રાધનપુરમાં ભાજપના નેતાએ ચોરી કરાયેલી કાર ખરીદી
પાલિકાના પૂર્વ પ્રમુખ ડો. દેવજી ચૌધરી પાસેથી કાર કબ્જે કરાઈ
પાટણ પોલીસે ભાજપના નેતાને ક્લીનચીટ આપી દીધી
રાધનપુર,
તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૧૮, મંગળવાર
પાટણ એલ.સી.બી.એ આંતર રાજ્ય લક્ઝુરીયસ કાર ચોરીને વેચવાના કૌભાંડનો
પર્દાફાશ કર્યો હતો. જેમાં આવી ચોરીની લક્ઝુરીયસ કારો સસ્તા ભાવે ખરીદી કેટલાક રાજકીય
આગેવાનો ફેરવતા હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. આવી જ એક ગાડી
રાધનપુર નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને હાલના ભાજપના કોર્પોરેટરે ખરીદી હતી જે પોલીસે
કબ્જે કરી હતી.
પરપ્રાંતમાંથી કાર ચોરી કરીને લાવી અલગ અલગ જગ્યાએ નંબર રજીસ્ટ્રેશન કરાવી ચોરીની કારો વેચવાનું હાઈ પ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો હતો.
જેમાં લગભગ સવા બે કરોડની લક્ઝુરીયસ કારો પોલીસે ઝડપી પાડી હતી. કાર ચોર ટોળકી પાસેથી ચોરીની કારો ખરીદીને માલના ભાજપના આગેવાનોના નામો સામે આવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ટોળકી પાસે ચોરીની લક્ઝુરીયસ કાર રાધનપુર નગરપાલિકાના પુર્વ પ્રમુખ અન ેહાલ પાલિકાના કોર્પોરેટર ડો. દેવજી ચૌધરી(પટેલ)ની આસ્થા હોસ્પિટલ ખાતેથી પોલીસે કબજે કરી હતી. નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડો. દેવજીના ત્યાંથી પોલીસે ચોરીની કાર કબજે કરી હતી.
ભાજપના આગેવાન ડો. દેવજી પટેલના ત્યાંથી પોલીસે કબજે કરેલી કાર બનાસકાંઠા પાસીંગની છે. તો આ નંબર સાચો છે કે ખોટો તેની પણ તપાસ થવી જોઈએ. જો બનાસકાંઠા આર.ટી.ઓ.એ ચોરીની કારનું રજીસ્ટ્રેશન કરેલું હોય તો બનાસકાંઠા આર.ટી.ઓ. કચેરીમાં પણ તપાસ થવી જોઈએ. લક્ઝુરીયસ કાર ચોરી રેકેટમાં ચોરીની કાર ખરીદનારને પોલીસ દ્વારા ક્લીનચીટ આપવામાં આવતા સમગ્ર બાબતે પોલીસ પર રાજકીય આગેવાનને બચાવવા સરકારમાં બેઠેલા લોકોનું પ્રેશર હોવાનું લોકમુખે સાંભળવા મળે છે.
ચોરીનું સોનું કે દાગીના
ખરીદનાર સોનીનું તપાસમાં નામ ખુલે ત્યારે સોનું ખરીદનાર સોનીને આરોપી બનાવી તેની સામે
ગુનો દાખલ કરનાર પોલીસે કાર ખરીદનાર સામે કાર્યવાહી
ના કરતા લોકોમાં પોલીસ સામે અનેક શંકા,
કુશંકાઓ ઉભી થવા પામી છે.