અમેરિકાથી ભારત નાણાં મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પના નવા બિલથી NRIને અબજોના નુકસાનની ભીતિ
Trump Proposes 5% Remittance Tax: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની તિજોરી ભરવા માટે 5 % રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. 'ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ' નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે. આ યોજના અમલમાં મૂકાઈ તો એનો સૌથી મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કેમ કે વૈશ્વિક સ્તરે ભારતીયો જ વતનમાં સૌથી વધુ નાણાં મોકલનારી પ્રજા છે.
શું છે 'ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ'?
અમેરિકાનો વહીવટી ખર્ચ ઓછો કરીને દેશની આવક વધે એવા અનેક પગલાં ટ્રમ્પ લઈ રહ્યા છે. એમાંનું તાજું પગલું તે આ 'ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ'. પ્રાસ્તાવિક બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5 % રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મૂકાઈ છે.
કોઈ છૂટ નહીં અપાય
ફક્ત રોકડ જ નહીં, કોઈપણ ફોર્મમાં મોકલાતી નાણાંકીય સહાયને આ ટેક્સ લાગુ પડશે. આ બિલ અંતર્ગત કોઈ લઘુતમ મુક્તિ મર્યાદા પ્રસ્તાવિત કરવામાં આવી નથી. ટ્રાન્સફર નાના મૂલ્યનું હશે તોપણ રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં વસતા પરિજનો માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાધારણ રોકાણ માટે મોકલવામાં આવેલા નાણાં પર પણ 5 ટકાના દરે ટેક્સ લાગશે. શિક્ષણ, આરોગ્ય સંભાળ અથવા કટોકટી સહાય માટે મોકલવામાં આવેલા ભંડોળ પર પણ સમાન ટેક્સ લાગશે.
આ ટેક્સથી ભારત સૌથી વધુ પ્રભાવિત થશે
અમેરિકાના આ પગલાંથી દુનિયાભરના દેશો પ્રભાવિત થશે. એમાંય સૌથી વધુ અસર ભારતને થશે, કેમ કે આખી દુનિયામાં વતનમાં સૌથી વધુ નાણાં મોકલતી પ્રજા ભારતીય જ છે. આ સંદર્ભે થોડા આંકડા પર એક નજર નાંખીએ.
• ભારતને સૌથી વધુ રેમિટન્સ અમેરિકામાંથી મળે છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે વિશ્વના તમામ દેશોમાંથી કુલ 118.7 બિલિયન ડૉલર (10169 અબજ રૂપિયા) રેમિટન્સ મેળવ્યા હતા, જેમાંના આશરે 28 ટકા એટલે કે 32 બિલિયન ડૉલર (2740 અબજ રૂપિયા) એકલા અમેરિકામાંથી આવ્યા હતા. મળેલ રકમ પર જો 5 % રેમિટન્સ ટેક્સ લગાવવામાં આવે તો ભારતને 1.6 બિલિયન ડૉલર(137 અબજ રૂપિયા)ની ખોટ જાય.
• ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીયો રહે છે, જેમાંના લગભગ 32 લાખ ભારતીયો H-1B અને L-1 જેવા અસ્થાયી વર્ક વિઝા પર કામ કરે છે અથવા તો ગ્રીન કાર્ડ ધારકો છે, જેમને હજુ સુધી અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત નથી થઈ. 5 % રેમિટન્સ ટેક્સ લગાવવામાં આવે તો એ તમામ ભારતીયોને અસર થશે.
રેમિટન્સ મેળવનારા દેશોમાં ભારત 25 વર્ષથી ટોચના સ્થાને છે
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર 2024માં વૈશ્વિક સ્તરે રેમિટન્સનો આંકડો 685 બિલિયન ડૉલર (58681 અબજ રૂપિયા) જેટલો હતો. ભારત 25 વર્ષથી વધુ સમયથી રેમિટન્સ મેળવનારા દેશોમાં ટોચના સ્થાને રહેતું આવ્યું છે. ભારતને મળતા આ નાણાંપ્રવાહમાં મોટાભાગનો હિસ્સો ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય-પૂર્વના દેશોમાંથી આવે છે. વર્ષ 2024માં ભારતની રેમિટન્સ વૃદ્ધિ 17.4 ટકાની હતી, જે વૈશ્વિક સરેરાશ 5.8 ટકા કરતાં ક્યાંય વધુ છે. ભારત પછી બીજા ક્રમે આવતા મેક્સિકોને વાર્ષિક 68 બિલિયન ડૉલર (5825 રૂપિયા) મળે છે, જે ભારતને મળતા રેમિટન્સ કરતાં લગભગ અડધું છે. 48 બિલિયન ડૉલર (4112 રૂપિયા) સાથે ચીન ત્રીજા ક્રમે આવે છે.
વિકાસશીલ દેશોનો વિકાસ રુંધાશે
ઓછી અને મધ્યમ આવક ધરાવતા વિકાસશીલ દેશો માટે સમૃદ્ધ દેશોમાંથી આવતું રેમિટન્સ આવકનો નિર્ણાયક સ્ત્રોત રહ્યો છે. એ દેશોમાં ગરીબી ઘટાડવા, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રે આગળ આવવા માટે રેમિટન્સ મહત્ત્વનો સ્ત્રોત હોવાથી અમેરિકાના આ નવા ટેક્સથી એવા દેશોનો વિકાસ રુંધાશે.
રેમિટન્સ ટેક્સનો વિરોધ થઈ રહ્યો છેઃ રેમિટન્સ લક્ઝરી નથી, જીવનરેખા છે
અમેરિકામાં રહેતા વિવિધ વંશીય જૂથો દ્વારા રેમિટન્સ ટેક્સનો વિરોધ અને ટીકા થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે રેમિટન્સ એ લક્ઝરી નથી, એ લાખો લોકો માટે જીવનરેખા છે. વિદેશી નાગરિકો એવી દલીલ કરી રહ્યા છે કે, અમે અમેરિકામાં રહીને એના અર્થતંત્રને આગળ ધપાવીએ છીએ, અહીંની વ્યવસ્થા જાળવીએ છીએ, કાયદાનું પાલન પણ કરીએ છીએ અને આવકવેરો પણ ચૂકવીએ છીએ, તો પછી આ નવો રેમિટન્સ ટેક્સ અમારા માથે શું કરવા નાંખવામાં આવી રહ્યો છે?
રેમિટન્સ ટેક્સ ક્યારથી લાગુ થશે?
રેમિટન્સ ટેક્સ લાગુ કરવા બાબતે ટ્રમ્પ ઝડપ કરાવી રહ્યા છે. ‘યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ’ આગામી 26 મેના રોજ આવી રહેલા ‘મેમોરિયલ ડે’ સુધીમાં બિલ પસાર કરી દેવા માગે છે. ત્યારબાદ બિલને મંજૂરી માટે સેનેટમાં મોકલાશે. જો બધું સમુસુથરું પાર પડશે તો ટ્રમ્પ વહીવટીતંત્ર આ બિલ અમેરિકાના સ્વતંત્રતા દિવસ એટલે કે 4મી જુલાઈના રોજથી આ કાયદો લાગુ કરી દેવા માંગે છે, જેથી એને રાષ્ટ્રભક્તિનું લેબલ પણ લગાવી શકાય.
…તો ભારતમાં એકાએક રેમિટન્સ વધી જશે
રેમિટન્સ ટેક્સ લાગુ પડશે તો નુકશાન થશે, એવી ભીતિમાં સલાહકારો અમેરિકામાં વસતા વિદેશીઓને એવી સલાહ આપી રહ્યા છે કે, તમારી બચતના જેટલા બને એટલા વધુ નાણાં જુલાઈ મહિના પહેલાં વતન મોકલી દો, જેથી આ ટેક્સ ચૂકવવામાંથી તમે બચી શકો. જો ભારતીયો આ સલાહને અનુસરે તો ભારતને મળતા રેમિટન્સમાં એકાએક ધરખમ વધારો થઈ જશે.