Get The App

અમેરિકાના આ રાજ્યની યુનિવર્સિટીઓમાં H1B વિઝાધારકોને નહીં મળે નોકરી, ગવર્નરે કહ્યું- અમેરિકન્સને પ્રાથમિકતા આપો

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
Florida H1B Visa Ban


Florida H1B Visa Ban: અમેરિકાના રાજ્ય ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસએ રાજ્યની યુનિવર્સિટીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે વિદેશી કર્મચારીઓને બદલે અમેરિકનોને નોકરી પર રાખે. તેમજ ગવર્નરે વિઝાના ખોટા ઉપયોગને ટાળવા અને ટેક્સપેયરના પૈસાથી મળતી નોકરીઓ માટે સ્થાનિક ગ્રેજ્યુએટ્સને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.

ફ્લોરિડા યુનિવર્સિટીમાં H-1B વિઝા પર પ્રતિબંધ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે 29 ઑક્ટોબરના રોજ જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓને હવે H-1B વિઝા ધરાવતા વિદેશી લોકોને નોકરી પર રાખવાની પરવાનગી નહીં મળે. તેમણે સંસ્થાઓને લગભગ તમામ હોદ્દાઓ પર અમેરિકન નાગરિકો અને ફ્લોરિડાના રહેવાસીઓને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે.

વિદેશી કર્મચારીઓ લાવવા પર સવાલ

ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે કહ્યું, 'દેશભરની યુનિવર્સિટીઓ H-1B વિઝા પર વિદેશી કર્મચારીઓને લાવી રહી છે, તેના બદલે તેઓ કાબેલ અને નોકરી માટે ઉપલબ્ધ અમેરિકનોને નોકરી પર રાખે. અમે ફ્લોરિડાની સંસ્થાઓમાં H-1Bનો દુરુપયોગ સહન નહીં કરીએ. એટલા માટે મેં ફ્લોરિડા બોર્ડ ઑફ ગવર્નર્સને આ રીતને ખતમ કરવાનો નિર્દેશ આપ્યો છે.'

H-1B ઓડિટ બાદ નિર્ણય

ડીસેન્ટિસે કહ્યું કે, 'આ નિર્ણય H-1B ઓડિટ પછી આવ્યો છે. આ ઓડિટમાં જાણવા મળ્યું કે રાજ્યની કૉલેજોએ ચીન અને અન્ય દેશોના લોકોને યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પોલિસી સ્પીકર તરીકે નોકરી પર રાખ્યા હતા.

ગવર્નરે સવાલ કર્યો કે પબ્લિક પોલિસી પર વાત કરવા માટે ચીનથી કોઈને લાવવાની શું જરૂર છે? આપણે આ ફ્લોરિડાના લોકો અથવા અમેરિકનો સાથે કરી શકીએ છીએ. જો આપણે તેમ ન કરી શકીએ તો આપણે ખરેખર આ સ્થિતિને ગહનતાથી જોવાની જરૂર છે.

આ પણ વાંચો: અમેરિકામાં નોકરી કરતાં ભારતીયોને વધુ એક ઝટકો! ઓટોમેટિક રિન્યૂ નહીં થાય વર્ક પરમિટ

સસ્તા વિદેશી લેબરને આયાત ન કરવા સૂચન

ગવર્નરે તેમના નિવેદનમાં કહ્યું છે કે, 'H-1B વિઝાનો હેતુ લોકોની કોઈ ખાસ કામ માટે ભરતી કરવાનો છે. પરંતુ ઘણી યુનિવર્સિટીઓએ એવી નોકરીઓ માટે વિદેશી વર્કરની ભરતી કરી છે, જે સરળતાથી અમેરિકનો દ્વારા ભરી શકાય છે.'

તેમણે આવી અનેક નોકરીઓના ઉદાહરણો પણ આપ્યા. તેમણે આગળ કહ્યું કે, 'ફ્લોરિડા હવે તમામ ટેક્સપેયર દ્વારા ભંડોળ પ્રાપ્ત યુનિવર્સિટીઓ પાસેથી એ અપેક્ષા રાખશે કે તે અમેરિકન વર્કફોર્સની સેવા કરે, ન કે સસ્તા વિદેશી લેબરને આયાત કરવા માટે ઉપયોગ કરે.'

અમેરિકાના આ રાજ્યની યુનિવર્સિટીઓમાં H1B વિઝાધારકોને નહીં મળે નોકરી, ગવર્નરે કહ્યું- અમેરિકન્સને પ્રાથમિકતા આપો 2 - image

Tags :