અમેરિકામાં ગુજરાતી ગીત-સંગીતને ગુંજતું રાખનારાઓને સલામ
સ્વર કિન્નરી પ્રતિભા સંપન્ન ડૉ. દર્શના ઝાલા
ડૉ. નિરાગ ઝાલા પાસે પેથોલોજીનો વિશાળ અનુભવ: Zala Algoritham
ન્યુજર્સી, તા. 15 જુલાઈ 2019, સોમવાર
અમેરિકામાં વસતા વિધ વિધ ક્ષેત્રે પ્રતિભા સંપન્ન પ્રોફેશનલોએ તેમના ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઉપરાંત અન્ય ક્ષેત્રે પણ લોકપ્રિયતા અને સફળતાના ઉત્કૃષ્ટ શિખર સર કરેલા છે. આથી એક પ્રતિભાશાળી ડૉ. દર્શના ઝાલા જે અમેરિકામાં ૧૯૯૧થી વસે છે અને Pathology ની વિસ્તરતી શાખાઓમાં તેમના સર્વાંગી અનુભવ, અધ્યયન અને રીસર્ચ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે જે વિષે વિગતે પછી જણાવું છું.
આ જ દર્શનાબેન ઝાલાએ ભારતીય / ગુજરાતી સુગમ તથા શાસ્ત્રીય કંઠય સંગીત ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન સાથે વૈશ્વિક સફળતા પ્રાપ્ત કરેલ છે. ૧૯૨૮મા Miraj University, મહારાષ્ટ્ર, ભારત ખાતે Bachelor of Music, સંગીત વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. ૧૯૮૬માં ગુજરાત યુનિ.માંથી બી.જે. મેડિકલ કોલેજ દ્વારા MBBS અને ૧૯૯૧માં પેથોલોજી અને બેકટોરીયોલોજી ક્ષેત્રે માસ્ટર્સ ડીગ્રી પ્રાપ્ત કરી અમેરિકામાં મેડીસન અને મ્યુઝીક જેવી જનતાને સ્પર્શતા ક્ષેત્રોમાં લાજવાબ યોગદાન આપી રહ્યા છે.
પહેલા મ્યુઝિક ક્ષેત્રે જોઈએ
અમદાવાદમાં ૧૯૭૬-૧૯૭૯ દરમ્યાન યોજાયેલ શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધાઓમાં પ્રથમ પારિતોષિક ૧૨ વખત મેળવી, આ ક્ષેત્રે તેમના સ્વર, સૂર અને શબ્દના સુમધુર સમન્વયનો અને વિસ્તરતી ક્ષિતિજોનો સફળ અનુભવ કરાવ્યો. ૧૯૭૯માં ગુજરાત સરકારના આમંત્રણ અને સૌજન્યથી ફિલ્મોમાં અને અન્યત્ર તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો. ૧૯૮૮માં ''મહેફિલ'' નામની દૂરદર્શનની Live Music Competition માં વિજેતા બન્યા.
૧૯૯૧માં M.D. ડીગ્રી લઇ અમેરિકા આવ્યા અને સંગીત ક્ષેત્રે તેમના કંઠ માધુર્ય, શાસ્ત્રીય રાગો અને સંગીતની સુદીર્ધ સાધનાના પરિપાકરૂપે તથા સુગમ સંગીત / શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશાળ વાંચન અને સંપર્કને કારણે તેમના પોતાના ગીતોની રસપ્રદ, કલાત્મક પ્રસ્તુતિમાં પ્રાવીણ્યને કારણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
ન્યુ જર્સીમાં ૧૯૮૨ થી ગુજરાતી સાહિત્ય / સંગીત / કવિતાને અનુપમ પ્લેટફોર્મ આપતી ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ન્યુ જર્સી ખાતેના તથા અન્યત્ર સંગીત કાર્યક્રમોમાં તેમના કંઠ માધુર્ય અને પ્રસ્તુતિની આગવી કળાથી છવાઇ ગયા એટલું જ નહિ પણ તે સંસ્થાની કારોબારી સમિતિમાં ૧૫ વર્ષથી વધુ યશસ્વી યોગદાન આપ્યું. તેમણે અમેરિકા આવ્યા ત્યારે પ્રારંભમાં Alabama, હ્યુસ્ટન, ફિલાડેલ્ફીયા તથા અન્યત્ર રહેવા છતાં સંગીતના સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેવાના તથા તેમાં છવાઇ જવાના કારણે તેમની લોકપ્રિયતા અને લોકચાહનાની ક્ષિતિજો વિસ્તરતી ચાલી.
ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત ગાયકો શ્રી આસિત દેસાઈ અને ગૌરાંગ વ્યાસ જેવા મહારથીઓની સાથે અને સાનિધ્યમાં તેમની ગાયકીના માધુર્યની મીઠી યાદો વેરતા ગયા છે.
૨૦૧૮માં ફિલાડેલ્ફીયામાં શ્રેષ્ઠ ડોક્ટરનું સન્માન મેળવ્યું
તેઓ અને તેમના પતિ ડૉ. નિરાગ ઝાલાએ પેથોલોજીના વિશાળ અનુભવ અને પ્રભુત્વનો ઉપયોગ કરી '‘Zala Algorithm '' નામનું tool બનાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મનુષ્યના આંતરડા અંતર્ગત અવયવોમાં જોવા મલતા કેન્સરની પ્રારંભિક માહિતી માટે ઉપકારક શોધ કરી છે અને વિશ્વભરમાં તેનો પ્રચાર-પ્રસાર કરવા જાય છે. આશરે ૩૨ દેશોમાં તે પ્રચલિત થતું જાય છે.
ગુજરાત સમાચાર આયોજિત 'સમન્વય' કાર્યક્રમમાં પણ ૨૦૧૪ની સાલમાં તેમણે ગાયકી થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આવી પ્રતિભાને આવો આપણે સહુ પણ અભિનંદીએ.