Get The App

હડકાઈ ભેંસનું દૂધ પીનાર પરિવારના દસ સભ્યોને અસર

સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામની ઘટના

હડકવાની રસી માટે બે દિવસથી ધક્કા ખાતો પરિવાર

Updated: Nov 29th, 2018

GS TEAM

Google News
Google News
હડકાઈ ભેંસનું દૂધ પીનાર પરિવારના દસ સભ્યોને અસર 1 - image

રાધનપુર ,તા. 28 નવેમ્બર, 2018, બુધવાર

સાંતલપુર તાલુકાના લુણીચાણા ગામના એક ગરીબ પરિવારના સભ્યોએ ભેંસનું દૂધ પીધા બાદ ભેંસ હડકાઈ હોવાનું માલુમ પડતાં ભેંસનું દૂધ પીનાર પરિવારના દસ સભ્યોને સારવાર માટે વારાહી સરકારી દવાખાને દોડી ગયા હતા.પરંતુ દવાખાનામાં હડકવાની રસી ના હોવાને કારણે સારવારના અભાવે પરિવારના લોકોના જીવ તાળવે ચોંટયો હતો અને રાજકીય ભલામણ બાદ તમામ સદસ્યોની સારવાર શરૃ કરવામાં આવી હતી.

 સાંતલપુર તાલુકાના લુણીચાણા ખાતે રહેતા વિરભાણભાઈ ખોડાભાઈ ઠાકોરના પરિવારે પોતાની પાલતુ ભેંસ દોઈને પરિવારના દસ સદસ્યોએ બે દિવસ પહેલા સવારે દૂધ પીધું હતું. ભેંસને સાંજે તકલીફ થવા લાગી હતી અને ભેંસનું મોત થયું હતું. ભેંસને તકલીફ થતા વેટરનરી ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો

ડોક્ટરે ભેંસને હડકવા થયો હોવાનું જણાવાત ભેંસનું દૂધ પીનાર એક દોઢ વરસની બાળકી સહિત પરિવારના દસેય સદસ્યોને અસર થવા લાગી હતી. તમામ સદસ્યો સારવાર માટે વારાહી સરકારી દવાખાને ગયા હતા.

પરંતુ સરકારી દવાખાનામાં હડકવાની રસી ના હોવાના કારણે ડોક્ટરે સારવાર આપ્યા વગર તમામ સદસ્યોને રવાના કર્યા હતા.

છેલ્લા બે દિવસથી સારવાર વગર ભયભીત બનેલા પરિવારને અંતે વારાહી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવભાઈની ભલામણથી કોતરકા પી.એચ.સી.ના ડોક્ટરે સારવાર આપવાનું કહેતા તમામ સભ્યો સારવાર લેવા રાધનપુર તાલુકાના ગોતરકા ખાતે પહોંચ્યા હતા.

ગોતરકા પી.એચ.સી.ના ડોક્ટર ઠક્કરે તમામ સભ્યોની સારવાર શરૃ કરી હડકવા વિરોધી રસી આપી હતી. ગોતરકા ખાતે હડકવા વિરોધી રસી  આપી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવતા ચડીયાણાના ઠાકોર પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

Tags :