Updated: Dec 16th, 2022
બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા અને બે બાળકોના મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યા હતા. પોલીસને આ મૃતદેહો ઘરમાંથી જ મળી આવ્યા હતા. એ પછી પોલીસે મહિલાના પતિની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. નોર્થહેમ્પટનમાં બનેલી આ ઘટનાથી દેશભરમાં ચકચાર જાગી હતી.
બ્રિટનના નોર્થહેમ્ટનના એક ઘરમાંથી ભારતીય મૂળની મહિલા અને તેના બે સંતાનોના મૃતદેહો મળી આવ્યા હતા. મહિલા મૂળ કેરળની છે અને બ્રિટનમાં નર્સ તરીકે કાર્યરત છે. તેને એક છ વર્ષનો દીકરો અને ચાર વર્ષની દીકરી છે. ૪૦ વર્ષની આ મહિલા ભેદી સંજોગોમાં મૃત મળી આવી હતી અને બાળકો પણ ઘરમાંથી મૃત મળી આવ્યા હતા. બધા જ મૃતદેહો પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
આ ઘટનાથી આખાય વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહિલાના ૫૨ વર્ષના પતિને પકડીને પૂછપરછ શરૃ કરી હતી. પોલીસને શંકા છે કે મહિલાના પતિએ કોઈ બાબતે મારઝૂડ કરી હશે અને ગંભીર ઈજા પહોંચાડી હોવાથી ત્રણેયના મોત થયા હશે. શંકાના આધારે પોલીસે તપાસ આદરી છે.
નોર્થહેમ્પટનના પોલીસ અધિકારીએ નિવેદન આપતા કહ્યું હતુંઃ આ ઘટનાથી આખા વિસ્તારમાં ખૂબ જ ગમગીની અને આક્રોશ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. બે બાળકો સહિતની હત્યાથી હાહાકાર મચી ગયો છે. પરંતુ પોલીસ આ અંગે ટૂંક સમયમાં તપાસ કરી લેશે. પોલીસે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે.