રાધનપુર માર્કેટયાર્ડમાં અનાજની હરાજી દરમ્યાન આચાર સંહિતા ઉલ્લંઘનની ફરીયાદ
- પ્રલોભન આપતો વિડિયો વાયરલ થયો
- માર્કેટયાર્ડ ડીરેકટરનો ખેડૂતોને ભાજપને મત આપશોતો ભાવ વધારે અપાવવાનો વિડિયો વાયરલ
રાધનપુર તા.19 એપ્રિલ 2019, શુક્રવાર
પાટણ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના એક નેતાએ માર્કેટયાર્ડમાં આનાજ વેચવા આવેલા ખેડૂતોને ભાજપને મત આપશોતો ભાવ વધારે આપવામાં આવશે વિડિયો વાયરલ થતા તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાવાઇ હતી.
પ્રાપ્ત માહીતિનુસાર રાધનપુર માર્કેટયાર્ડમાં તાલુકાના ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા આવે છે અને આ તમામ ખેત પેદાશો હરાજી દ્વારા વેપારીઓ ખરીદી કરવામાં આવે છે. આગામી લોકોસભાની ચૂંટણી યોજાવાની હોઇ તા.૧૩મી માર્ચના રોજ સવારે ૧૧ વાગ્યે માર્કેટયાર્ડમાં ડીરેકટર અને ભાજપના નેતા બાબુભાઇ ચૌધરી દ્વારા ખેત પેદાશો વેચવા આવતા ખેડૂતોને ભાજપને મત આપશોતો તમારા માલનો ભાવ વધારે આપવામાં આવશે તેવો પ્રલોભન આપતો વિડિયો કોઇએ ઉતારી લીધો હતો. અને આ વિડિયો વાયરલ થયો હતો. જે વિડિયો બાબતે ચૂંટણી અધીકારી દ્વારા માર્કેટયાર્ડના વેપારી અને કર્મચારીઓના નીવેદનો લેવામાં આવતા આચાર સંહિતા ભંગ થયાનું સાબીત થયું હતું.જે બાબતે ચૂંટણી અધીકારી દ્વારા રાધનપુર પોલીસમથકે આચાર સહિતા ભંગ બદલ ભાજપના નેતા બાબુભાઇ ચૌધરી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.