H-1B વિઝા માટેના અરજદારો માટે અગત્યની અપડેટ, 31 માર્ચે જાહેર થશે પરિણામ, રિજેક્શન થાય તો શું કરશો?
H-1B Visa Registration: અમેરિકામાં નોકરી માટે લોકપ્રિય H-1B વિઝા પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન બંધ થઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ 2026 માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 24 માર્ચ હતી. હવે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા લોટરી હાથ ધરવામાં આવશે અને H-1B વિઝા માટે પસંદ કરાયેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. H-1B વિઝાનું પરિણામ 31મી માર્ચે જાહેર કરવામાં આવશે. યુએસસીઆઇએસ દ્વારા અરજદારોને H-1B વિઝા અંગે માહિતી આપવામાં આવશે. લોટરી દ્વારા H-1B વિઝા માટે પસંદ કરાયેલી કોઈપણ વ્યક્તિ પાસે ફોર્મ I-129 ફાઇલ કરવા માટે 90 દિવસનો સમય હશે. જો તમને 31 માર્ચ સુધીમાં કોઈ માહિતી આપવામાં ન આવે તો તેનો અર્થ એ છે કે, તમારી H-1B લોટરી માટે પસંદગી થઈ નથી. જેથી તમે ફોર્મ I-129 ફાઇલ કરી શકશો નહીં અને નવી અરજી માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
20,000 વિઝા રિઝર્વ
દર વર્ષે 65,000 લોકોને H-1B વિઝા આપવામાં આવે છે, જ્યારે 20,000 વિઝા એવા લોકો માટે રિઝર્વ હોય છે જે માસ્ટર ડિગ્રી ધરાવતા હોય. આ સિવાય કેટલીક નોકરીઓ એવી છે જેને લોટરી ક્વોટા હેઠળ આવરી લેવામાં આવી નથી. યુનિવર્સિટીઓમાં નોકરીઓ, ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં નોકરીઓ અથવા સરકારી રિસર્ચ સંસ્થાઓમાં નોકરીઓને આ ક્વોટાની બહાર રાખવામાં આવે છે અને તે લોટરીનો હિસ્સો બનતી નથી. આવી નોકરીઓ માટે અરજદારો કોઈપણ સમયે ફોર્મ I-129 ફાઇલ કરી શકે છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું અઘરું, ધડાધડ વિઝા અરજી થઈ રહી છે રદ, જાણો કારણ
શું છે I-129 ફોર્મ?
I-129 ફોર્મ એ નોનઇમિગ્રન્ટ વર્કર માટે પિટિશન ફાઇલ કરવા ભરવામાં આવે છે. જેમાં યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ સમક્ષ અમેરિકામાં વિવિધ નોનઇમિગ્રન્ટ વર્ક વિઝા કેટેગરીમાં કામચલાઉ ધોરણે વિઝા આપવાની માગ કરતી અરજી કરવામાં આવે છે. જેમાં કર્મચારીને કામચલાઉ ધોરણે અમેરિકામાં કામ કરવાની મંજૂરી મળે છે. જેમાં H-1B, H-2A, H-2B, H-3, L-1, O-1, O-2, P-1, P-2, P-3, Q-1, and R-1 સહિતના વિઝા સમાવિષ્ટ છે.
H1B વિઝા રિજેક્શન પર આ પગલું લઈ શકો
જો તમારા H-1B વિઝા રિજેક્ટ થયા હોય તો તમે આવી સ્થિતિમાં વધુ એક વર્ષ સુધી રાહ જોવાના બદલે O-1 વિઝા માટે અરજી કરી શકો છો, જે અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોને આપવામાં આવે છે. સામાન્ય રીતે વિઝા માટે રજિસ્ટ્રેશન ફી રિફંડપાત્ર નથી. નાણાંકીય વર્ષ 2027 માટે H-1B વિઝા માટે અરજી પ્રક્રિયા આવતા વર્ષથી શરુ થશે. એવી અપેક્ષા છે કે આગામી H-1B વિઝા રજિસ્ટ્રેશન માર્ચ,2026માં શરુ થઈ શકે છે.