Get The App

વિદેશોમાં વસતા ભારતીયોએ રેકોર્ડબ્રેક 11.59 લાખ કરોડ સ્વદેશ મોકલ્યા, આઠ વર્ષમાં આંકડો બમણાંથી પણ વધુ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશોમાં વસતા ભારતીયોએ રેકોર્ડબ્રેક 11.59 લાખ કરોડ સ્વદેશ મોકલ્યા, આઠ વર્ષમાં આંકડો બમણાંથી પણ વધુ 1 - image

Indians Send Record Remittance To India: વિદેશમાં વસતાં નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) દ્વારા ભારત મોકલવામાં આવતું રેમિટન્સ રૅકોર્ડ સ્તરે વધ્યું છે. ગત નાણાકીય વર્ષમાં ભારતમાં 135.46 અબજ ડૉલર  (રૂ. 11.60 લાખ કરોડ)નું રેમિટન્સ મોકલવામાં આવ્યું છે. જે એનઆરઆઇ દ્વારા ભારત મોકલવામાં આવતાં નાણા પ્રવાહની અત્યારસુધીની રૅકોર્ડ ટોચ છે. છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે ભારતમાં રેમિટન્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

આરબીઆઇ દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બેલેન્સ ઑફ પેમેન્ટ્સના આંકડાઓ અનુસાર, એનઆરઆઇ દ્વારા મોકલવામાં આવતું રેમિટન્સનું પ્રમાણ ગતવર્ષે 14 ટકા વધ્યું છે. જે એક દાયકામાં 2016-17માં 61 અબજ ડૉલરની તુલનાએ લગભગ બમણાથી વધ્યું છે. 

રેમિટન્સનો હિસ્સો 10 ટકા

આરબીઆઇના આંકડાઓ અનુસાર, 31 માર્ચના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કુલ ચાલુ ખાતામાં રોકાણ પ્રવાહ કુલ 1 લાખ કરોડ ડૉલર નોંધાયો હતો. જેમાં રેમિટન્સનો હિસ્સો 10 ટકા રહ્યો હતો. 

છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલું રેમિટન્સ

વર્ષરેમિટન્સ (અબજ ડોલર)
2020-2180.18
2021-2289.13
2022-23112.47
2023-24118.71
2024-25135.46


આ પણ વાંચોઃ BIG NEWS: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત

વેપાર ખાધ ઘટાડવા રેમિટન્સ મહત્ત્વનું

આરબીઆઇના સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે, ભારતમાં મળતું રેમિટન્સ સામાન્ય રીતે ભારતના એફડીઆઇ રોકાણ કરતાં વધુ રહ્યું છે. રેમિટન્સ એ બાહ્ય ફંડિંગ રૂપે સ્થિર સ્રોત રહ્યું છે. આ રેમિટન્સ ભારતની વેપાર ખાધમાં ઘટાડો કરવા મદદરૂપ બને છે. દેશની કુલ વેપાર ખાધ 287 અબજ ડૉલરનો 47 ટકા હિસ્સો રેમિટન્સમાંથી મળ્યો હતો. 

રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અવ્વલ

વર્લ્ડ બૅન્કના આંકડાઓ અનુસાર, વૈશ્વિક સ્તરે 2024માં રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અગ્રણી રહ્યું છે. મેક્સિકો 68 અબજ ડૉલર સાથે બીજા ક્રમે અને ચીન 48 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. જે દર્શાવે છે કે, ભારતનો મોટાભાગનો કુશળ કામદાર વર્ગ અમેરિકા, યુકે, અને સિંગાપોર જેવા વિકસિત દેશોમાં સ્થાયી થઈ રહ્યો છે.

શું હોય છે રેમિટન્સ

રેમિટન્સ વાસ્તવમાં એ રકમ છે, જે વિદેશમાં રહેતાં લોકો પોતાના વતન મોકલે છે. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારત મોકલવામાં આવતી કમાણી ભારતના રેમિટન્સ તરીકે ઓળખાય છે. IMFની વ્યાખ્યા (2009) અનુસાર, રેમિટન્સને બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એક કમ્પેનસેશન ઓફ એમ્પ્લોયીઝ અને બીજુ પર્સનલ ટ્રાન્સફર.. ભારતમાં પર્સનલ ટ્રાન્સફર અર્થાત પોતાના ઘરે કમાણી મોકલવામાં NRI અવ્વલ છે. દેશના કુલ રેમિટન્સમાં પર્સનલ ટ્રાન્સફરનો હિસ્સો વધુ હોય છે.

વિદેશોમાં વસતા ભારતીયોએ રેકોર્ડબ્રેક 11.59 લાખ કરોડ સ્વદેશ મોકલ્યા, આઠ વર્ષમાં આંકડો બમણાંથી પણ વધુ 2 - image