અમેરિકામાં ભારતીય મૂળની વિદ્યાર્થિની 8 દિવસથી ગુમ, મિત્રો સાથે ફરવા ગઇ હતી, ઈન્ટરપોલ દ્વારા યલો નોટિસ જાહેર
Indian Origin Girl Missing From Dominican Republic: અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય મૂળ સુદિક્ષા કોનાંકી 6 માર્ચથી ડોમિનિકન રિપબ્લિકના કેરેબિયન ટાપુ પરથી ગુમ છે. સુદિક્ષાને ગુમ થયે એક સપ્તાહ જેટલો સમય થયો હોવા છતાં સ્થાનિક પોલીસ હજુ સુધી તેની ભાળ મેળવી શકી નથી. ડોમિનિકન પોલીસ અને એફબીઆઈ સાથે મળી તેની શોધ કરી રહી છે.
20 વર્ષીય સુદિક્ષા તેના પાંચ મિત્રો સાથે ડોમિનિકન રિપબ્લિકના પુન્ટા કાના શહેરમાં ફરવા ગઈ હતી. જ્યાં તે તેના મિત્રો સાથે પુન્ટા કાનામાં આવેલી રિઆ રિપબ્લિકા હોટલમાં રોકાઈ હતી. છેલ્લે છ માર્ચે હોટલમાં વીજળી ગુલ થતાં હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બિચ પર ગયા હતાં. જેમાં સુદિક્ષા પણ બિચ પર જોવા મળી હતી. ત્યારબાદથી તે ગુમ છે. સ્થાનિક પોલીસ હોટલના સ્ટાફ ઉપરાંત ત્યાં હાજર તમામ વ્યક્તિની ફરી પુછપરછ કરી રહી છે. તેના પરિવારે જણાવ્યું હતું કે, તે પોતાનો ફોન અને પર્સ તેના મિત્રોને સોંપીને ગઈ હતી. જો કે, અગાઉ તેણે ક્યારેય આવુ કર્યું નથી. તે હંમેશા પોતાનો ફોન પોતાની પાસે જ રાખે છે.
દરિયામાં ડૂબી ગઈ હશે...
સુદિક્ષા પોતાની પાંચ બહેનપણી સાથે 3 માર્ચના રોજ ડોમિનિકન રિપબ્લિક પહોંચી હતી. જ્યાં છેલ્લે તે પોન્ટા કાનામાં આવેલા બિચ પર જોવા મળી હતી. જેથી પ્રારંભિક તપાસમાં તે દરિયામાં ડૂબી ગઈ હોવાની થિયરી અપનાવવામાં આવી હતી. પોલીસે હવા, પાણી અને જમીન ત્રણેય બાજુથી તપાસ હાથ ધરી છે. પરંતુ હજી સુધી તેની ભાળ મળી શકી નથી. ડોમિનિકન પ્રેસિડન્ટ લુઈસે પોતાની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે ચર્ચા કરી હતી કે, 'અમે ચિંતિત છીએ. તમામ સરકારી એજન્સી તેને શોધી રહી છે. તે ગુમ થઈ તે દિવસે દરિયામાં કરંટ વધુ હોવાથી કદાચ તે દરિયાના વહેણમાં ખેંચાઈ ગઈ હશે. વધુમાં તેમણે દેશમાં ટુરિસ્ટ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું કે, દરવર્ષે અહીં 1.1 કરોડ પ્રવાસીઓ આવે છે, તમામ સુરક્ષિત રહે છે. ખૂબ ઓછા પ્રમાણમાં આ પ્રકારની ઘટના બને છે.'
ઈન્ટરપોલે વૈશ્વિક પોલીસ એજન્સીની મદદ માગી
ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન)એ વૈશ્વિક સ્તરે પોલીસ એજન્સીઓને આ કેસમાં મદદરૂપ થવા યલો નોટિસ જારી કરી છે. આ કેસમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, એફબીઆઈ, હોમલેન્ડ સિક્યુરિટી અને વર્જિનિયા પોલીસ પહેલેથી જ સાથે મળી કામ કરી રહી છે.
સુદિક્ષાનું અપહરણ થયુ હોવાની અટકળો
સુદિક્ષાનું અપહરણ થયુ હોવાની અટકળો પણ વહેતી થઈ છે. અગાઉ રિપોર્ટ આવ્યા હતા કે, સુદિક્ષાના કપડાં મળી આવ્યા છે, પરંતુ આ રિપોર્ટને ખોટા ઠેરવતાં સ્થાનિક સિવિલ ડિફેન્સ ડિરેક્ટર જુઆન સાલાસે જણાવ્યું હતું કે, 'અમે સુદિક્ષાની શોધ કરી રહ્યા છે. ડ્રોન, હેલિકોપ્ટર, અને ડોગ સ્ક્વોડ સાથે તેની શોધ કરી રહ્યા છીએ. પોલીસ તમામ એંગલથી આ કેસમાં તપાસ કરી રહી છે.'
અપહરણ કે માનવ તસ્કરીમાં ફસાઈ હોવાનો પિતાનો દાવો
અમેરિકાની પરમિનન્ટ રેસિડન્ટ ભારતીય મૂળ સુદિક્ષા માતા-પિતા સાથે વોશિંગ્ટનના વર્જિનિયામાં રહે છે. પોલીસ તેની માતા શ્રીદેવી કોનાંકી, અને પિતા સુબ્બરયુડુ સાથે સતત સંપર્કમાં છે. તેના પિતા સુબ્બરયુડીએ દાવો કર્યો હતો કે, તેમની પુત્રીનું અપહરણ થયુ હશે અથવા તો માનવ તસ્કરીમાં ફસાઈ હોઈ શકે, પોલીસે આ એંગલથી પણ તપાસ કરવી જોઈએ.
પુન્ટા કોનામાં અન્ય ચાર પ્રવાસીઓ પણ ગુમ
સુદિક્ષાના ગુમ થયાની ઘટનાના બે મહિના પહેલાં પુન્ટા કાનાના અરેના ગોર્ડા બિચ પરથી ચાર પ્રવાસીઓ ગુમ થયા હતાં. તે ચારેય પણ છેલ્લે એ જ બિચ પર જોવા મળ્યા હતા, જ્યાં સુદિક્ષા દેખાઈ હતી. ડોમિનિકન રિપબ્લિકની સિવિલ ડિફેન્સ એજન્સીનું કહેવુ છે કે, અરેના ગોર્ડા બિચના દરિયામાં કરંટ વધુ છે. જેથી આ પ્રવાસીઓ દરિયામાં ખેંચાઈ ગયા હોવાની આશંકા છે.
મિત્રોએ આપ્યા વિરોધાભાસી નિવેદનો
સુદિક્ષાના મિત્રોએ પોલીસને વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. છેલ્લે સુદિક્ષા તેની મિત્ર જોશુબા રિબે સાથે જોવા મળી હતી. રિબેએ પહેલાં પોલીસને જણાવ્યું હતું કે, તે સુદિક્ષા સાથે બિચ પર ગઈ હતી, જ્યાં તેને ઉલટી થઈ તેથી તે હોટલમાં જઈ સુઈ ગઈ. કદાચ દરિયાના મોજા સુદિક્ષાને ખેંચી ગયા હતાં. જ્યારે હોટલના ફુટેજમાં રિબે 10 વાગ્યે હોટલમાં પરત ફરતો દેખાયો હતો. ઉલ્લેખનીય છે, તેના પાંચેય મિત્રોએ સવારથી માંડી સાંજના ચાર વાગ્યા સુધી પોલીસને સુદિક્ષા ગુમ થઈ હોવાની જાણ કરી ન હતી.