અમેરિકા જવાનું સપનું હોય તો સોશિયલ મીડિયામાં સાચવીને પોસ્ટ કરજો! નહીંતર વિઝાના પડશે ફાંફા
US Visa Social Media Warning: ટ્રમ્પ વહીવટીતંત્રમાં અમેરિકા જવું થોડું વધુ મુશ્કેલ બને એવા સમાચાર આવ્યા છે. જાણવા મળ્યું છે કે અમેરિકા ફક્ત પ્રવાસ માટે જવા ઇચ્છુક લોકોએ પણ હવે અમુક ચોક્કસ પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે અને એ સાવધાની સોશિયલ મીડિયા સંબંધિત છે, કેમ કે વિઝા આપતાં પહેલાં હવે અરજદારોની ઓનલાઇન હાજરીની સમીક્ષા પણ કરવાનું શરુ થયું છે. અરજદારની ઓનલાઇન પ્રોફાઈલ અને વિઝા અરજીમાં લખેલી વિગતો વચ્ચે વિસંગતતા હશે તો વિઝા મેળવવામાં વિલંબ અથવા સદંતર અસ્વીકાર પણ થઈ શકે છે.
અમેરિકા જવા ઇચ્છુક લોકોને ઇમિગ્રેશન નિષ્ણાતોની સલાહ
ઇમિગ્રેશન બાબતના નિષ્ણાતોએ અમેરિકા જવા ઇચ્છુક લોકોને સલાહ આપતાં કહ્યું છે કે, કાયમી કે વર્ક વિઝા નહીં, ફક્ત ટુરિસ્ટ વિઝા માટે અરજી કરતા હો તો પણ સાચવીને કરજો, કેમ કે તમારા તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને ‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ને નામે તપાસવામાં આવશે. ક્યાંક કશીક પણ વિસંગતતાઓ, અનધિકૃત કાર્ય કે ખોટી રજૂઆત જણાઈ તો તમારી અરજી રદ કરી દેવામાં અમેરિકન સત્તાવાળાઓ વાર નહીં લગાડે.
અરજદારોની પૃષ્ઠભૂમિની તપાસ
ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP), અને યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) જેવી અમેરિકન એજન્સીઓ અરજદારોની પૃષ્ઠભૂમિની તપાસના ભાગરૂપે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હાજર ડેટાનો ઉપયોગ કરી રહી છે. તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસની અસર વિઝા ઇન્ટરવ્યુ, ઍરપોર્ટ ઇન્સ્પેક્શન, વર્ક વિઝા ઇશ્યુ, અમેરિકામાં વધારાના રોકાણ અથવા ત્યાંની નાગરિકતા માટેની અરજી પર થઈ શકે છે. નાનો અમસ્તો વિરોધાભાસ પણ પ્રશ્નો ઊભા કરી શકે છે અને વિઝામાં વિલંબ કે નામંજૂરીમાં પરિણમી શકે છે.
CBP અધિકારીઓ પાસે સરહદ પર ફોન અને લેપટોપની તપાસ કરવાની સત્તા પણ હોય છે. દરેક પ્રવાસીની આવી તપાસ કરવામાં આવતી નથી, પણ અગાઉની સરખામણીમાં હવે આવી તપાસમાં ઘણો વધારો થયો છે.
કઈ રીતે કરવામાં આવે છે ‘સ્ક્રીનિંગ’?
‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ એ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત એક ટૂલ/સાધન છે. તમામ વિઝા અરજદારોની અરજી સૌથી પહેલાં સ્વયંસંચાલિત 'બેઝલાઇન' સોશિયલ મીડિયા સ્ક્રીનીંગમાંથી પસાર થાય છે. આ કામ ‘વૉચલિસ્ટ્સ’ અને ‘કીવર્ડ ફિલ્ટર્સ’ને આધારે કરવામાં આવે છે. એમાં કશું વાંધાજનક કે મેળ ન ખાતું હોય એવું મળે, તો જ અરજદારની ઊંડાણપૂર્વકની મેન્યુઅલ તપાસ/સમીક્ષા કરવામાં આવે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો
- કાયદેસર ન ગણાતું હોય એવા કોઈ અનધિકૃત કાર્ય(unauthorized work)માં તમારી સંડોવણી હોય અને એની વિગતો તમારા સોશિયલ મીડિયામાં હોય તો એ તમને ઉપાધિ કરાવી શકે એમ છે. એટલે એને દૂર કરી દો.
- તમે કોઈપણ પ્રકારના મનોરંજક ડ્રગ(recreational drug)નો ઉપયોગ કર્યો હોય કે પછી નિયમિતપણે કરતા હોવ તો એની ઓનલાઇન અવેઇલેબલ વિગતો પણ તમારી સમસ્યા વધારી શકે છે. મનોરંજક ડ્રગમાં આલ્કોહોલથી લઈને નર્વસ સિસ્ટમ ડીપ્રેસન્ટ અને ગાંજા જેવા ડ્રગ્સ સહિત ઘણી ચીજોનો સમાવેશ થતો હોય છે. તમારા કોઈ મિત્ર આવા ડ્રગ લેતા હોય અને એણે એના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને એમાં તમને ટેગ કર્યા હશે તોય એ તમને નડી શકે.
- રાજકીય રીતે વિવાદાસ્પદ હોય એવી કોઈ બાબત સાથે તમે સંકળાયેલા હોય તો એય અમેરિકન વિઝા મેળવવામાં નડી શકે એમ છે. ખાસ કરીને યુ.એસ. વિરોધી રાજકીય પોસ્ટ અથવા દ્વેષપૂર્ણ ભાષણ, તમે પોતે કશી વાંધાજનક વિવાદાસ્પદ રાજકીય પોસ્ટ ન લખી હોય પણ જો તમારા કોઈ મિત્રએ એવું કંઈક લખીને એમાં તમને ટેગ પણ કર્યા હશે તો એ મુદ્દે તમારી સહમતિ સમજીને એ દિશામાં પૂછપરછ થઈ શકે છે.
આ પણ વાંચો: થાઈલેન્ડ ફરવા જવું હોય તો ડિજિટલ અરાઇવલ કાર્ડ ફરજિયાત: નહીંતર ઘૂસણખોર માની કાર્યવાહી થશે
- જો તમે LinkedIn જેવા માધ્યમમાં તમારી જોબ પ્રોફાઇલ બનાવી હોય તો એમાં જે વિગતો હોય એ એકદમ સાચી હોય એ જરૂરી છે. એ વિગતો વિઝાના ફોર્મ સાથે મેળ ખાય એ પણ એટલું જ જરૂરી છે.
- વિઝા સાથેના ‘સહાયક ડૉક્યુમેન્ટ્સ’ પણ સાચી માહિતી ધરાવતા હોવા જોઈએ.
- ટુરિસ્ટ વિઝાના અરજદારોએ તેમની સ્થાનિક (ભારતમાં) જે પ્રોપર્ટી (મકાન, કારખાનું વગેરે) હોય તે અને નોકરી કરતાં હોય તો એની વિગતો બરાબર લખવી.
- તમારા સોશિયલ મીડિયાના પ્રાઇવસી સેટિંગ્સ કડક રાખવા. ફોલોઅર્સ વધારવા કે લાઇક્સ/કમેન્ટ્સ મેળવવાની લાયમાં બધું ‘પબ્લિક’ માટે ઓપન મૂકી દેશો તો એમાંનું કયું ક્યારે કયા મુદ્દે નડી જાય, એ કંઈ કહેવાય નહીં.
- વિઝા મેળવવા માટે ક્યારેય જૂઠું બોલવું નહીં. એમ કરશો અને પકડાઈ જશો તો જે-તે અરજી તો નામંજૂર થશે જ, પણ તમે ભવિષ્યમાં ફરી ક્યારેય અમેરિકન વિઝા માટે અરજી ન કરી શકો એ રીતે તમને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવું પણ બની શકે છે.