Gujarat

રાત્રે મા બહુચરની પરંપરાગત સવારીમાં મોટી સંખ્યામાં ભક્તોનો સાગર

By GS Team
10 Feb 20202 mins read
This article was originally published on 10 Feb 2020
રાત્રે મા બહુચરની પરંપરાગત સવારીમાં મોટી સંખ્યામાં ભક્તોનો સાગર

ચાણસ્મા,તા.09 ફેબ્રુઆરી 2020, રવિવાર

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ગામે આજે મહાસુદ પૂનમને લઈ હજારો માઈભક્તો મા બહુચરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. માઈભક્તોની આવનજાવન વહેલી સવારથી લઈને છેક મોડી સાંજ સુધી મંદિરના દ્વાર બંધ થયા ત્યાં સુધી ચાલુ રહી હતી.

આજે પૂનમ નિમિત્તે હજારો શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ ચુંવાળ પિઠાધિશ્વરી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીન ાદર્શન કરવા ઉમટી પડયા હતા. દર્શન માટે લાંબી લાંબી કતારો લાગી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તોની ભીડ અને મા બહુચરના જય જયકારથી દિવસભર ગુંજતુ રહ્યું હતું. રાત્રે નવ વાગે માતાજીની પરંપરાગત સવારી નીકળી. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા અને બોલ માડી બહુચર જય જય બહુચરનો જયઘોષ ગજવતા રહ્યા હતા. નગરયાત્રા બાદ પાલખી મોડી રાત્રે નીજ મંદિરે પરત ફર્યા બાદ મંદિરમાં દર્શન બંધ થયા હતા. 

તો બહુચરાજીથી ૨ કિમીના અંતરે આવેલા બહુચર માતાજીના ૫૨૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર ગામે પણ હજારો શ્રધ્ધાળુઓએ પૂનમે મા ટોડાવાળી બાલા બહુચરના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. પૂનમ નિમિત્તે દિપચંદભાઈ એન.પટેલ પરિવારે માઈ મંદિરે ધ્વજારોહણ કર્યુ ંહતું. શંખલપુર ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન પ્રસાદની ઉમદા વ્યવસ્થા કરાઈ હતી. ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલના જણાવ્યા મુજબ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી અહીં ભક્તો માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. એક પર્યટન સ્થળ તરીકે વિકસેલા શંખલપુર મંદિરમાં આધુનિક સુવિધા, બાગ-બગીચા, સ્વચ્છતા અને પર્યાવરણક્ષેત્રે કરાયેલી વ્યવસ્તા ઉઠીને આંખે વળગતી હોઈ શ્રધ્ધાળુઓ તેમજ યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. આજે પૂનમે માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો. અંદાજે પાંચ હજારથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.