ફિલિપાઈન્સે રિમોટ વર્કર માટે નોમૅડ વિઝા જારી કર્યા, એક વર્ષ સુધી વસવાટ કરવા આપશે મંજૂરી
Philippines Launched Nomad Visa: વૈશ્વિક સ્તરે રિમોટ વર્કિંગમાં ઝડપથી ઉભરી રહેલા ફિલિપાઈન્સે વિદેશી રિમોટ વર્કર માટે સત્તાવાર ધોરણે ડિજિટલ નોમૅડ વિઝા (DNV) શરૂ કર્યા છે. વિદેશી કામદારોને ફિલિપાઈન્સમાં રહેવા આકર્ષિત કરવા માટે સત્તાવાર ધોરણે ડિજિટલ નોમૅડ વિઝાને પ્રેસિડન્ટ ફર્ડિનાન્ડ "બોંગબોંગ" માર્કોસ જુનિયરે મંજૂરી આપી છે. આ નોમૅડ વિઝા 24 એપ્રિલ, 2025થી લાગુ થયા છે.
શું છે શરત?
નવા વિઝા પ્રોગ્રામ હેઠળ વિદેશી નાગરિકો એક વર્ષ સુધી ફિલિપાઈન્સમાં વસવાટ અને રિમોટ વર્ક કરી શકે છે. જેને રિન્યુ પણ કરાવી શકાશે. અરજદારની વય ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જેમાં તેઓ ફિલિપાઈન્સની બહારથી કમાણી કરી રહ્યા હોવાનો પુરાવો આપવાનો રહેશે. તેમજ માન્ય હેલ્થ ઈન્સ્યોરન્સ, અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ન હોવા જોઈએ. ફિલિપાનો ડિજિટલ નોમૅડ્સ માટે રેસિપ્રોકલ સુવિધા ધરાવતા દેશોના નાગરિકોને જ આ વિઝા મળશે. ઉલ્લેખનીય છે, ભારતે હજી સુધી રિમોટ વર્કિંગ માટે નોમૅડ પ્રકારના વિઝા જારી કર્યા નથી.
ટુરિઝમને વેગ આપવાની કવાયત
વિદેશી બાબતોના વિભાગે (DFA) આ વિઝા મામલે વિસ્તૃત રેગ્યુલેશન્સ એક મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. DFA આ મામલે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ઈમિગ્રેશન બ્યૂરો સાથે મળી કામ કરી રહ્યું છે. ટુરિઝમને વેગ આપવા તેમજ આર્થિક ગ્રોથને મજબૂત બનાવવા ફિલિપાઈન્સ વિદેશી રિમોટ કામદારોને વસવાટ કરવા આમંત્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે રિમોટ વર્કિંગ મામલે ફિલિપાઈન્સ ઝડપથી વિકસતો સાતમો દેશ છે. નવા વિઝામાં મલ્ટીપલ એન્ટ્રીના લાભો પણ સામેલ છે. 2025માં આંતરરાષ્ટ્રીય રિમોટ વર્કર્સ માટે વિશ્વભરના 60 દેશોએ ડિજિટલ નોમૅડ વિઝા અથવા તેને સમકક્ષ વિઝા સ્કીમ શરૂ કરી છે. યુરોપ, આફ્રિકા, અને લેટિન અમેરિકા સહિત છ એશિયન દેશોએ ડિજિટલ નોમૅડ વિઝા પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. યુએઈએ પ્રોફેશનલ્સને યુએઈમાં રહી વિદેશી કંપનીઓમાં કામ કરવા વર્ચ્યુઅલ વર્ક વિઝા જારી કર્યા હતા. ફિલિપાઈન્સના આ વિઝાનો ઉદ્દેશ સ્થાનિક જોબ માર્કેટમાં અફરાતફરી મચાવ્યા વિના સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો છે.