કેનેડામાં સ્ટડી કરતા ભારતીય વિદ્યાર્થીની સબવેમાં ત્રાટકેલા લૂંટારાઓએ હત્યા કરી

ગાઝિયાબાદનો કાર્તિક વાસુદેવ એમબીએનો અભ્યાસ કરતો હતો

વિદેશમંત્રી એસ. જયશંકરે દુઃખ વ્યક્ત કર્યુંઃ ઘટનાની તુરંત તપાસ કરીને હત્યારાઓને પકડવાની ભારતીય દૂતાવાસની રજૂઆત
એમબીએનો અભ્યાસ કરવા કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની સબવેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લૂંટારાઓએ હત્યા કરી હોવાની શક્યતા પ્રાથમિત તપાસમાં વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. દૂતાવાસે કેનેડિયન સરકારને તુરંત હત્યારાઓને પકડવાની રજૂઆત કરી હતી.
ગાઝિયાબાદનો ૨૧ વર્ષનો કાર્તિક વાસુદેવ એમબીએનો અભ્યાસ કરવા જાન્યુઆરીમાં જ કેનેડા ગયો હતો. તે અભ્યાસ ઉપરાંત પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. પાર્ટ ટાઈમ જોબ માટે તે મેટ્રોથી જતો હતો ત્યારે સબવેમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. કાર્તિક તેની ઓફિસે ન પહોંચ્યા એ પછી તેના મિત્રએ ભારત સ્થિત પેરેન્ટ્સને ફોન કર્યો હતો. કાર્તિકના માતા-પિતાએ બીજા ઓળખીતા અને ફ્રેન્ડ્સને ફોન કરીને જાણકારી મેળવી હતી અને એ પછી હત્યાની જાણ થઈ હતી. કાર્તિકના માતા-પિતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પોલીસે ઓળખ માટે ફોટો મોકવાની પણ ના પાડી હતી.
ઘટના સ્થળેથી કાર્તિકના દોસ્તોને જે માહિતી મળી હતી તે પ્રમાણે લૂંટારાઓ ત્રાટક્યા હોવાની શક્યતા છે અને તેના ફાયરિંગમાં કાર્તિકનું મૃત્યુ થયું હતું. તે પછી કેનેડા પોલીસે પરિવારને હત્યાની જાણકારીનો ફોન કર્યો હતો. કાર્તિકના પિતા જિતેશ વાસુદેવ ગુરુગ્રામમાં નોકરી કરે છે.  આ ઘટના અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે શોક પ્રગટ કર્યો હતો અને પરિવારને આશ્વાસન આપ્યું હતું. જે જરૃર પડશે તે બધી જ મદદ ભારત સરકાર કરશે એવું આશ્વાસન વિદેશમંત્રીએ આપ્યું હતું.
કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસે પણ કેનેડા સરકારને તાત્કાલિક ઘટનાની તપાસ કરવાની માગણી કરી છે. કાર્તિકના પરિવાર સાથે સંપર્કમાં રહીને જરૃરી કાર્યવાહી થઈ રહી છે એવું દૂતાવાસે કહ્યું હતું. પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે કાર્તિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે દમ તોડી દીધો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૃ થઈ રહી હોવાનું પણ કહ્યું હતું.પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે ઘટનાના સાક્ષીઓના કહેવા પ્રમાણે એક અશ્વેત યુવાન લૂંટના ઈરાદે સબવેમાં આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સીસીટીવીના આધારે તેને ઝડપી લેવાની કવાયત શરૃ થઈ છે. ટોરોન્ટોમાં ચાર મહિનામાં હત્યાના ૧૯ બનાવો બની ચૂક્યા છે.

City News

Sports

RECENT NEWS