Get The App

ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં કરપીણ હત્યા, 10-12 લોકોએ માર મારી કાર ફેરવી દીધી

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં કરપીણ હત્યા, 10-12 લોકોએ માર મારી કાર ફેરવી દીધી 1 - image

Canada Gurkirat Murder Case: મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરના જાણીતા બેકરી વેપારીના પુત્રની કેનેડામાં કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટના 14 માર્ચે કેનેડાના ફોર્ટ સેન્ટ જોન શહેરમાં બની હતી, જ્યાં કોલેજના વિદ્યાર્થીઓએ પહેલા ગુરકીરત સિંહ મનીચા (24)ને નિર્દયતાથી માર માર્યો અને ત્યારબાદ તેના પર કાર ચઢાવી દીધી. ગંભીર રીતે ઘાયલ ગુરકીરતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગુરકીરત દેવાસ રોડ સ્થિત પાર્શ્વનાથ સિટીનો રહેવાસી હતો અને કેનેડાની નોર્ધન લાઈટ્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતો. તે અભ્યાસની સાથે વોલમાર્ટમાં નોકરી પણ કરતો હતો. મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

10-12 યુવકોએ મારપીટ કરી કારથી કચડયાનો આરોપ

ગુરકીરતના મોટા ભાઈ પ્રબકોરત સિંહે જણાવ્યું કે ઘટનાની જાણકારી કેનેડામાં રહેતા ગુરકીરતના મિત્રએ શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ફોન પર આપી હતી. માહિતી મુજબ, ડ્યુટી પૂરી થયા પછી નોર્ધન લાઈટ્સ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ ગુરકીરતને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાં અગાઉની કોઈ વાતને લઈને ચાલી રહેલા વિવાદમાં 10-12 યુવકોએ તેની સાથે મારપીટ કરી અને બાદમાં તેને કારથી કચડી માર્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસમાં 7-8 શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે, પરંતુ બાદમાં વકીલ આવતા તેમને છોડી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

'ખબર નહોતી કે આ છેલ્લી વાતચીત હશે'

પરિવારજનો પર અણધારી આફત આવી પડી છે, ઘટનાના એક દિવસ પહેલા શુક્રવારે ગુરકીરતની તેના પિતા ગુરજીત સિંહ મનીચા સાથે ફોન પર વાત થઈ હતી. તે સમયે ગુરજીત સિંહ દિલ્હીમાં આયોજિત ફૂડ એક્ઝિબિશનથી ઉજ્જૈન પરત ફરી રહ્યા હતા. બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી. હવે પિતાને એ વાતનો અફસોસ છે કે તેમને ખબર નહોતી કે પુત્ર સાથેની આ છેલ્લી વાતચીત સાબિત થશે. ગુરકીરતે ઉજ્જૈનની કારમેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ વિક્રમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને આશરે સવા વર્ષ પહેલા તે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો.

વિદેશમાં જ કારકિર્દી બનાવવાનું સપનું હતું

ગુરકીરત નોર્ધન લાઈટ્સ કોલેજમાં અભ્યાસની સાથે વોલમાર્ટ સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતો હતો, કારણ કે કેનેડાના નિયમ મુજબ ત્યાં રહેતા વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરવું જરૂરી છે. કેનેડા જતા પહેલા તે પિતાના ફૂડ સપ્લાય અને બેકરી બિઝનેસમાં મદદ કરતો હતો અને ભવિષ્યમાં વિદેશમાં જ કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને કેનેડા પોલીસ હાલમાં આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Explainer: હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો 'પ્લાન B', જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે

પરિવારે વિદેશ મંત્રી પાસે માંગી મદદ

ગુરકીરતના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજે ત્રણ અઠવાડિયાનો સમય લાગવાની શક્યતા છે. પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે મૃતદેહ ઝડપથી ભારત લાવવા માટે મદદની વિનંતી કરી છે. ગુરકીરતના પરિવારજનોએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તમામ ઔપચારિકતાઓ વહેલી તકે પૂરી મૃત પુત્રને ઉજ્જૈન પહોંચાડવામાં આવે, જેથી પરિવાર તેના અંતિમ દર્શન કરી શકે. આ સાથે જ તેમણે હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને સજાની માંગ પણ કરી છે.