Updated: Sep 13th, 2022
- વિકાસના કામો તેમના વોર્ડ માં ન થતા હોઈ રાજીનામાં આપ્યા હોવાના આક્ષેપ
સિદ્ધપુર,તા.13 સપ્ટેમ્બર 2022,મંગળવાર
સિદ્ધપુર નગરપાલિકા રાજપુર વિસ્તારના વોર્ડ નં 2 ના ચારે નગરસેવકોએ તેમના વિસ્તારના વિકાસના કામો ન થતા સામુહિક રાજીનામુ આપતા સિદ્ધપુર વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ થઇ જવા પામી છે જયારે તેજ વિસ્તારના મોટી સંખ્યામાં મહિલાઓ સહીત નગરપાલિકામાં આવી જઈ નગરપાલિકામાં છાજીયા લીધા હતા તેમજ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નં 2 રાજપુર વિસ્તારના તમામ ચારે કોર્પોરેટરો જેમાં 1 ભાજપ અને 3 અપક્ષ નગરસેવકોએ સામુહિક રાજીનામુ નગરપાલિકામાં ધરી દીધું હતી. ચારે નગરસેવકો રાજપુર વિસ્તારના લોકોને મોટી સંખ્યામાં આવી પહોંચી પ્રાંત અધિકારીની હાજરીમાં રાજીનામાં આપતા મોટો હડકંપ મચી જવા પામી છે.
સિદ્ધપુર ના રાજપુર વિસ્તારમાં વિકાસના કામો ન થતા તેમજ નગરપાલિકા ના વહીવટદારો તે વિસ્તારમાં બેવડું વલણ અપનાવતા ત્યાંના સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી. જયારે આજરોજ પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર રહ્યા ન હતા. જયારે સિદ્ધપુરના નગરપાલિકાના રાજપુર વિસ્તારમાં બધી જ સમસ્યાઓ યથાવત રહેતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સિદ્ધપુરમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ નગરસેવક પટેલ દિનેશકુમાર કાંતિલાલનું કામ ન થતું હોઈ તેણે પણ રાજીનામુ આપી દેતા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે. જયારે સિદ્ધપુર ભાજપમાં કેટલાક સભ્યો પણ નગરપાલિકાના વહીવટથી નારાજ હોઈ વધુ ભાજપના કોર્પોરેટરો રાજીનામુ આપશે તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે.
સિદ્ધપુરના રાજીનામુ આપનાર નગરસેવકો
1. પટેલ દિનેશકુમાર કાંતિલાલ - વોર્ડ નં 2, ભાજપ કોર્પોરેટર
2. વિકાસકુમાર એ પટેલ - વોર્ડ નં 2, અપક્ષ કોર્પોરેટર
3. નીતાબેન રમેશભાઈ પટેલ - વોર્ડ નં 2, અપક્ષ કોર્પોરેટર
4. નિરમાબેન સિધુસિંગ ઠાકોર - વોર્ડ નં 2, અપક્ષ કોર્પોરેટર
વોર્ડ નં 2 ના ચારે કોર્પોરેટરો દ્વારા જણાવેલ કે અમો દોઢ વર્ષથી ચૂંટાઈને આવિયા છીએ જેમાં રાજપુર વિસ્તારના પાણીના , રસ્તા, ગટરલાઇન, સાફસફાઈ જેવી પ્રાથમિક કામો બાબતે લેખિતમાં આપીયે છીએ છતાં પણ નગરપાલિકા તેમનું એક પણ કામ કરતી નથી તેમજ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ નથી અને બાપ દાદા ની પેઢી સમજીને વહીવટ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કાર્ય હતા.
સિદ્ધપુરના રાજપુરની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ મચાવી વહીવટદારો વિરુદ્ધ છાજીયા લીધા હતા તેમજ માટલા પણ ફોડ્યા હતા તેમજ નગરપાલિકા ચોર છે ચોર છે જેવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.