પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 34 પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે
- કોરોના ઈફેક્ટઃ વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો મહત્વનો નિર્ણય
- વિદ્યાર્થીઓ ઘરે બેઠા પરીક્ષા આપી શકશેઃ મોબાઈલ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ખાસ વ્યવસ્થા કરાશે
પાલનપુર,તા.10 જુલાઈ 2020, શુક્રવાર
રાજ્યમાં કોરોના મહામારીનો હાલમાં કહેર ચાલી રહ્યો છે. જેને લઈ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શાળા-કોલેજો સરકાર દ્વારા બંધ રાખવામાં આવી છે. જેને લઈ પરિક્ષાઓ પણ કેટલીક જગ્યાએ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ૩૪ પરિક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશેનો નિર્ણય યુનિવર્સિટીની કારોબારીની બેઠકમાં લેવાયો છે. જેને લઈ વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા પરિક્ષા આપી શકશે.
પાટણ યુનિવર્સિટી દ્વારા અગાઉ ૨૫ જૂનથી પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે એનએસયુઆઈ અને એબીવીપીના સંગઠનો દ્વારા પરિક્ષા સ્થગિત રાખવા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવતા પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જેની વચ્ચે શુક્રવારે પાટણ યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાટણ યુનિવર્સિટીની ૩૪ પરિક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા પરિક્ષા આપી શકશે. તેમજ જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમને પરિક્ષા આપવા માટે યુનિવર્સિટી દ્વારા જિલ્લા તેમજ તાલુકા મથકે યુનિવર્સિટીના પરિક્ષા કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવશે હોવાનું યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું. જેમાં માર્ચ-જૂન ૨૦૨૦માં કુલ ૫૯ પરિક્ષાઓ લેવાની થાય છે ત્યારે હાલમાં ૩૪ પરિક્ષાઓ ઓનલાઈન લેવાનું યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.