હાંસાપુર પમ્પીંગ સ્ટેશનનો 10 વર્ષના વિવાદનો અંતઃ ટૂંક સમયમાં કાર્યરત કરાશે
- મશીનરી ફીટ કર્યા બાદ એક સપ્તાહમાં ભુગર્ભ ગટર જોડાણની સમસ્યા દૂર કરાશે
પાટણ, તા. 11 ડીસેમ્બર 2019, બુધવાર
પાટણ નગરપાલિકા હસ્તકના હાંસાપુર પમ્પીંગ સ્ટેશનને કાર્યરત કરવાની ગતિવિધિઓ તેજ કરાઈ છે. આગામી દિવોસમાં અંબાજી નેળીયા સહિત આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશોની ભુગર્ભ ગટરની કાયમી સમસ્યાનો હવે અંત આવશે. આગામી ૧૦ દિવસમાં આ પમ્પીંગ સ્ટેશન કાર્યરત થઈ જશે. આ વિવાદ છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહ્યો હતો.
પાટણ, ચાણસ્મા હાઈવે સ્થિત ગોલ્ડન ચોકડી નજીક આવેલ હાંસાપુર પમ્પીંગ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી વિવાદોના વંટોળથી ઘેરાયેલો રહ્યો હતો. આ પમ્પીંગ સ્ટેશન બંધ હાતમાં હોવાના કારણે અંબાજી નેળીયા સહિતની ૨૫થી વધુ સોસાયટીના રહીશોને ભુગર્ભ ગટરના જોડાણ ન મળવાના કારણે તેઓના શોષકુવાઓ અવારનવાર ભરાઈ જતા હતા. જેથી અહીંના સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને નવીન શોષકૂવાઓ બનાવવાની ફરજ પડતી હતી ત્યારે વિવાદાસ્પદ હાંસાપુર પમ્પીંગ સ્ટેશનના મામલાને કોર્ટમાં પડકાર્યા બાદ કોર્ટે તેના પરના તમામ સ્ટે હટાવી લેતા વિવાદનો અંત આવ્યો હતો. ત્યાર ેહાલમાં આ પમ્પીંગ સ્ટેશનને કાર્યરત કરવા માટે તેને લગતી તમામ સાધનસામગ્રી ઉતારવામાં આવી રહી છે.
તો અહીંના મહિલા સ્થાનિક કોર્પોરેટરના પતિએ આ પમ્પીંગ સ્ટેશનમાં મશીનરી ફીટ કર્યા બાદ એક અઠવાડિયામાં તેને કાર્યરત કરવામાં આવશે અને આ વિસ્તારના લોકોની વર્ષો જુની ભુગર્ભ ગટરના જોડાણની સમસ્યાનો અંત આવશે તેમ જણાવ્યુ હતું. આમ છેલ્લા ૧૦ વર્ષથી ખોરંભે ચડેલ હાંસાપુર પમ્પીંગ સ્ટેશન હવે ટુંક જ સમયમાં કાર્યરત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.