યુકે જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર, નવી સરકાર દ્વારા વિઝા નિયમો આકરા બનાવવાની તૈયારી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
યુકે જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર, નવી સરકાર દ્વારા વિઝા નિયમો આકરા બનાવવાની તૈયારી 1 - image


Dream Of Going To UK Will Be Difficult For Indian Youth: યુએસએ અને યુકેનું નામ પડે એટલે ભારતીયોને યાદ આવે ડૉલર અને પાઉન્ડની ધીકતી કમાણી. આ કારણસર દાયકાઓથી ભારતીયો માટે આ બન્ને દેશ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને ત્યાં લાખોની સંખ્યામાં ભારતીયો વસી પણ ગયા છે. ભારતીયોની કાર્યદક્ષતા, અંગ્રેજી પરનું પ્રભુત્વ, નવી સંસ્કૃતિ સાથે અનુકૂલન સાધી લેવાની ક્ષમતા અને શાંત મિજાજ જેવા ગુણોને લીધે ઉપરોક્ત બન્ને દેશની મૂળ પ્રજાએ ભારતીયોને હંમેશાં આવકાર્યા છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. બન્ને દેશોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ભારતીયો માટે કપરા ચઢાણ છે. યુકે જવા માંગતા ભારતીય માટે તાજેતરમાં કંઈક અઘરા કહી શકાય એવા સમાચાર આવ્યા છે.

આ છે લેટેસ્ટ અપડેટ…

ભારતીય મૂળના પ્રધાનમંત્રી ઋષિ સુનક હતા ત્યાં સુધી ભારતીયો માટે યુકે જવું પ્રમાણમાં સરળ હતું, પણ ગત મહિને ત્યાં સરકાર બદલાઈ. કીથ સ્ટાર્મરની નવી સરકાર સત્તામાં આવતાં જ વિવિધ ક્ષેત્રે નવા નિયમો અને નિયંત્રણો લાદવાની શરુઆત થઈ, જેમાં ભારતીયોની યુકેમાં એન્ટ્રીનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં સમાચાર આવ્યા કે યુકેની નવી સરકાર વિદેશી ભરતી પરના નિયમો કડક બનાવવા જઈ રહી છે. 

કયા ક્ષેત્રે થશે મહત્તમ અસર? 

આઇ. ટી. (ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી) ક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ્સને આ નિયમ-બદલાવથી મહત્તમ અસર થશે, એવી ધારણા છે. યુકે સરકાર કામદાર વિઝા પરના ક્ષેત્રોની નિર્ભરતાની સમીક્ષા કરીને વિદેશી ભરતીને રોકવાની યોજના ધરાવે છે. આ કારણે મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી, ટેલિકોમ્યુનિકેશન અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સને અસર થવાની સંભાવના છે.

આ પણ વાંચો: UK જતાં ભારતીયોને સતર્ક રહેવા અપીલ, ઇમરજન્સી નંબર પણ જાહેરઃ કેન્દ્રની એડવાઇઝરી

શું કહ્યું હોમ સેક્રેટરીએ? 

હોમ સેક્રેટરી યવેટ કૂપરે માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAC) ને વર્કર વિઝા પર આ ક્ષેત્રોની નિર્ભરતાની સમીક્ષા કરવા જણાવ્યું છે. બુધવારે MAC ને લખેલા પત્રમાં કૂપરે જણાવ્યું હતું કે, ‘શા માટે અમુક ક્ષેત્રમાં ખૂબ બધી આંતરરાષ્ટ્રીય ભરતી કરવી પડે છે, તે સમજવાની જરૂર છે.’

યુકેમાં મહત્તમ વર્ક વિઝા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેલિકોમ્યુનિકેશન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે લેવાતા હોવાથી એવા ક્ષેત્રોની સમીક્ષા વિશેષપણે કરવામાં આવશે. 

વિદેશી કામદારોને વખાણ્યા

યવેટ કૂપરે વિદેશી કામદારોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘યુકે સરકાર વિશ્વભરના કામદારોના યોગદાનની પ્રશંસા કરે છે, પરંતુ હવે વિઝા સિસ્ટમને નિયંત્રિત કરવાની જરૂર છે. અન્ય દેશના યુવાનોની ભરતી કાયમી નથી હોતી, જેને લીધે દેશને એમના કૌશલ્યનો લાંબા ગાળાનો લાભ નથી મળતો. વધુ વિદેશી ભરતી એ તરફ પણ ઈશારો કરે છે કે યુકેમાં ટૅક કૌશલ્યની અછત છે. હાલની વિઝા સિસ્ટમ દેશહિતમાં નથી. આ ક્ષેત્રે નિયંત્રણ લાદીને એને વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે.’

યુકે વિઝાની અરજીઓમાં ઘટાડો 

છેલ્લા ઘણાં સમયથી યુરોપના ઘણાં દેશોમાં સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની પ્રબળ માંગ ઊઠી છે, જેને લીધે સરકારોએ એમની વિઝા પોલિસીમાં ફેરબદલ કરવાની દિશામાં પહેલ કરવી પડી છે. યુકે પણ એમાંનો જ એક દેશ છે. આંકડા કહે છે કે આ પ્રકારના વિઝા-નિયંત્રણ સમાચારોને લીધે યુકે જવા માંગતા પ્રોફેશનલ્સની વિઝા અરજીઓમાં ઓલરેડી ઘટાડો થઈ ગયો છે. યુકે સરકાર નિયંત્રણ તો લાવતાં લાવશે, પણ ત્યાં જવું અનિશ્ચિતતાથી ભરેલું હોવાથી ભારત સહિતના વિદેશીઓએ અન્ય દિશામાં, બીજા દેશોમાં જવાના વિકલ્પો તપાસવા માંડ્યા છે. 

આ કારણસર થઈ રહ્યો છે વિઝા અરજીઓમાં ઘટાડો

યુકેમાં વ્યવસાય માટે વસી ગયેલા ભારતીયો અને અન્ય દેશના યુવાનો માટે એમના વતનમાં રહેલા વડીલો અને આશ્રિતોને યુકે બોલાવવું અગાઉ સરળ હતું. હવે એમાં જાતભાતના નિયંત્રણ લાદી દેવાયા હોવાથી પણ પ્રોફેશનલ્સનો યુકે પ્રત્યેનો મોહ ઘટી રહ્યો છે. એની સીધી અસર વિઝાની અરજીઓ પર પડી છે. 2023ની સરખામણીમાં 2024માં વિઝા અરજીઓમાં 35 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. 

ફક્ત વિદેશીઓ જ નહીં યુકે પણ રહેશે ખોટમાં

વિદેશી પ્રોફેશનલ્સને નિયંત્રિત કરવાના ચક્કરમાં યુકે પોતે પણ ખોટનો સોદો કરી રહ્યું છે. ભારતીયો સહિત દુનિયાભરના દેશોના વિદ્યાર્થીઓ ભણવા માટે યુકે જાય છે, ત્યાંની યુનિવર્સિટીઓમાં લાખો-કરોડોની ફી ભરે છે, જેને કારણે યુકેને મબલખ આવક થાય છે. વિદેશમાં ભણનાર વિદ્યાર્થીઓનું લક્ષ્ય ભણ્યા બાદ જે-તે દેશમાં જ સ્થાયી થઈ જવાનું હોય છે. હવે જો યુકે એમના સ્થાયી થવા પર જ નિયંત્રણ લગાવવાનું હોય તો ત્યાં કોઈ શું કામ ભણવા જાય? આમ, વિઝા પોલિસીના નિયમોના આ નવા બદલાવ કરવાથી મોટી ખોટ યુકેને પણ જશે, એમાં કોઈ શંકા નથી.

યુકે જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર, નવી સરકાર દ્વારા વિઝા નિયમો આકરા બનાવવાની તૈયારી 2 - image


Google NewsGoogle News