અમેરિકાના વિઝા નિયમો ફરી કડક, જાણો 14 વર્ષથી ઓછી ઉંમરના માટે કરાયેલો મહત્ત્વનો ફેરફાર
USA Visa Interview Rules: અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારા લોકોમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ લોકો માટે મહત્ત્વનો ફેરફાર કરતાં અમેરિકન સરકારે 2 સપ્ટેમ્બર 2025થી આ તમામ લોકો માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ ફરજિયાત કરી દીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે 25 જુલાઈએ આ જાહેરાત કરી છે, જેમાં અગાઉના વિઝા ઇન્ટરવ્યુ માફીના નિયમોમાં સુધારો કરાયો છે અને વિઝાની પાત્રતાને પણ વધુ કડક કરાઈ છે.
આ ફેરફારોને પગલે ઇન્ટરવ્યુમાં છૂટછાટ મેળવનારા લોકોની સંખ્યા ઘટશે અને B1/B2 વિઝા રિન્યુઅલના નિયમો વધુ કડક થશે. આ પગલું ટૂંકા ગાળાના પ્રવાસ અને બિઝનેસ વિઝા માટે વધુ કડક સ્ક્રીનિંગનો સંકેત આપે છે, ખાસ કરીને એ લોકો માટે જે અગાઉ ઇન્ટરવ્યુ માફીને પાત્ર હતા.
નવા નિયમોની સૌથી વધુ અસર કોને થશે?
અમેરિકાની નવી વિઝા નીતિ હેઠળ તમામ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારોએ વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં હાજર થવું પડશે, એ માટે ઉંમર પ્રમાણેની છૂટછાટ નહીં મળે. હવે તેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો પણ આવરી લેવાયા છે, જે અગાઉ ઘણાં કિસ્સામાં ઇન્ટરવ્યુ માફીનો લાભ મેળવતા હતા.
તો હવે કોણ ઇન્ટરવ્યુમાંથી બાકાત રહેશે?
1. ચોક્કસ શ્રેણીના વિઝા અરજદારો જ ઇન્ટરવ્યુ માફી માટે પાત્ર રહેશે. જેમ કે, ડિપ્લોમેટિક અને ઓફિશિયલ વિઝા અરજદારોને ઇન્ટરવ્યુ માફી મળશે, જેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેની વિઝા કેટેગરી સામેલ છે.
- A-1, A-2, C-3 (અધિકારીઓના સહાયકો, નોકરો કે વ્યક્તિગત કર્મચારીઓ સિવાય)
- G-1, G-2, G-3, G-4
- NATO-1થી NATO-6
- TECRO E-1 (તાઇપેઇ ઇકોનોમિક એન્ડ કલ્ચરલ રિપ્રેઝન્ટેટિવ ઑફિસ)
2. ફૂલ-વેલિડિટી વિઝિટર વિઝા(B-1, B-2, અથવા B1/B2)ના રિન્યુઅલ અરજદારો
આ વિઝા કે મેક્સિકન નાગરિકોના કિસ્સામાં બોર્ડર ક્રોસિંગ કાર્ડ્સ/ફોઇલ્સનું રિન્યુઅલ કરનારા અરજદારો માફી માટે પાત્ર બની શકે છે. જો કે, આ માટે રિન્યુઅલ અગાઉના વિઝાની સમાપ્તિ 12 મહિનાની અંદર થઈ હોય તેમજ અન્ય તમામ શરતો પૂરી થવી જરૂરી છે.
B1/B2 વિઝા રિન્યુઅલ માફીની શરતો શું છે?
B1/B2 રિન્યુઅલ શ્રેણી હેઠળ ઇન્ટરવ્યુ માફી મેળવવા માટે અરજદારોએ આ શરતો પૂરી કરવી જરૂરી છે.
- પોતાની જ રાષ્ટ્રીયતા કે નિવાસના દેશમાં અરજી કરવી જરૂરી રહેશે.
- અગાઉ વિઝા રિજેક્ટ થયેલા ન હોવા જોઈએ.
- કોઈ સ્પષ્ટ અથવા સંભવિત અપાત્રતા ન હોવી જોઈએ.
- જો અરજદાર આ પૈકીની એક પણ શરત પૂરી કરતો નહીં હોય, તો તેણે વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં હાજર થવું પડશે.
તો શું હજુ પણ ઇન્ટરવ્યુ જરૂરી છે?
હા. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે સ્પષ્ટ કર્યું છે કે કોન્સ્યુલર અધિકારીઓ તેમની સમજણ પ્રમાણે, માફી માટે પાત્ર લાગતા અરજદારોને પણ વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. તેનો અર્થ એ થયો કે માફીની કોઈ ગેરંટી નથી. આ માટે દરેક કેસને એક વ્યક્તિગત કેસ તરીકે જ જોવાશે. કોઈ નિયમ દરેક કેસમાં લાગુ ના પણ પડતો હોય, એવું થઈ શકે છે.
નવા નિયમોથી ભારતીયો પર શું અસર પડશે?
ઘણાં ભારતીય નાગરિકો કે જે પ્રવાસ, કૌટુંબિક મુલાકાતો અને બિઝનેસ મીટિંગ્સ માટે ટૂંકા ગાળાના વિઝિટર વિઝા (B1/B2) માટે અરજી કરે છે, તેમણે ભૂતકાળમાં ઇન્ટરવ્યુ માફીનો લાભ લીધો હોઈ શકે છે. જો કે, નવા નિયમો પ્રમાણે જે અરજદારો પાસે ભૂતકાળમાં ફૂલ વેલિડિટી વિઝા હતા, તેમણે ઇન્ટરવ્યુમાં હાજર થવું પડશે, સિવાય કે તેઓ તમામ માફીની શરતો પૂરી ન કરે. તેનાથી ભારતમાં યુએસ કોન્સ્યુલેટ્સ, ખાસ કરીને નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં પ્રોસેસિંગનો સમય વધી શકે છે.
તો હવે અરજદારોએ શું કરવાનું રહેશે?
અમેરિકન સરકારે તમામ વિઝા અરજદારોને સૂચન કર્યું છે કે, જે લોકોને વિઝા અરજી કરવાનું આયોજન છે, તેઓ યુએસ એમ્બેસી કે કોન્સ્યુલેટની વેબસાઇટ જુએ. ડૉક્યુમેન્ટ ચેકલિસ્ટ, ઇન્ટરવ્યુનો રાહ જોવાનો સમય અને સ્થાનિક પ્રક્રિયાની માહિતી આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ હશે. આ સિવાય અરજદારોએ વિઝા અરજીની જરૂરિયાતો અને પ્રક્રિયા વિશે વધુ વિગતવાર માહિતી માટે તેમજ એમ્બેસી કે કોન્સ્યુલેટની ઓપરેટિંગ સ્થિતિ અને સેવા વિશે જાણવા માટે એમ્બેસી અને કોન્સ્યુલેટની વેબસાઇટ્સ જોતા રહેવું પડશે.
વિઝા નીતિમાં અચાનક ફેરફારનું કારણ
અમેરિકન સરકારે નિયમોમાં ફેરફારનું સત્તાવાર કોઈ કારણ આપ્યું નથી. પરંતુ આ પગલું કદાચ કોવિડ-19 મહામારી વખતનો બેકલોગ ઘટાડવા લેવાયું હોઈ શકે છે. નોંધનીય છે કે, 18 ફેબ્રુઆરી 2025ના રોજ વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં વ્યાપક સ્તરે માફી અપાઈ હતી.