app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ન્યુ જર્સીમાં જીઓપીઆઇઓ દ્વારા મહિલા નેતૃત્વ અને નેટવર્કિંગ કાર્યક્રમનું આયોજન

માનસિક ત્રાસ, મહિલા અને પુરુષને મળતા પગારમાં રહેલ અસમાનતા જેવા મુદ્દાઓ પર ચર્ચા

Updated: Dec 15th, 2022



ન્યુ જર્સી, તા. 15 ડિસેમ્બર, 2022, ગુરૂવાર 

 અજાણ્યા દેશમાં પોતાના ગામની કોઈ વ્યક્તિ મળી જાય તો માણસ અલગ જ હૂંફ અનુભવે છે. તે જ હુંફને જાળવી રાખવાના હેતુથી વિદેશોમાં વસતા મૂળ ભારતીય લોકોએ મળીને અનેક સમૂહ અને સંસ્થાઓ ઊભી કરી છે. તેમાની એક સંસ્થા જીઓપીઆઇઓ એટલે ભારતીય મૂળના લોકોની વૈશ્વિક સંસ્થા છે, જે ૨૮ દેશોમાં કાર્યરત છે. 11 ડિસેમ્બર, રવિવારના રોજ પૂર્વ બ્રન્સવિક ખાતે આવેલ સંસ્થાના સેન્ટ્રલ જર્સી પ્રકરણ દ્વારા મહિલા નેતૃત્વ અને નેટવર્કિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૬૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. 


 

આ કાર્યક્રમની શરૂઆત કાવ્યા મહેતા દ્વારા રાષ્ટ્રનિષ્ઠાની પ્રતિજ્ઞા કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રવ્યા રાચાકોંડા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પેનલ ચર્ચામાં આઈટી મેનેજર, એચઆર મેનેજર, ડોક્ટરથી લઈને ડાન્સ ઈન્સ્ટ્રકટર તરીકે કારકિર્દી ભજવતી છ દક્ષિણ એશિયાની મહિલાઓ હાજર રહી હતી. પેનલિસ્ટ કીર્તિ મેહતા, રૂચા શાહ , મમતા શાહ, ડૉ. લક્ષ્મી વગેરે ચર્ચાનો ભાગ બન્યા હતા. આ પેનલ ચર્ચા એક એવું વાતાવરણ ઊભું કરવાના હેતુથી યોજાઇ હતી કે જ્યાં મહિલાઓ પોતાની સમસ્યાઓ વિશે વાત કરી શકે અને સુધારણા માટે નવા વિચારોનું આદાન પ્રદાન કરી શકે. મહિલાઓ સાથે ઘરમાં અને વ્યવસાયિક જીવનમાં સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ વિષયો જેમ કે મનાસિક ત્રાસ, કામ અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવું, મહિલા અને પુરુષને મળતા પગારમાં રહેલ અસમાનતા વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ઉધ્યોગ સાહસિક સીમા જગતિયાનીએ પોતાના જીવનના સંઘર્ષો અને સફળતા વિશે વાત કરી હતી. એડિસન ટાઉનશીપના મેયરે પણ કાર્યક્રમ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આખરે આરૂહી અને અનુષા દ્વારા મહિલાઓને ગીત સમર્પિત કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

 

નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. +91-8799236060









 

 

 

Gujarat