ફી વધાર્યા બાદ H1-B વિઝામાં વધુ એક ફેરફારની તૈયારીમાં ટ્રમ્પ, ભારતીયોને લાગશે ઝટકો

H1-B Visa Rules: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ1બી વિઝા ફીમાં વધારો કર્યા બાદ પણ અટકવાનું નામ લઈ રહ્યા નથી. તેઓએ એચ1બી વિઝાના નિયમોને વધુ આકરા બનાવવાની કવાયત હાથ ધરી હોવાના અહેવાલ છે. જે ખાસ કરીને ભારતીયો પર મુશ્કેલીઓના વાદળો ઘેરા બનાવશે. આ કેટેગરીમાં 70 ટકા વિઝા ભારતીયોને મળે છે.
એેચ1બી વિઝામાં આ ફેરફારો કરશે
ટ્રમ્પ સરકારે એચ1બી વિઝાનો લાભ કોણ ઉઠાવી શકશે તેમજ કઈ કંપનીઓને તેની મંજૂરી મળશે, કઈ વ્યક્તિ આ વિઝા માટે યોગ્ય રહેશે, તેવા અનેક મુદ્દાઓ પર રણનીતિ બનાવી છે. આ મામલે અમેરિકાના ગૃહ વિભાગ તરફથી પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની આ નીતિ એચ1બી વિઝા કેટેગરી ખતમ કરનારી છે. તેઓ અમેરિકા ફર્સ્ટ પોલિસીને પગલે વિદેશી કર્મચારીઓ, વિદેશી કંપનીઓ, અને સ્થાનિક કંપનીઓના વિદેશમાં બિઝનેસ પર અંકુશ અને પ્રતિબંધો લાદવાની કવાયત કરી રહી છે. હાલ એચ1બી અસ્થાયી વિઝા કેટેગરી છે. જે હેઠળ નોન-અમેરિકન્સ લોકોને પ્રવેશની તક મળે છે. ખાસ કરીને ભારતીય મૂળના લોકોને તેનો મોટાપાયે લાભ મળે છે.
શું છે એચ1બી વિઝા
એચ1બી વિઝા કેટેગરીની શરુઆત 1990માં ઇમિગ્રેશન ઍક્ટ હેઠળ થઈ હતી. જે હેઠળ અમેરિકાની કંપનીઓ મોટાપાયે વિદેશી કર્મચારીઓની ભરતી કરે છે. મોટાભાગે અમેરિકાની કંપનીઓ સસ્તા દરે વિદેશી કર્મચારીની ભરતી કરી લાભ કમાતી હોય છે. જેમાં ટેક્નિકલ નોલેજ અને સ્કીલ ધરાવતા લોકોને આ વિઝા આપવામાં આવે છે. આ નિયમ હેઠળ અમેરિકાની ટેક. કંપનીઓમાં ભારતીયોની સંખ્યા વધુ છે. આ વર્ષે 65 હજાર એચ1બી વિઝા રજૂ કરવાના હતા, તેમજ અમેરિકાની કોઈપણ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવતા 20,000 લોકોને એચ1બી વિઝા ફાળવવાના હતા. પરંતુ નવા નિયમથી આ લક્ષ્યાંક અભરાઈએ મૂકાયો છે.
એચ1બી વિઝામાં 70 ટકા હિસ્સો ભારતીયોનો
પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, 2023માં એચ1બી વિઝા હેઠળ અમેરિકા જતાં 3/4 ભારતીય છે. દર વર્ષે કુલ ફાળવવામાં આવતાં એચ1બી વિઝામાંથી 70 ટકા વિઝા ભારતીયોને મળે છે. 2012થી અત્યારસુધી એચબી વિઝા હાંસલ કરનારા 60 ટકા લોકો કોમ્પ્યુટર સંબંધિત નોકરીમાં છે. આ સિવાય હેલ્થ સેક્ટર, બેન્ક, યુનિવર્સિટી અને અન્ય ક્ષેત્રોમાં પણ એચ1બી વિઝા રજૂ કરવામાં આવે છે.