યમદંડ કથા: સ્વામિનારાયણ ધર્મના સંતો દ્વારા અષાઢી સ્વરમાં રસપાન
- ન્યુજર્સી શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ
- શ્રધ્ધાળુઓએ આશીર્વાદ અને જ્ઞાાનામૃતનો લાભ લીધો: 12થી 16 જૂને મહોત્સવ યોજાયો
ન્યૂજર્સી, તા. 24 જૂન 2019, સોમવાર
ન્યૂજર્સી ખાતે શ્રી સ્વામિનારાયણ આજ્ઞાા ઉપાસના સત્સંગ મંડળ દ્વારા દ્વિતીય પાટોત્સવની શાનદાર ઉજવણી પ.પૂ. ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી અને પંચદિવસીય યમદંડ કથા પારાયણનો પ્રેરક લાભ......
અમેરિકામાં વસંતના મસ્તીભર્યા આગમનની ધારામાં ગ્રીષ્મની ઉષ્માના ઉલ્લાસને પોખવા તરસતા સહુ માટે વતનની ભીની માટીની સુગંધ, સંસ્કાર અને સંસ્કૃતિનો સંદેશો લઇ ભારતના કલાકારો, કથાકારો, ધર્માચાર્યો, ફંડ રેઇઝીંગના ઉદ્દેશ્ય ધરાવતા સેવાભાવીઓ અને અસંખ્ય મુલાકાતીઓની અણતૂટ વણઝાર શરૂ થાય છે. ધર્માચાર્યો નિજ ધર્મના પ્રચાર અને પ્રસારના સ્તુત્ય હેતુથી કલાકારો કમાણીના અને મનોરંજન પીરસવાના આશયથી અમેરિકાના વિધ વિધ નગરો, મહાનગરોમાં વિચરણ કરે છે અને જ્ઞાાનપિપાસુ, મનોરંજન વાંછુઓ આનો ભરપૂર લાભ લે છે.
આ વર્ષે આ પશ્ચાદ્ ભૂમિ સાથે ન્યુ જર્સી ખાતે અમુક સંપ્રદાયના નવનિર્મિત દેવાલયોમાં તેમના ઈષ્ટ દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના હૃદયંગમ, પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા છે. જેની વિગતવાર ચર્ચા પછી કરીશું.
અમેરિકામાં, વિશેષતઃ ન્યુ જર્સીના Manmouth Junction ખાતે શ્રી સ્વામિનારાયણ આજ્ઞાા ઉપાસના સત્સંગ મંડળ ((SS-AUSM) છેલ્લા ૧૫-૧૭ વર્ષથી સ્વામિનારાયણ ધર્મના પ્રસ્થાપક પ.પૂ. સહજાનંદ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત આચાર્ય પરંપરા ધરાવતી કાળુપુર (અમદાવાદ)ની શ્રી સ્વામિનારાયણ દેવ ગાદી અને વડતાલની શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી અંતર્ગત ગુજરાતમાં અને વિશ્વમાં આ પ્રશાખાઓના અનુયાયીઓ વર્ષ દરમ્યાન સત્સંગ, કીર્તન, ઉત્સવોની ઉજવણી તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજતા રહે છે અને દર વર્ષે તેમના ધર્મના વડા તેમને આશિર્વાદ અને જ્ઞાાનામૃતનો લાભ આપવા સંત ગણ સાથે પધારતા હોય છે.
આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ આજ્ઞાા ઉપાસના સત્સંગ મંડળના ઉપક્રમે તેમના પ્રગટ ગુરુહરિશ્રી ૧૦૦૮ અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશિર્વાદથી તેમના ચિરંજીવી ભાવિ આચાર્ય લાલજી મહારાજ પ.પૂ. આદરણીય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમના પરિવાર સાથે સંસ્થાના વિધ વિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવા પધાર્યા છે.
ન્યુજર્સી ખાતે આ ભક્તિભર્યા પંચ દિવસીય મહોત્સવનો કાર્યક્રમ બુધવાર તા. ૧૨ જૂનથી રવિવાર તા. ૧૬ જુન સુધી યોજાયો હતો. જેના આયોજનમાં આ સંસ્થાના સમર્પિત અગ્રણીઓ સર્વશ્રી ધીરુભાઇ પટેલ, ઘનશ્યામભાઇ પુરાણી, વિઠ્ઠલભાઇ, શ્રી ઘનશ્યામ સંઘાણી તથા વિશાળ કાર્યકરવૃંદે તેમની સફળતામાં સિંહ ફાળો આપ્યો હતો.
આ દ્વિતીય પાટોત્સવ અવસરે ''યમદંડ કથા''નું વિદ્વાન સંતો અને અભ્યાસી સર્વશ્રી પૂજ્ય સ્વામી શ્રી નિર્ભયદાસજી સ્વામી અને પૂજ્ય સ્વામીશ્રી પૂર્ણસ્વરૂપદાસજી (સરધારા)એ તેમની અમૃતમય અને ભજનોથી તથા તેમની સૂરીલા અષાઢી સ્વરમાં રસપાન કરાવ્યું હતું.
શનિવાર તા. ૧૫ જૂનના રોજ પ.પૂ. ૧૦૮ શ્રી લાલજી મહારાજ તથા તેમના બાળ ચિરંજીવી પૂ. નાના લાલજીએ તેમની દિવ્ય વાણીમાં સર્વાવતારી સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત અને ફિલસૂફીનો મર્મ સમજાવ્યો હતો.
રવિવાર તા. ૧૬ જૂન વાસ્તવમાં અહીં Father's Day તરીકે ઉજવાય છે. પૂ. લાલજી મહારાજે સવારે આ જગત્પિતા ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ તથા અન્ય પ્રસ્થાપિત મૂર્તિઓ પર વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક પૂજા કરી હતી.
ત્યારબાદ ધર્મકુળ દર્શનમાં આચાર્યશ્રીનું ઉદ્બોધન અને દર્શનના મહિમાનો લાભ સહુએ લીધો હતો. પરંપરાગત અન્નકૂટ દર્શનનો તથા આરતી અને મહાપ્રસાદનો લાભ લઇ સહુ પંચ દિવસીય કથામૃતની અને આચાર્યશ્રીની દિવ્ય વાણીના મધુર સંસ્મરણો સાથે વિદાય થયા હતા.