ચાણસ્મા પોલીસ મથકના એએસઆઈ 30 હજારની લાંચ લેતાં રંગહાથ ઝડપાયા
ગાંધીધામ અેન્ટી કરપ્શન બ્યુરોની રેડ
રિમાન્ડ દરમિયાન મારઝુડ નહીંં કરવા તથા કાર કબ્જે ન લેવા માટે માંગણી કરી હતી
ચાણસ્મા,
તા. 23 નવેમ્બર, 2018, શુક્રવાર
ચાણસ્મા શહેર પોલીસ સ્ટેશનમાં હાલમાં પીપળ બીટમાં એ.એસ.આઈ. તરીકે
ફરજ બજાવતા બીટ જમાદાર દિનેશભાઈ ત્રિકમલાલ સોલંકી આજે ચાણસ્માના એક નાગરિક પાસેથી ફરિયાદના
કામે લાંચ લેવાની માગણી કરતા તેમના વિરુધ્ધ ગોઠવાયેલા એક છટકામાં ગાંધીધામ (કચ્છ પૂર્વે)
એ.સી.બી. દ્વારા રૃા. ૩૦૦૦૦ સ્વીકારતા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં રંગેહાથે ઝડપાઈ જતા
સમગ્ર પાટણ જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં
હાલમાં એ.એસ.આઈ. તરીકે પીંપળ બીટ વિભાગમાં દિનેશભાઈ ત્રિકમલાલ સોલંકી ફરજ બજાવે છે.
તેઓએ જાખાના ગામે દારૃની હેરાફેરીમાં પકડાયેલા એક તહોમતદાર પાસેથી તેમના રીમાન્ડ દરમિયાન
મારકુટ નહીં કરવા તથા ફરિયાદીની કાર તપાસના
કામે કબ્જે નહીં લેવા માટે રૃા. ૩૦,૦૦૦ની માંગણી
કરી હતી. જે લાંચ ફરિયાદી આપવા તૈયાર ન થતાં તેણે ગાંધીધામ (કચ્છ પૂર્વે) એ.સી.બી.
પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી. પરગડુ તેમજ મદદનીશ નિયામક બોર્ડર યુનિટ ભૂજના કે.એચ. ગોહિલને
મળી રજુઆત કરતાં આજે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા સોલંકી દિનેશભાઈ રંગેહાથ
ઝડપાઈ ગયો હતો.
અગાઉ એ.સી.બી. સમક્ષ નાગરિક તરીકે રજુઆત કરનાર જાખાના ગામના પરમાર કિરણસિંહ ગોવિંદજીને ફરિયાદી બનાવી આ ઓપરેશન એ.સી.બી. દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતું.
આરોપી એ.એસ.આઈ. પાસેથી આપવામાં આવેલી લાંચ પેટેની રૃપિયા બે હજારના દરની ૧૫ નોટો
કબજે લેવામાં આવી હતી. આ ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની જાણ પાટણ જિલ્લા પોલીસ બેડામાં થતાં ફફડાટની લાગણી
ફેલાઈ ગઈ હતી. અત્રે એ યાદ રહે કે આ જમાદાર અગાઉ ચાણસ્મા પોલીસ સ્ટેશનની બ્રાહ્મણવાડા
બીટમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમના વિરુધ્ધ ગંભીર પ્રકારની લોકો દ્વારા ફરિયાદો
થવા પામી હતી.