સ્કોટલેન્ડમાં વાંધાજનક મેસેજ બદલ ભારતીય મૂળનો પોલીસ કર્મચારી સસ્પેન્ડ
મેગન મર્કેલ વિશે થયેલા વંશીય મેસેજ સામે કાર્યવાહી
વોટ્સએપ ગુ્રપમાં વંશીય મેસેજ કરવા બદલ સ્કોટલેન્ડ પોલીસની બે કર્મચારીઓ સામે કાર્યવાહી
સ્કોટલેન્ડ યાર્ડમાં ભારતીય મૂળના એક પોલીસ કર્મચારીને વાંધાજનક વોટ્સએપ મેસેજ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બે કર્મચારીઓ સામે ૨૦૧૮ની વાંધાજનક ચેટ બદલ કાર્યવાહી થઈ હતી.
ભારતીય મૂળના પોલીસ કોન્સ્ટબલ સુખદેવ જીર ઉપરાંત પૌલ હેફોર્ડને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે બરતરફ કરી દીધા છે. આ બંને સામે વાંધાજનક મેસેજ કરવાનો આરોપ હતો. ૨૦૧૮માં એક વોટ્સએપ ગુ્રપમાં આ બંનેએ વંશીય ટીપ્પણી કરી હતી. એ વાંધાજનક મેસેજમાં અભિનેત્રી અને ડચેસ ઓફ સસેક્સ મેગલ મર્કેલ વિશેના મેસેજનો પણ સમાવેશ થતો હતો.
સ્કોટલેન્ડ યાર્ડે બંને પોલીસ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર સીધા બરતરફ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે આ કર્મચારીઓનું વર્તન પ્રોફેશનલ સ્ટાન્ડર્ડથી વિરૃદ્ધનું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટોડલેન્ડ યાર્ડના પોલીસ અધિકારીઓના ગુ્રપમાં આ મેસેજ શેર કરવામાં આવ્યા હતા.પોલીસ વિભાગના અધિકારી કમાન્ડર જોન સેવેલે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. પોલીસે બંને કર્મચારીઓને પ્રતિબંધિત લિસ્ટમાં મૂકી દીધા હોવાથી હવે તે પોલીસ વિભાગને લગતા કોઈ પણ સરકારી વિભાગ કે કચેરીમાં ભવિષ્યમાં પણ કામ કરી શકશે નહીં. પોલીસ વિભાગે કહ્યું હતું કે કોઈ પણ અધિકારીઓ આવા વાંધાજનક મેસેજ તેમના ખાનગી મોબાઈલમાંથી કરે તો પણ તે સ્વીકાર્ય નથી. બીજા અધિકારીઓ આ ચેટમાં સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. પોલીસે એક નોટિફિકેશન જારી કરીને તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.