સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીય દંપતી સાથે મારપીટ, ચાઈનીઝ હોટેલ મેનેજરે નિર્દયતાપૂર્વક હુમલો કર્યો
Indian-origin Couple beaten up in Switzerland: કેનેડામાં રહેતું એક ભારતીય દંપતી વેકેશન માણવા માટે સ્વિટ્ઝર્લેન્ડ ગયું હતું, પરંતુ ત્યાં તેમની સાથે કંઈક એવું બન્યું જેણે તેમની આ ટ્રિપને ખરાબ સ્વપ્નમાં ફેરવી દીધી. દંપતીએ આરોપ લગાવ્યો કે, એક ચાઈનિઝ હોટલ મેનેજરે તેમના પર નિર્દયતાથી હુમલો કર્યો. નિકિતા અને કરણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના વિશે જણાવ્યું છે.
વાસ્તવમાં 24 જૂનના રોજ નિકિતા અને કરણ ગેર્સોના સીહોટેલ શ્વર્ટમાં રોકાયા હતા. આ ઝિલ કિનારેની એક પ્રોપર્ટી છે, જે એક ચાઈનીઝ પરિવાર દ્વારા ભાડે લેવામાં આવી હતી અને તેઓ જ તેને ચલાવી રહ્યા હતા. આ જ દરમિયાન વિવાદ શરૂ થયો, જે પાછળથી મારપીટમાં ફેરવાઈ ગયો અને નિકિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.
પૂછ્યા વિના રૂમમાંથી પંખો હટાવ્યો
પોસ્ટ પ્રમાણે જ્યારે હોટલ સ્ટાફે કોઈપણ પૂર્વ સૂચના વિના તેમના રૂમમાંથી એક પંખો હટાવી દીધો, ત્યારે તેઓએ નમ્રતાપૂર્વક આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે મેનેજરે ઘમંડ, ધમકીઓ અને ગાળો આપવાનું શરૂ કરી દીધું. માલિકે દંપતી સાથે અંગ્રેજીમાં વાત કરવાનો ઈનકાર કરી દીધો, ત્યારબાદ દંપતીએ જર્મનમાં ટ્રાન્સલેટ કરીને પોતાની વાત તેની સામે મૂકી.
નિકિતાના દાંત તોડી નાખ્યા
ઝઘડો થયા બાદ નિકિતાને લાગ્યું કે, અમારાના રંગના કારણે અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે. બીજા દિવસે સવારે ચેક આઉટ કરતી વખતે તેણે બીજા કર્મચારીને ઘટનાની જાણ કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મેનેજર ત્યાં પહોંચ્યો અને દંપતી સાથે મારપીટ ચાલુ કરી દીધી. દંપતીનો આરોપ છે કે તેણે વારંવાર નિકિતાને મુક્કા માર્યા અને લાત મારી અને પછી તેના ચહેરા પર કોઈ ધાતુની વસ્તુ ફેંકી. હુમલામાં નિકિતાનો એક દાંત તૂટી ગયો અને તેને ઈજા પહોંચી.
આ પણ વાંચો: અમેરિકા બાદ કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યા, હવે જર્મની નવી પસંદ
અહેવાલ પ્રમાણે નિકિતા હાલમાં ઘણી ડેન્ટલ સર્જરી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે અને મેન્ટલ ટ્રોમાથી પણ પીડાઈ રહી છે. દંપતીએ આ ઘટનાને વંશીય ભેદભાવનો મામલો ગણાવ્યો છે અને સ્થાનિક અધિકારીઓ પર સમયસર કાર્યવાહી ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.