રાધનપુરમાં મહેસાણા હાઈવે પરની સરકારી જમીન ઉપર શોપિંગ ઉભુ કરનાર બિલ્ડરની ધરપકડ
- મહામુલી જગ્યાનુ ખોટુ રેકર્ડ બનાવી જગ્યા પચાવી પાડવાના કેસનુ 6 વર્ષ બાદ ભૂત ધૂણ્યું
રાધનપુર,તા.19 જાન્યુઆરી 2019, શનિવાર
પાટણ જિલ્લાના રાધનપુર-મહેસાણા હાઈવે પર આવેલ સરકારી જમીનનું ખોટુ રેકર્ડ બનાવી શોપિંગ સેન્ટર ઉભુ કરનાર બિલ્ડરની પોલીસે ધરપકડ કરતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં એક સરકારી અધિકારી સહિત અગાઉ છ ઈસમોને પોલીસે આરોપી બનાવ્યા હતા. જ્યારે ગતરોજ બિલ્ડરની ધરપકડ થતા છ વરસ બાદ કેસનું ભૂત ધુણ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ ભણસાલી ટ્રસ્ટની સામેની બાજુ સરકારી જમીન આવેલી હતી. જેનો સીટીસર્વે નંબર 6702 અને રે.સં.નં.377/2 પૈકી 1 છે. આ સરકારી જમીન ઉપર પંચાલ દજુભાઈ આત્મારામનો વરસોથી ગેરકાયદેસર કબજો હતો. હાઈવે ઉપર આવેલ મહામુલી જમીન પર નગરના કેટલાક ભૂમાફીયાઓની નજર પડતા તેમને આ જમીન પચાવી પાડવા 2013 પેંતરો રચ્યો હતો. જેમાં રાધનપુર ખાતે આવેલ સીટીસર્વે કચેરીમાં આ સરકારી જમીનનું બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવ્યું હતું.
જેમાં 1973નો નાયબ કલેક્ટરનો ખોટો હુકમ ટાંકી સરકારી જમીનમાં કબજેદારનુ નામ દાખલ કરી તેમની વારસાઈની ખોટી નોંધ પડાવી હતી. ત્યારબાદ વારસદારો પાસેથી સરકારી જમીનનું પાવરનામુ વિનોદકુમાર મગનલાલ ઠક્કરે પોતાના નામે કરાવી અને આ જમીન તેમના ભાઈ જયેશકુમાર મગનલાલ ઠક્કરને દસ્તાવેજ કરી વેચાણ આપી હતી. આ જમીન પર કોઈપણ જાતની પરવાનગી વગર જ મોટુ શોપિંગ બનાવવાની કામગીરીર હાથ ધરવામાં આવી હતી અને આ બાબતે વાધા અરજીઓ આવતા જિલ્લા કલેક્ટરે શોપિંગ સેન્ટર તોડી પાડવાનો હુકમ કર્યો હતો અને સરકારી જમીન ખાતે કરનાર જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. જે બાબતે રાધનપુર પોલીસસ્ટેશનમાં 9-1-19ના રોજ ફસ્ટ ગુ.નં.4/2014 મુજબ ગુનો નોંધાયો હતો.
જેમાં સરકારી જમીનનું બોગસ પ્રોપર્ટીકાર્ડ બનાવનાર સીટીસર્વે કચેરીના મેન્ટેન્સ સર્વેયર કે.ટી.શ્રીમાળી સામે ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસમાં જમીન પર કબજો ધરાવનારના વારસદારોના નામ પોલીસ તપાસમાં ખુલ્યા હતા. જે પૈકી પાંચ આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને એક આરોપી ચંદુભાઈ દજુભાઈ પંચાલ પોલીસ પકડથી દૂર રહેલ. આ કેસની ચાર્જશીટ પોલીસે તા.18-1-18ના રોજ કોર્ટમાં રજૂ કરી હતી અને બાકી રહેલ આરોપી પંચાલ ચંદુભાઈને તા.24-12-18ના રોજ પોલીસ પકડી પાડયો હતો. જ્યારે આ કેસની વધુ તપાસ રાધનપુર ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. જેમાં કેસની સંપૂર્ણ વિગતો જોતા કેસમાં વગ અને નાણાથી બચી જનાર બિલ્ડર વિનોદકુમાર મગનલાલ ઠક્કરની તા.18-1-19ની સાંજે પોલીસે ધરપકડ કરી હતી.
સરકારી જમીન પચાવી પાડવાનો પેંતરો રચનાર બિલ્ડરની પોલીસે ધરપકડ કર્યાના સમાચાર ફેલાતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે આ કેસમાં હજુપણ કેટલાક નવા નામો ખુલશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધનપુર સીટી સર્વે કચેરીમાં ખૂબ જ ખોટુ થયું હોવા બાબતે વખતો વખત રજૂઆતો કરવામાં આવેલ છે. નગરમાં આવેલ નવાબી અને સરકારી જમીનોના પ્રોપર્ટીકાર્ડોમાં ખોટી રીતે નામો દાખલ થયેલા છે. જ્યારે રાધનપુર સીટીસર્વે કચેરીમાં ચાલતી ગેરરીતિ બાબતે જિલ્લાતંત્રનુ ધ્યાન દોરવામાં આવતા છેવટે સીટીસર્વે કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારમાં ખદબદતી સીટીસર્વે કચેરીમાં ચાલતા ગોટાળા છૂપાવવા આજે કેમેરા બંધ રાખવામાં આવે છે. સીટીસર્વેના રેકર્ડની યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુપણ મોટા ગોટાળા સામે આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.