ચાણસ્મા-બહુચરાજી પંથકના ખેડૂતોને પશુધન બચાવવા મારવા પડે છે હવાતિયા
- બાજરીના પુળાના 2000, જુવારના 4000
- અન્ય રાજ્યમાંથી આવતુ ઘાસ પશુઓને ખાવાલાયક ન હોઈ 8 ઘાસડેપો પણ બંધ કરાયાઃ વિજળીનો આર્થિક બોજ
ચાણસ્મા, તા. 17 જુલાઈ 2019, બુધવાર
ઉત્તર ગુજરાતમાં સતત બે વર્ષથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે પશુધન બચાવવા ખેડૂતો રીતસરના હવાતિયા મારી રહ્યા છે. ઘાસની અછતના કારણે આ વિસ્તારમાં બાજરીના ૧૦૦ પુળાનો ભાવ રૃ.૨૦૦૦ અને જુવારના ૧૦૦ પૂળાનો ભાવ રૃ.૪૦૦૦ને આંબી ગયો છે. પૈસા ખર્ચવા છતાં ઘાસચારો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સતત બે ટર્મથી કારમા દુષ્કાળનો સામનો કરી રહેલા ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં લોકો અને પશુઓને પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત ગંભીર બની ચુક્યો છે.
ગામતળાવો અને નદીઓમાં પાણી ન હોવાના કારણે ખાલીખમ ભાસે છે. અષાઢ અડધો થઈ ગયો હોવાછતાં ક્યાંય વરસાદનું ચિન્હ દેખાતું નથી. પશુધનને બચાવવા ઘાસચારાની અછતને કારણે હવે લીમડાના પાન અને ખીજડાના પાલાના આધારે પશુધન મરવાના વાંકે જીવી રહ્યું છે. સરકાર દ્વારા બંને તાલુકાઓમાં ઘાસડેપો શરૃ કરવામાં આવ્યા હતા. પરંતુ અન્ય રાજ્યોમાંથી આવેલુ ઘાસ પશુઓને ખાવાલાયક ન હોવાના કારણે લોકો ઘાસનો જથ્થો ઉપાડતા ન હોઈ આ ઘાસડેપો બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. ખેતી માટે માત્ર આઠ કલાક જ વીજ પુરવઠો આપવામાં આવ્યો હોઈ આ બંને તાલુકામાં બીટી કપાસના પિયત પાછળ ખેડૂતોને આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.
ગત વર્ષે ઓછા વરસાદના કારણે ચાણસ્મા તાલુકામાં સંપૂર્ણ અછત અને બહુચરાજી તાલુકામાં અર્ધઅછતની પરિસ્થિતિ ઉભી થઈ હતી. કુદરતી સમસ્યાનો સામનો કરી આ વિસ્તારના ખેડૂતોને હજુ કળ વળી નથી ત્યાં ચાલુ વર્ષે પણ મેઘરાજા આ વિસ્તાર ઉપર મહેરબાન થયા નથી. ચાલુ સિઝનનો આ બંને તાલુકામાં આશરે ૭ થી ૧૦ ઈંચ જેટલો ત્રુટક ત્રુટક વરસાદ થયો છે. પરંતુ આજે આ બંને તાલુકા અડધા ગામો એવા છે કે જ્યાં નહીવત વરસાદને કારણે કઠોળ અને બાજરીના પાકનું વાવેતર થઈ શક્યું નથી. જ્યાં વાવેતર થયું છે ત્યાં ફરીથી વરસાદ ન આવતાં પાક સુકાઈ રહ્યો છે. જ્યાં પાતાળકૂવાઓની સગવડ છે તેવા વિસ્તારમાં મોટાભાગે બીટી કપાસનુ વાવેતર થયું છે.
જેને બચાવવા આજદિન સુધી છ થી સાત જેટલા પિયત આપવા પડયા છે. પરિણામે પાતાળકુવાના તોતિંગ ચાર્જને કારણે ખેડૂતને આર્થિક દ્રષ્ટિએ વેઠવાનો વારો આવ્યો છે. આવા કપરા સંજોગોમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેતી માટે માંડ આઠ કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જે પૂરતો નથી તેવા સંજોગોમાં વાવેતર બચાવવા દૈનિક સરેરાશ ૧૨ થી ૧૪ કલાક વીજ પુરવઠો પુરો પાડવા સરકારે ગંભીરતાથી વિચારવાની જરૃર છે.
પંથકની બંને નદીઓ સાવ સુકી ભઠ્ઠ ભાસી રહી છે
આ વિસ્તારમાંથી ખારી, પુષ્પાવતી અને રૃપેણ નદી પસાર થાય છે. છેલ્લા બે વર્ષથી વરસાદ ન થતાં નદીઓ સુકીભઠ્ઠ ભાસી રહી છે. પાણી ન હોવાના કારણે નદીકાંઠા ઉપરના ખેડૂતની પિયતની સેવા સદંતર બંધ થઈ ગઈ છે. બંને તાલુકાઓમાં મોટાભાગના ગ્રામ્ય તળાવો ખાલી છે. જ્યાં નર્મદા આધારિત પાણીથી તળાવો ભરી શકાય તેવી વ્યવસ્થા હોવાછતાં હજુસુધી તળાવ ભરવાની કામગીરી અધ્ધરતાલ છે. જેના પરિમામે પશુઓને પીવાના પાણીનો પ્રશ્ન ફેણ માંડીને ઉભો છે.
હલકી કક્ષાનુ ઘાસ આવતાં ઘાસડેપો બંધ કરાયા
ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઈ પશુઓ માટે બંને તાલુકાઓના આશરે આઠેક જેટલા સેન્ટરોમાં ઘાસડેપો શરૃ કરવામાં આવ્યા હતા. અન્ય રાજ્યમાંથી હલકી કક્ષાનું ઘાસ હોવાના કારણે પશુઓ પણ આ ઘાસ આરોગતા નથી. જેના કારણે પશુપાલકોની ઘાસ માટે માગણી ન આવવાના કારણે હાલમાં ઘાસડેપો બંધ કરવામાં આવ્યા છે.
રાહત કામ શરૂ કરવા માંગ ઉઠી
આ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થાય તે માટે મનરેગા યોજના નીચે લઘુત્તમ વેતન સાથે શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. પરંતુ ૧૫મી જૂન પછી આ કામો બંધ કરવામાં આવતાં લોકોને રોજગારી મળતી બંધ થઈ ગઈ છે. ત્યારે તાલુકા કક્ષાએથી પ્રત્યેક ગામોએ રોજગારીની તક પુરી પાડવા રાહત કામો શરૃ કરવાની માંગ ઉભી થઈ છે.
બે વર્ષની દુષ્કાળની સ્થિતિથી ખેડૂતો પાયમાલ
સતત બે વર્ષથી આ વિસ્તારમાં સુકા દુષ્કાળના કારણે ખેડૂતની કમર ભાગી ગઈ છે. બોરની કલાકવારી, ખેડ, જંતુનાશક દવા પાછળ ખેડૂતોએ કરેલ ખર્ચનુ વળતર પણ મળી શકે તેમ નથી. જેથી આ વિસ્તારનો ખેડૂત દેવાના ડુંગર તળે દટાયેલો છે. હવે એકાદ સપ્તાહમાં વરસાદ ન થાય તો ખેતીનો પાક નિષ્ફળ જતાં પશુધન સાથે લોકોને માદરે વતનને અલવિદા કરવી પડે તેવી દારૃણ પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.