Get The App

અમેરિકામાં જ ભણ્યા પછી પણ નોકરીના પડશે ફાંફાં! OPT પ્રોગ્રામના નિયમો કડક કરવાની તૈયારીમાં ટ્રમ્પ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
Indian Students in USA News


Indian Students in USA News: અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ ત્યાં જ નોકરી કરવાની તક શોધતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીયો માટે મુશ્કેલીભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના હોમલૅન્ડ સિક્યોરિટી વિભાગે(DHS) જાહેરાત કરી છે કે તેઓ 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' એટલે કે OPT કાર્યક્રમની ફરીથી સમીક્ષા કરી રહ્યા છે. આ સમીક્ષાનો અર્થ એ છે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી એફ-1(F-1) વિઝા ધારકોને કામ કરવાની જે છૂટ મળે છે, તેના નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે અથવા તેને મર્યાદિત કરવામાં આવી શકે છે.

3 લાખ યુવાનોના ભવિષ્ય પર લટકતી તલવાર

હોમલૅન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સ્પષ્ટ કર્યું છે કે, વિભાગ એ તપાસી રહ્યો છે કે હાલની વ્યવસ્થા અમેરિકન શ્રમ બજાર, ટેક્સ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે કે નહીં. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' ઇમિગ્રેશન પોલિસી હેઠળ આ પગલું લેવામાં આવી રહ્યું છે. હાલમાં અમેરિકામાં 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડિગ્રી પૂરી કર્યા પછી OPT હેઠળ કામ કરી રહ્યા છે. જો આ નિયમોમાં ફેરફાર થશે, તો તેની સૌથી મોટી અસર ભારતીય યુવાનો પર પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના જાની દુશ્મન કેમ બની ગયા? જાણો યુદ્ધનું કારણ

રેગ્યુલેશન દ્વારા બનેલા OPT પ્રોગ્રામમાં ફેરફારની તૈયારી

નોંધનીય છે કે OPT પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે 12 મહિના અને STEM(વિજ્ઞાન, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત) વિષયના વિદ્યાર્થીઓ વધારાના 24 મહિના સુધી અમેરિકામાં રહીને નોકરી કરી શકે છે. જોકે, ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ કાર્યક્રમ સીધા કાયદા દ્વારા નહીં પરંતુ નિયમો(રેગ્યુલેશન) દ્વારા બનાવાયો હોવાથી તેમાં ફેરફારની શક્યતા વધુ છે. સીનેટર એરિક શ્મિટની ચિંતાઓને પગલે હવે આ પ્રોગ્રામને ટૂંકાવવા કે નાબૂદ કરવા સુધીની વિચારણા થઈ શકે છે, જે ભારત જેવા દેશો માટે અત્યંત મહત્ત્વની બાબત છે.

અમેરિકામાં જ ભણ્યા પછી પણ નોકરીના પડશે ફાંફાં! OPT પ્રોગ્રામના નિયમો કડક કરવાની તૈયારીમાં ટ્રમ્પ 2 - image