યુકેના વિઝાના નિયમો બદલાયા: સેટલમેન્ટનો સમય બમણો, ઇંગ્લિશ ભાષા મામલે કડકાઈ
6
UK Immigration New Rules: બ્રિટનની લેબર પાર્ટીની સરકારે નેટ માઇગ્રેશન ઘટાડવા, સ્થાનિકોને વધુ નોકરીઓ આપવા અને ઇમિગ્રેશન સિસ્ટમ પર કડક નિયંત્રણ રાખવા માટે 22 જુલાઈ, 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોથી ભારત અને ચીન સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે પડકારો વધશે. યુકેના ગૃહ મંત્રાલયે 82 પાનાના વ્હાઇટ પેપરમાં આ ફેરફારોને વિગતવાર સમજાવ્યા છે. આ ફેરફારો મુખ્યત્વે સ્કિલ્ડ વર્કર વિઝા, સ્ટુડન્ટ વિઝા અને કાયમી નિવાસના નિયમો પર કેન્દ્રિત છે. એવામાં જાણીએ કે આ નિયમો શું છે.
સ્કિલ્ડ વર્કર વિઝામાં કરાયેલા ફેરફાર
બ્રિટનના નવા ઇમિગ્રેશન નિયમો અનુસાર, સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવા માટે હવે નોકરીનું સ્તર RQF (રિક્વાયર્ડ ક્વૉલિફિકેશન્સ ફ્રેમવર્ક) લેવલ 6 (ગ્રેજ્યુએટ લેવલ) હોવું ફરજિયાત છે, જે પહેલાં RQF લેવલ 3 (ધો. 12 સમકક્ષ) હતું. આનો અર્થ એ છે કે હવે માત્ર ડિગ્રી-લેવલની નોકરીઓ ધરાવતા લોકો જ વિઝા મેળવી શકશે. આ ફેરફારથી હૉસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને કેર સેક્ટર સહિત લગભગ 180 નોકરીઓ વિઝાના કાર્યક્ષેત્રમાંથી બહાર થઈ જશે, જેના કારણે ભારત અને ચીનથી આવતા લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે.
કેર વર્કર વિઝા પર પ્રતિબંધ
કેર વર્કર વિઝા પર બ્રિટને સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. 22 જુલાઈ, 2025થી નર્સિંગ આસિસ્ટન્ટ જેવા કેર વર્કર માટે વિદેશથી નવી ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જેઓ પહેલેથી જ આ વિઝા પર ત્યાં કામ કરી રહ્યા છે તેઓ 2028 સુધી વિઝા રિન્યુ કરાવી શકશે. પરંતુ, નવા અરજદારો માટે આ સેક્ટરમાં વિઝા મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આનાથી ભારતના કેરળ અને પંજાબ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આ સેક્ટરમાં કામ કરવા જતાં લોકો પર સીધી અસર પડશે.
ઇંગ્લિશ ભાષા મામલે કડકાઈ
હવે તમામ વિઝા કેટેગરી માટે, જેમાં આશ્રિતો (પરિવારના સભ્યો) પણ સામેલ છે, તેમને ઇંગ્લિશ આવડવું જરૂરી છે. મુખ્ય અરજદારે પહેલાંથી CEFR B2 લેવલ પર ઇંગ્લિશ બોલતા-સમજતા હોવું જરૂરી છે, જ્યારે આશ્રિતોને બેઝિક લેવલ (A1) પાસ કરવું પડશે. વિઝા રિન્યુઅલ માટે A2 લેવલ અને કાયમી વસવાટ (settlement) માટે B2 લેવલની જરૂર પડશે. આ ફેરફારો ભારત અને ચીન જેવા દેશોના તે લોકો માટે પડકારરૂપ બની શકે છે જેમની ઇંગ્લિશ ભાષાની પકડ નબળી છે.
સેટલમેન્ટનો સમય બમણો
અગાઉ, બ્રિટનમાં 5 વર્ષ રહ્યા પછી લોકો ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેન (ILR) એટલે કે કાયમી નિવાસ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ સમયગાળો વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. જોકે, ડૉક્ટર્સ, નર્સીસ, એન્જિનિયર અથવા AI નિષ્ણાતો જેવા વ્યાવસાયિકો, જેઓ અર્થતંત્ર અથવા સમાજમાં મોટો ફાળો આપશે, તેમને ઓછા સમયમાં સેટલમેન્ટ મળી શકે છે. આ છૂટ કોને મળશે તે અંગેનો નિર્ણય ભવિષ્યમાં લેવાશે. લાંબા સમય સુધી બ્રિટનમાં વસવાટ કરવાનું સપનું જોતા ભારતીય અને ચીની પ્રવાસીઓ માટે આ એક મોટો ફટકો છે.
ગ્રેજ્યુએટ વિઝાના સમયમાં ઘટાડો
વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ વિઝા(જે અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામ કરવાની મંજૂરી આપે છે)નો સમયગાળો 2 વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવ્યો છે. અગાઉ PhD ધારકોને 3 વર્ષ મળતા હતા, પરંતુ હવે બધા માટે 18 મહિના જ રહેશે. દર વર્ષે લાખો ભારતીય અને ચીની વિદ્યાર્થીઓ બ્રિટન જાય છે અને આ ફેરફાર તેમને નોકરી શોધવા માટે ઓછો સમય આપશે.
ઇમિગ્રેશન સ્કિલ્સ ચાર્જમાં વધારો
નોકરીદાતાઓએ હવે દરેક વિદેશી કર્મચારી માટે વધુ ઇમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ ચૂકવવો પડશે, જેમાં 32%નો વધારો થયો છે. નાની કંપનીઓ માટે આ ચાર્જ 480 પાઉન્ડ અને મોટી કંપનીઓ માટે 1320 પાઉન્ડ વાર્ષિક થઈ ગયો છે. આનાથી કંપનીઓ પર ખર્ચનો બોજ વધશે, જેની અસર ભારતીય અને ચીની પ્રોફેશનલ્સને નોકરી આપવા પર થઈ શકે છે.