US Visa Controversy: છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને વિશ્વભરમાં સ્થિત અમેરિકાની એમ્બેસીએ વિઝા ઈન્ટરવ્યૂ માટે એપોઈન્ટમેન્ટ પર અસ્થાયી ધોરણે રોક મૂકી દેતાં ભારતના વિદેશી બાબતોના મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અમેરિકાની સરકારને મેરિટના આધારે વિદ્યાર્થીઓને સમયસર વિઝા આપવા અપીલ કરી છે.
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા ઈન્ટરવ્યૂ માટેના નવી એપોઈન્ટમેન્ટ પર રોક મૂકી દીધી હોવાના અહેવાલો વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાને અપીલ કરી છે કે, વિદ્યાર્થીઓનું હિત અત્યંત જરૂરી છે. વિઝા મંજૂર કરવા તે જે-તે દેશનો સાર્વભૌમ અધિકાર છે. અમે અમેરિકાને મેરિટના આધારે વિદ્યાર્થીઓને સમયસર વિઝા આપવા અપીલ કરીએ છીએ. જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન થાય. મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, યુએસ એમ્બેસી અને વિદેશમાં સ્થિત કોન્સ્યુલેટ્સે આગામી નોટિસ ન આવે ત્યાં સુધી સ્ટુડન્ટ (F, M) અને એક્સચેન્જ વિઝિટર (J) માટે વિઝા અપોઈન્ટમેન્ટ સ્લોટ બંધ કરવા નિર્દેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પ્રતિબંધો લાદ્યા હતા
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ કોમ્યુનિકેશન અનુસાર, કોન્સ્યુલર અધિકારીઓએ વિઝા અરજી માટે સોશિયલ મીડિયા એકાઉન્ટની ગતિવિધિઓને પણ પુરાવા તરીકે રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેથી હવે ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, X, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2019થી અત્યારસુધીની ગતિવિધિઓનો રિપોર્ટ વિઝા ફાઈલ કરતી વખતે રજૂ કરવો જરૂરી છે.
કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયનો હિસ્સો 30 ટકા
3.30 લાખ ભારતીય વિદ્યાર્થીઓ 2023-24 દરમિયાન અમેરિકા અભ્યાસ અર્થે ગયા હતાં. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાના અર્થતંત્રમાં 43.8 અબજ ડોલર સાથે મહત્ત્વનો ફાળો આપે છે. અમેરિકામાં અભ્યાસ કરતાં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 30 ટકા ભારતીય છે. એવામાં ટ્રમ્પે હાલમાં જ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ઓછા અને થોડા લોકોનું જ સ્વાગત થશે. અમેરિકાએ ચીનના વિદ્યાર્થીઓ પર અમુક વિઝા પ્રતિબંધો લાદવાની તૈયારી બતાવી છે.


