ચિંતાજનક: આ એક લાલચના કારણે કેનેડા જઈને ખાલિસ્તાની દેખાવોમાં સામેલ થઈ રહ્યા છે યુવાનો
Indian Youths Joining Khalistan Protests In Canada: કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં ભાગ લેનારા લોકોમાં ભારતથી ગયેલા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતીય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમને શંકા છે કે આવા લોકો મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓના કેનેડામાં થનારા દેખાવોમાં સામેલ થઈ રહ્યા છે, જેઓ ત્યાં સ્થાયી થવા માગે છે. આ લોકોને લાગે છે કે ખાલિસ્તાનની માગ વાળા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈને અમે ત્યાંની સરકાર સામે માહોલ બનાવી દઈશું. ઘણા યુવાઓ તો એવા પણ છે જે આ આંદોલનમાં સામેલ થઈને સેલ્ફી પણ લે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ લોકોના દેખાવમાં સામેલ થનારાની સંખ્યા એટલા માટે વધી રહે છે કારણ કે, કેનેડા સરકારે ઈમિગ્રન્ટ્સની સંખ્યાને નિયંત્રિત કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે.
એક લાલચના કારણે ભારતના યુવાનો ખાલિસ્તાની દેખાવોમાં સામેલ થઈ રહ્યા
અત્યાર સુધી અધિકારીઓને જાણકારી મળી છે કે, લગભગ અડધો ડઝન એવી ઈમિગ્રેશન ફર્મ છે, જે લોકોને કેનેડામાં રહેવા માંગતા હોય તો ખાલિસ્તાન સંબંધિત આંદોલનોમાં સામેલ થવાની સલાહ આપી રહી છે. તેનાથી કેનેડા સરકાર પાસે નાગરિકતાનો દાવો કરવામાં મદદ મળશે. એક અધિકારીએ જણાવ્યું કે, કેટલાક યુવાઓ તસવીર લેતા નજર આવ્યા છે. તેમાંથી મોટા ભાગના કદાચ નાગરિકતા માટે અરજી કરવા માગે છે. આ એક રેકેટનો ભાગ છે. આ વર્ષે ખાલિસ્તાન સમર્થકોએ ઘણા પ્રદર્શનો કર્યા છે. આ લોકોએ ઘણી વખત ભારતીય વાણિજ્ય દૂતાવાસને ઘેરી અને રાજદ્વારીઓ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ પણ કર્યો છે.
આટલું જ નહીં ગત શનિવારે પણ ખાલિસ્તાનીઓએ એક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દિલાવર બબ્બર નામના એ ખાલિસ્તાનીના પોસ્ટર લહેરાવવામાં આવ્યા હતા, જે એક આત્મઘાતી હુમલાખોર હતો. તેણે પંજાબના પૂર્વ સીએમ બેઅંત સિંહની 29 વર્ષ પહેલા હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર ઈન્દિરા ગાંધીની હત્યા દર્શાવતી તસવીરો પણ લહેરાવવામાં આવી હતી.
જો કે, હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા કે આ રેલીઓના આયોજકોએ જ ત્યાં અસ્થાયી ધોરણે વસેલા યુવાનોને આમંત્રણ આપ્યું હતું. જો કે નવી દિલ્હીમાં આ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે, આ વર્ષે કેનેડા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
જસ્ટિન ટ્રુડો સત્તામાં આવ્યા બાદ અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો
ડેટા પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીથી લઈને જૂન સુધીમાં 16800 લોકોએ કેનેડામાં રહેવા માટે અરજી કરી હતી. તે વર્ષ 2023માં આખા વર્ષમાંકરવામાં આવેલી અરજીઓ કરતાં વધુ છે. આમ હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ આંકડો ઓછામાં ઓછો 25,000 સુધી પહોંચી શકે છે. એવું માનવામાં આવે છે કે કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડો સત્તામાં આવ્યા બાદ અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2015માં તો આ આંકડો માત્ર 380 હતો.