Get The App

બહુચરાજીમાં બહુચર માઁને રસ અને રોટલીનું ભોજન પિરસાયું

ભકતની લાજ રાખવા માટે ભર શિયાળે રોટલી અને રસ જમાડયા હતા

૧૮૦૦ લિટર કેરીનો રસ અને પ૦૦ કિલોગ્રામ અન્નકુટનો પ્રસાદ ભક્તોએ ધર્યો

Updated: Dec 10th, 2018

GS TEAM

Google News
Google News
બહુચરાજીમાં બહુચર માઁને રસ અને રોટલીનું ભોજન પિરસાયું 1 - image

ચાણસ્મા, તા.૯ ડિસેમ્બર, ૨૦૧૮, રવિવાર

શકિતપીઠ યાત્રાધામ બહુચરાજીમાં મા બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટજીની લાજ રાખવા માટે તેમની નાતને ભર શિયાળે રસ અને રોટલીનું ભોજન આપ્યું હતું.

વર્ષ ૧૭૩૨માં માગસર સુદ બીજને સોમવારે થયેલા આ પરચાને જીવંત રાખવા માટે બેચરાજી મંદિરમાં દર વર્ષે માઈભક્તો દ્વારા માના ચરણોમાં રસ અને રોટલીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

રવિવારે આ પૌરાણિક પરંપરા અન્વયે આનંદ ગરબા પરિવારે માતાજીને અન્નકુટ, લાડુનો ગોખ તેમજ દાદાના ઓરડે અન્નકુટ સાથે રસ રોટલીનો લાભ લીધો હતો.

બેચરાજી મંદિરમાં આનંદ ગરબા પરીવાર અને બહુચરાજી, માંડલ અમદાવાદ સહિતના ભક્તોના સહયોગથી રાત્રે આનંદ ગરબાના  પાઠનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, ૧૮૦૦ લીટર કેરીનો રસ તેમજ ૫૦૦ કિલોગ્રામ અન્નકુટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.

રવિવારે બીજના દિવસે બહુચર માતાજીના મુખ્ય મંદિરે અન્નકુટ, વરખડી મંદિરે લાડુનો ગોખ તેમજ વલ્લભ ભટ્ટ દાદાના ઓરડે અન્નકુટ ભરવામાં આવ્યો હતો.

દિવસભર મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બેચરાજી સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટયાં હતા.નોંધપાત્ર છે કે, આ પ્રસંગે દર્શનાર્થે આવતા તમામ માઈભક્તો ઘરેથી રોટલી બનાવીને લાવે છે અને અહીં પ્રસાદરૃપે આપવામાં આવતા કેરીના રસ સાથે આરોગીને ધન્યતા અનુભવે છે.

Tags :