પાટણના ગૌરવપથના સિંધી માર્કેટની 90 દુકાનોનું દબાણ તોડવા અલ્ટીમેટમ
પોલીસ અને દબાણ ટીમની માનસિકતાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો
અનેક પાકા દબાણો રાજકીય ઓથા હેઠળ હટાવાતા નથી
પાટણ,તા.20 ડિસેમ્બર, 2018, ગુરૃવાર
પાટણ શહેરના બગવાડા દરવાજાથી બગેશ્વર મહાદેવ સુધીના ગૌરવપથ પર
આવેલી સિંધી માર્કેટના આશરે ૯૦થી વધારે વેપારીઓએ પોલીસ અને નગરપાલિકાની દબાણ હટાવવાની
માનસિકતાના વિરોધમાં સ્વયંભુ બંધ પાળ્યો હતો અને પાટણના ધારાસભ્યની આગેવાની હેઠળ જિલ્લા
કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરી હતી.
પાટણ શહેરમાં બગવાડા ચોકથી બગેશ્વર મહાદેવ સુધીના ગૌરવપથ ઉપર સિંધી માર્કેટની ૯૦થી વધુ દુકાનોના માલિકોએ પોતાની દુકાનો કાયદેસર હોવા છતાં પોલીસતંત્ર દ્વારા આ દુકાનોના દબાણોને તોડવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં વેપારીઓ દ્વારા હજારો રૃપિયાના ખર્ચે બનાવવામાં આવેલ સાયબાનોને પણ તોડી પાડવાનો આદેશ કરાયો છે ત્યારે પોલીસની દબાણ હટાવવાની આ દબંગગીરીને લઈ આજે સિંધી માર્કેટના તમામ વેપારીઓએ પોતાની દુકાનોને સ્વયંભુ બંધ રાખી પોલીસની આ નીતિ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
જેને
લઈ પાટણના ધારાસભ્ય સિંધી માર્કેટના તમામ વેપારીઓને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરી
ખાતે કલેક્ટર આનંદ પટેલને રજૂઆત કરી હતી.
જેમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે સિંધી માર્કેટ કાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે તેમ છતાં પોલીસતંત્ર દ્વારા સાયબાનો નડતરરુપ ન હોવા છતાં તેને ઉતારી લેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
શહેરમાં અનેક પાકા ગેરકાયદેસર દબાણો માટે
લાઈન દોરી મંજુર કરવામાં આવી હોવા છતાં આવા દબાણો રાજકીય ઓથા નીચે દૂર કરવામાં આવતા
નથી.
આજે વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર રજૂઆતકર્તાઓને આધાર પુરાવા સાથે લેખીતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.
આ આધારપુરાવા
લેખીતમાં મળતા પોલીસ અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સૂચના આપી દબાણ મુદ્દે ઘટતું
કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.
જો આગામી ત્રણ-ચાર દિવસમાં ટ્રાફીક પોલીસ અને નગરપાલિકા દ્વારા
દબાણ હટાવવા મુદ્દે કાયદાકીય રીતે તેમજ વેપારીઓને પોતાના દબાણ દૂર કરવા માટે મુદત આપવામાં
નહી આવે તો તમામ વેપારીઓને સાથે રાખી પાટણ બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે.