ગુજરાતી ફિલ્મસર્જક પાન નલીન આપબળે ફિલ્મમેકિંગ શીખ્યા હતા

પાન નલીન ઓસ્કરની કમિટીમાં પસંદ થયેલા પ્રથમ ગુજરાતી ફિલ્મમેકર

પાન નલીન સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, એન્ગ્રી ઈન્ડિયન ગોડેસીસ જેવી એવોર્ડ વિજેતા ફિલ્મોના જગવિખ્યાત ડિરેક્ટર


ગુજરાતી-અમેરિકન પાન નલીનની પસંદગી ઓસ્કર કમિટીમાં થઈ છે. ઓસ્કર કમિટીમાં સ્થાન મેળવનારા પાન નલીન પ્રથમ ગુજરાતી છે. ફિલ્મ મેકિંગની કોઈ જ વિધિવત્ત તાલીમ લીધા વગર પાન નલીન આપબળે ફિલ્મમેકર બન્યા છે. તેમણે કેટલીય એવોર્ડ વિજેતા ફિલ્મો બનાવીને દુનિયાભરમાં નામ મેળવ્યું છે.
પાન નલીનનું મૂળ નામ નલીન કુમાર પંડયા. તેમનો જન્મ અમરેલી પાસેના અડતાલા ગામમાં થયો હતો. અમરેલીના ખિજડિયા જંક્શન રેલવે સ્ટેશનમાં તેમના પિતાને ચાની દૂકાન હતી. પાન નલીન પણ ૧૨ વર્ષની વય સુધી પિતાને ચાની દૂકાનમાં મદદ કરતા. બાળપણમાં તેમને શાળાએ જવા કરતા પેઈન્ટિંગ્સ કરવું વધુ ગમતું. બાળપણથી જ કલ્પનાશીલ પાન નલીનને ફિલ્મોમાં ઊંડી રૃચિ હતી. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટનો કોર્સ કર્યો. વડોદરામાં તેમનો પરિચર વર્લ્ડ સિનેમા સાથે થયો અને ફિલ્મમેકિંગમાં રસ લેવાનું શરૃ કર્યું. કોઈ જ વિધિવત્ત તાલીમ લીધા વગર માત્ર પુસ્તકો વાંચીને ફિલ્મમેકિંગની ટેકનિક શીખ્યા. પુસ્તકો પણ ફિલ્મમેકિંગના નહીં, આર્કિટેક્ચર અને ડિઝાઈનિંગના પુસ્તકોના આધારે સ્ટ્રક્ચરલ ખ્યાલ મેળવ્યો. વિઝ્યુલાઈઝેશન શીખ્યા.
પાન નલીન અમદાવાદમાં એનઆઈડીમાં અભ્યાસ કરતા હતા એ ગાળામાં વિશ્વવિખ્યાત ગુજરાતી આર્કિટેક બાલકૃષ્ણ દોશીને મિત્રો સાથે મળતા. ત્યારે સ્થાપત્યોના સ્ટ્રક્ચરની ચર્ચા થતી. પાંખો વગર પણ બ્રિજ ઉભા રહી શકે છે એવી બધી વાતોમાંથી તેમની કલ્પનાશક્તિ વધી ખીલી.
ફિલ્મમેકિંગનો શોખ તુરંત પૂરો થાય તેમ હતો નહીં. શરૃઆતમાં લગ્નની વિડિયોગ્રાફી પણ કરી. ધીમે ધીમે ફિલ્મમેકિંગ ટેકનિકમાં કુશળતા મેળવી લીધી. જૂના કેમેરામાંથી કેટલીક ફિલ્મો બનાવી. અમેરિકા ગયા, બ્રિટન સહિત યુરોમાં પણ થોડો વખત રહ્યા. એ પછી ભારત આવીને ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાનું શરૃ કર્યું. એ સાથે જ તેમની ડ્રીમ જર્ની શરૃ થઈ. ડોક્યુમેન્ટરી ફિલ્મોની તેમની જર્ની પછી તો ફૂલલેન્થ ફિલ્મો સુધી પહોંચી. સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, ફેઈથ કનેક્શન જેવી કેટલીય ફિલ્મો  દુનિયાભરમાં વખણાઈ હતી. તેમણે ૨૦૨૧માં છેલ્લો શો નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી. આજે તેમના નામે અસંખ્ય ફિલ્મો, અનેક પુરસ્કારો બોલે છે. ઓસ્કર કમિટીમાં પસંદગી થતાં તેમની સિદ્ધિઓમાં વધુ એક પીછું ઉમેરાયું છે.

City News

Sports

RECENT NEWS