ઊંચી ફી વસૂલી યુએઇના ફાસ્ટ ટ્રેક વિઝા આપતી જાહેરાતોથી દૂર રહેવા અપીલ, ICPએ આપી ચેતવણી
UAE Visa Notifications: યુએઇએ તેના રહેવાસીઓ, નાગરિકો તેમજ મુલાકાતીઓને ઓનલાઇન ફાસ્ટટ્રેક પર અપાતા વિઝાની જાહેરાતોથી દૂર રહેવા સલાહ આપી છે. ઊંચી ફી વસૂલી ઝડપથી (ફાસ્ટ-ટ્રેક) વિઝા અને રેસિડેન્સી સર્વિસ આપવાનો દાવો કરતી ઓનલાઇન જાહેરાતોથી દૂર રહેવા સલાહ આપી છે. યુએઇની ફેડરલ ઑથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટિઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યુરિટી (ICP) એ લોકોને ચેતવ્યા છે કે, આ પ્રકારની સેવાઓ બનાવટી છે. જે સરકાર દ્વારા અધિકૃત નથી.
થર્ડ પાર્ટીને કોઈ વિશેષાધિકાર અપાયો નથી
ICPએ સત્તાવાર નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, થર્ડ-પાર્ટી એજન્ટ્સ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આ પ્રકારની વિઝા પ્રક્રિયા દર્શાવતી જાહેરાતો કરવાનો કોઈ વિશેષાધિકાર અપાયો નથી. આ બિનઅધિકૃત સંસ્થાઓ છે. જે તમારા નાણાં લઈને છૂમંતર થઈ શકે છે. ઑથોરિટી તેની સરળ અને યુઝર ફ્રેન્ડલી સેવાઓ સત્તાવાર મંજૂર માધ્યમો મારફત પૂરી પાડે છે. જેમાં તેની સત્તાવાર વેબસાઇટ, સ્માર્ટ ઍપ્લિકેશન, અને ઑથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર્સ તથા ટાયપિંગ ઑફિસ સમાવિષ્ટ છે.
આ પણ વાંચોઃ ડેડલાઇન નજીક પણ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી અટવાઈ, જાણો કયા મુદ્દે સંમતિ ના સધાઈ
સત્તાવાર જાહેરાતો પર જ ફોકસ કરવા સલાહ
ઑથોરિટીએ તમામ લોકોને સત્તાવાર પ્લેટફોર્મ મારફત થતી જાહેરાતો પર ફોકસ કરવા કહ્યું છે. વિઝા અને ઈમિગ્રેશન સંબંધિત જાહેરાતો માટે આઇસીપી વેબસાઇટ, મોબાઇલ એપ, અધિકૃત ટાઇપિંગ સેન્ટર્સનો સંપર્ક સાધવા અપીલ કરી છે. આ સિવાયના માધ્યમો મારફત થતી કોઈપણ વિઝા સેવા સંબંધિત જાહેરાતોથી દૂર રહેવા તેમજ સાવચેતી જાળવવા પણ અપીલ કરી છે.
ફેક જાહેરાતો પર અંકુશ લાદવા કામગીરી
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે, આઇસીપી હાલ ફેક જાહેરાતો કરતી અને પ્રોત્સાહન આપતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા સંદિગ્ધ વેબસાઇટ પર અંકુશ લાદવા કામગીરી શરુ કરી છે. આ કામગીરીમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયારી કરી રહી છે.