Get The App

ન્યાય માટે ગયેલા ચાર સંતાન સાથે પિતાએ ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ

- પાટણ જિલ્લા પોલીસવડા પાસે રજૂઆત કરવા ગયા હતા

- એક વર્ષ અગાઉ ભાગી ગયેલી પત્નીની હજુ સુધી ભાળ નહી મળતા બાળકો સહિત પતિએ આત્મહત્યાની કોશિષ કરી

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
ન્યાય માટે ગયેલા ચાર સંતાન સાથે પિતાએ ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ 1 - image

પાટણ તા.29

પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરીએ મહિલા પોલીસ સ્ટેશનની બહાર સોમવારના રોજ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાવી હોઈ જેની આજ દિન સુધી કોઈ ભાળ ન મળતા  તેના વિયોગમાં જ જિલ્લા પોલીસ વડાની કચેરીના કેમ્પસમાં  પગલું ભર્યાની આશંકા સેવાઈ રહી છે. સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર ચાર સંતાનો સહિત પિતાને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી જાનકીને લઈ એક વર્ષ પહેલા કમલેશ ગોસ્વામી નામના શખ્સ સાથે ભાગી ગયા હતા. જે અંગે ૧૩ ઓકટોબર ૨૦૨૧ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી. તેમ છતાં તેની પત્નીનો કોઈ પત્તો ના લાગતા આજે તેઓ પોતાની ત્રણ-પુત્રી અને એક પુત્ર સાથે ન્યાય મેળવવા પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવ્યા હતા. ત્યારે પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા જિલ્લા પોલીસ વડાની કચેરી કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. સામૂહિક આત્મહત્યાની કોશિષ કરનાર એક જ પરિવારના પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચાર સંતાનો અને પિતાએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર અહીં જ પોતે અને પોતાની ૧૭ વર્ષીય પુત્રી નિશા, ૧૫ વર્ષીય પુત્રી ભૂમિ, ૧૨ વર્ષીય પુત્રી ભાનું અને ૧૬ વર્ષીય પુત્ર પુનાભાઈ સાથે ઝેરી દવા પી લેતા ચારેય સંતાનો અને પિતાને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાની કોશિષના બનાવને પગલે ધારપુર ખાતે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Tags :