Get The App

ચીનના પ્રવાસીઓ માટે પાંચ વર્ષ બાદ ભારતના દરવાજા ખૂલ્યા, 24 જુલાઈથી ટુરિસ્ટ વિઝા મળી શકશે

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
ચીનના પ્રવાસીઓ માટે પાંચ વર્ષ બાદ ભારતના દરવાજા ખૂલ્યા, 24 જુલાઈથી ટુરિસ્ટ વિઝા મળી શકશે 1 - image

China Visa: ભારતે પાંચ વર્ષ પછી એક મહત્ત્વનું પગલું લેતાં ચીનના નાગરિકો માટે પ્રવાસી વિઝાની મંજૂરી આપી છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પછી બંને દેશના સંબંધોમાં તિરાડ પડી હતી. ત્યાર પછી ચીનના પ્રવાસીઓ માટે વિઝા મંજૂર કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. હવે, ભારત અને ચીન દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે નવા પ્રયાસો કરી રહ્યા છે, જેના ભાગરૂપે 24 જુલાઈથી ચીનના પ્રવાસીઓને ભારતના વિઝા આપી શકાશે.

ભારત સરકારની જાહેરાત, ચીને પગલું આવકાર્યું   

ન્યૂઝ એજન્સી રોઇટર્સે બેજિંગમાં ભારતીય દૂતાવાસને ટાંકીને માહિતી આપી હતી કે, ચીનના નાગરિકો માટે ભારતના પ્રવાસી વિઝાની પ્રક્રિયા ફરી શરૂ કરાઈ છે. ચીનના સરકારી મીડિયા 'ગ્લોબલ ટાઈમ્સ' દ્વારા પણ આ માહિતી વેઇબો પ્લેટફોર્મ પર જાહેર કરાઈ હતી. ભારતીય દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું છે કે, ‘24 જુલાઈ 2025થી ચીની નાગરિકો ભારતની મુલાકાત લેવા માટે પ્રવાસી વિઝા માટે અરજી કરી શકે છે. આ માટે પહેલા વેબ લિંક પર ઓનલાઈન વિઝા અરજી ફોર્મ ભરવાનું અને એની પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે. ત્યાર પછી વેબ લિંક પર એપોઇન્ટમેન્ટ લેવી પડશે. એ પછી તેમણે ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં અરજી સબમિટ કરવા માટે પાસપોર્ટ, વિઝા અરજી ફોર્મ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે લઈને જવું પડશે.’

કેમ ચીનના પ્રવાસીઓને વિઝા નહોતા અપાતા? 

વર્ષ 2020માં કોરોના મહામારી વખતે ભારતે તમામ પ્રવાસી વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા. એપ્રિલ 2022માં ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને પણ નોટિસ ફટકારીને ચીનના કોઈ પણ નાગરિકના ટુરિસ્ટ વિઝા પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. બીજી તરફ, એ જ ગાળામાં ચીને 22,000 જેટલા ભારતીય વિદ્યાર્થીને ફરી ચીન જવાની મંજૂરી નહોતી આપી, ત્યારે ભારતે જવાબરૂપે ચીનના પ્રવાસીઓ માટે વિઝા બંધ કરી દીધા હતા. આ દરમિયાન ગલવાન ઘાટીમાં પણ ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણો થઈ હતી, જેથી ચીનના નાગરિકોની વિઝા મંજૂરી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

આ પણ વાંચોઃ કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પ સીઝફાયર પર 25 વખત બોલ્યા પણ PM મોદી ચૂપ: રાહુલ ગાંધી 

તાજેતરમાં ભારત અને ચીન પારસ્પરિક સંબંધો સુધારવા માટે વ્યૂહાત્મક પ્રયત્નો કરી રહ્યા છે, જેને પરિણામે વિઝા નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

પારસ્પરિક સંબંધોમાં ધીમી પણ સકારાત્મક ગતિ

છેલ્લા ચાર વર્ષથી ભારત અને ચીન યુદ્ધ જેવી સ્થિતિમાં હતા, પરંતુ તાજેતરના પ્રયાસોને પરિણામે બંને દેશના સંબંધ તણાવપૂર્ણ તો નથી જ રહ્યા. પૂર્વ લદાખના તણાવગ્રસ્ત દેપ્સાંગ અને ડેમચોક વિસ્તારમાંથી બંને દેશોની સેના પાછળ હટાવવાની કાર્યવાહીથી પરસ્પર વિશ્વાસ પુનઃસ્થાપિત થવાના સંકેત પણ મળી રહ્યા છે. 

ધાર્મિક યાત્રા બાબતે નવી શરૂઆત થઈ

જાન્યુઆરી 2025થી ભારત-ચીન વચ્ચે ફરીથી એર સર્વિસ શરૂ થઈ હતી. તાજેતરમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીની ચીન મુલાકાત દરમિયાન પણ રાજદ્વારી સ્તરે મહત્ત્વનો સંવાદ થયો હતો. આ મુલાકાત દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ હતી, જે ભારતના સંસ્કૃતિગત દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે.

રાજદ્વારી ગતિવિધિઓ હકારાત્મક રહી

તાજેતરમાં 14-15 જુલાઈ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી. એ દરમિયાન પણ દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવાની બાબતે હકારાત્મક ચર્ચા થઈ હતી.

સુમેળભર્યા સંબંધો બંને દેશને ફાયદો કરશે

ભારત અને ચીન બંને પડોશી દેશ છે, બંને વસ્તીમાં દુનિયાના પહેલા બે ક્રમે આવતા દેશ છે, બંને વિકાસની દિશામાં અગ્રેસર છે. બંને વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાય તો બંનેની પ્રગતિ, બંનેનો વિકાસ થાય એમ છે. પડોશી દેશ હોવાથી ઓછા ખર્ચે વધુ માત્રામાં વેપાર વિનિમયની તક પણ ખરી. ભારતના વિઝા સંબંધિત પગલાં દ્વારા માત્ર વ્યૂહનીતિ નહીં, પરંતુ પ્રવાસન, વ્યાપાર અને શિક્ષણ ક્ષેત્રે પણ બંને દેશ માટે નવી તકો સર્જાઈ શકે છે.

ચીનના પ્રવાસીઓ માટે પાંચ વર્ષ બાદ ભારતના દરવાજા ખૂલ્યા, 24 જુલાઈથી ટુરિસ્ટ વિઝા મળી શકશે 2 - image