હાલોલ - કાલોલ માર્ગ ઉપર ટ્રક ,મારૂતિ વાન અને કાર વચ્ચે અકસ્માત થતાં નવ વ્યક્તિને ઇજા
-પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં વડોદરા રીફર કરાયા
હાલોલ, તા. 28 જૂન 2019, શુક્રવાર
હાલોલ કાલોલ રોડ ઉપર હોટેલ નજીક એક ટ્રક મારુતિ વાન અને ઇકો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો. મારુતિ વાન અને કારમાં સવાર પૈકી નવને ઇજા થવા પામી હતી.પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કર્યા હતા. બનાવને પગલે અકસ્માત સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતને લઈ એક તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલોલ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એક લાકડા ભરેલી ટ્રકની આગળ મારુતિ વાન ચાલતી હતી. તેની આગળ ઇકો ગાડી ચાલતી હતી. તેની આગળ એક મારુતિ ગાડી ઉપર ઘરનો દરવાજો બાંધેલો હતો.ચાલુ ગાડીએ દરવાજો નીચે રોડ ઉપર પડતા પાછળ ચાલતી કાર ચાલકે સ્ટેરીંગ ઉપર કંટ્રોલ કર્યો હતો. તેની પાછળ ચાલતી મારુતિ વાનના ચાલે ગાડીમાં સ્ટેરીંગ પરનો કાબુ કરી લીધો હતો. પરંતુ તેની પાછળ આવતી લાકડા ભરેલી ટ્રકના ચાલકે પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી મારુતિ વાન સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેથી મારુતિ વાન આગળ ચાલતી ઇકો કારને ધડાકાભેર સાથે અથડાયા હતો. જેથી મારુતિ વાન પાછળની ટ્રક અને આગળ ચાલતી ઇકો કાર વચ્ચે ભીસાઈ જઈ અકસ્માત થતા મારુતિ વાન તથા ઇકો કારમાં સવાર પૈકી છ વર્ષની બાળકી સાથે નવને ઇજા પામી હતી.
બનાવ સમય બંને ગાડીમાં સવાર લોકોને ચિચકારીઓ ઉઠી પડી હતી. વિચિત્ર અકસ્માત ને લઈ રોડ ઉપર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.બંને ગાડીમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં ચેતન રમેશભાઈ દંતાણી (ઉમર ૪૫ )રાજુભાઈ રામચંદ્ર દંતાણી (ઉંમર ૩૨) અશોક ભાઈ રતિલાલ દંતાણી( ઉમર ૩૪) રમેશ ચેતનભાઇ દંતાણી (ઉં .ર્ષ ૧૫) કમલેશ બાબુભાઈ મકવાણા (ઉંમર ૪૧) તમામ રહે લુણાવાડાને ગંભીર ઇજા હોવાથી પ્રાથમિક સારવાર હાલોલ ખાતે આપી વધુ સારવાર અર્થે રીફર કર્યા હતા.
જ્યારે રજની મનોજભાઈ દંતાણી (ઉંમર ૫૭ )અનિલ મનોજભાઈ દંતાણી (ઉંમર ૧૮) રહે લુણાવાડા તથા ઇકો કારમાં સવાર આસિફ યાકુબ પીંજારા (ઉમર ૧૫ )તથા મહેક ઇમરાન પીંજારા (ઉમર ૬ )રહે વાઘજીપુરા તાલુકો લુણાવાડાને સારવાર આપી રજા આપ હતી.
હાલોલ કાલોલ વડોદરા રોડ પર થયેલ વિચિત્ર અકસ્માતથી ઘટનાસ્થળે તેમજ હાલોલ રેફરલ ખાતે લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.