કોકીલાબેન કનૈયાલાલ પટેલ

(૭) દિનેશભાઈ મફાભાઈ પ્રજાપતિ

(૮) કલાવતીબેન ગોપાળજી ઠાકોર

(૯) ભાથીજી વેલાજી ઝાલા

(૧૦) ઈબ્રાહિમભાઈ જીવણખાન સોલંકી

(૧૧) દિપીકાબેન વિષ્ણુભાઈ પટેલ

અવિશ્વાસની દરખાસ્તમાં રજૂ કરવામાં આવેલ મુદ્દા

(૧) તાલુકા પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય આપખુદશાહીથી નિર્ણયો લે છે.

(૨) આયોજનના ગ્રાન્ટની અસમાન વહેંચણી અને ભ્રષ્ટાચાર

(૩) સદસ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે