Get The App

અમેરિકન પોલીસની બુદ્ધિનું પ્રદર્શનઃ પરફ્યુમને ડ્રગ્સ ગણીને ભારતીય નાગરિકને જેલભેગો કર્યો, વિઝા પણ રદ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
Indian Origin Kapil Raghu Visa Revoked
(Photo: gofundme.com/Ashley Mays)

Indian Origin Kapil Raghu Visa Revoked: અમેરિકાના અરકાન્સાસ રાજ્યમાં રહેતી ભારતીય મૂળની વ્યક્તિ કપિલ રઘુના જીવનમાં એક અણધારી વિપત્તિ આવી પડી છે. પોલીસે તેની કારમાંથી મળેલી 'ઓપિયમ' નામધારી પરફ્યુમની બોટલને ગેરકાયદેસર ડ્રગ સમજી લઈને કપિલની ધરપકડ કરી હતી. વાત આટલેથી નહોતી અટકી, ભૂલ સમજાયા છતાં કપિલના વિઝા કરી દેવાયા હતો અને હવે તેને માથે દેશનિકાલની તલવાર લટકી રહી છે! 

શંકાસ્પદ પરફ્યુમ અને ગેરસમજ

ઘટના 3 મેની છે, જ્યારે બેન્ટન પોલીસે એક નાનકડા ટ્રાફિક નિયમ ભંગ માટે કપિલની ગાડી રોકી હતી. ગાડીની તપાસ દરમિયાન પોલીસને 'ઓપિયમ' (અફીણ) લેબલવાળી એક બોટલ જોવા મળી. કપિલે સમજાવવાનો પ્રયાસ કર્યો કે એ માત્ર એક ડિઝાઇનર પરફ્યુમ છે, છતાં પોલીસે નશીલો પદાર્થ રાખવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરી. આ ઘટના પોલીસ બોડીકેમ ફૂટેજમાં કેદ થઈ ગઈ છે, જેમાં અધિકારીઓને તે બોટલનો ઉલ્લેખ કરતા સંભળાય છે.

આરોપ મુક્ત થવા છતાં વિઝા રદ અને અટકાયતની સજા

અરકાન્સાસ સ્ટેટ ક્રાઇમ લેબમાં થયેલી તપાસમાં સાબિત થયું કે બોટલમાં પરફ્યુમ જ હતું, અફીણ નહોતું. તેમ છતાં કપિલને ત્રણ દિવસ જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ તેને ફેડરલ ઇમિગ્રેશન સુવિધામાં ખસેડવામાં આવ્યો, જ્યાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા તેને 30 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો! જિલ્લા અદાલતે 20 મેના રોજ નાર્કોટિક્સનો આરોપ રદ કર્યો, પરંતુ ત્યાર સુધીમાં કપિલના  વિઝા રદ થઈ ચૂક્યા હતા.

કાનૂની અને નાણાકીય સંઘર્ષનો સામનો 

કપિલના વકીલના મતે વિઝા રદ થવાનું કારણ એક ‘વહીવટી ભૂલ’ હતી. હવે કપિલનું નામ 'દેશનિકાલ' માટેના સંવેદનશીલ લિસ્ટમાં ઉમેરાઈ ગયું છે, જેના કારણે કોઈપણ નાના ગુના માટે પણ તાત્કાલિક તેને દેશનિકાલની સજા થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના પર કામ કરવાનો અને કમાવાનો પ્રતિબંધ લાગી જતાં તેના પરિવાર પર નાણાકીય બોજ વધી ગયો છે. કપિલની પત્નીએ કાનૂની ફી ભરવા માટે ત્રણ નોકરીઓ કરવી પડી રહી છે અને તેમની બચત ખલાસ થઈ ગઈ છે.

પરિવાર પર પડેલી માનસિક અસર

આ સમગ્ર ઘટનાએ કપિલ અને તેના પરિવારને ભાવનાત્મક રીતે તોડી નાખ્યો છે. કપિલની પત્ની આલ્લી મેય્સ જણાવે છે કે, તેમના માટે આ અનુભવ ખૂબ જ તણાવભર્યો રહ્યો છે. તેમની સાવકી દીકરીએ પણ એનાથી ખૂબ દુ:ખી થઈ છે. આલ્લી હવે કપિલ અને તેમની દીકરી સાથે અમેરિકા છોડીને બીજા કોઈ દેશમાં જતાં રહેવાનો વિચાર કરી રહી છે.

આ પણ વાંચો: અમેરિકા જવાનું સપનું રોળાયું! ટ્રમ્પની નીતિઓના કારણે ભારતીય સ્ટુડન્ટ વિઝામાં 44 ટકાનો ઘટાડો

કપિલની કાયદાકીય લડત

કપિલે ICEના કાનૂની કાર્યાલયને પત્ર લખીને તેનો વિઝા દરજ્જો પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે, તેના અગાઉના વકીલ દ્વારા સમયસર કાગળો જમા ન કરવામાં આવ્યા તેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. 

પોલીસની ઉદાસિનતાએ કપિલની સમસ્યા વધારી

વિદેશી નાગરિકની ધરપકડ કરાયા પછી તેના દેશના કોન્સ્યુલેટને એની માહિતી આપવાનો કાયદો હોવા છતાં, બેન્ટન પોલીસે ભારતીય કોન્સ્યુલેટને કપિલ બાબતે સૂચિત નહોતી કરી, જેને લીધે કપિલની સમસ્યા ઊંડી બની હતી. અમેરિકન કાનૂની અને ઇમિગ્રેશન સિસ્ટમ એક ભારતીય નાગરિક સાથે કેટલી હદે અમાનવીય ઢબે વર્તી શકે છે, એનું ઉદાહરણ આ કિસ્સો પૂરું પાડે છે.

અમેરિકન પોલીસની બુદ્ધિનું પ્રદર્શનઃ પરફ્યુમને ડ્રગ્સ ગણીને ભારતીય નાગરિકને જેલભેગો કર્યો, વિઝા પણ રદ 2 - image

Tags :