નકલી FBI એજન્ટ બનેલા ગુજરાતી યુવકને અમેરિકામાં થઈ શકે છે 20 વર્ષની જેલ
America News : અમેરિકામાં નકલી FBI એજન્ટ બનીને મેરિલેન્ડના એક વૃદ્ધા પાસેથી 3 લાખ ડોલરથી વધુ કિંમતનું સોનું પડાવી લેવાના કેસમાં ગુજરાતી યુવક નીલ પટેલે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. હાલ નીલ અમેરિકાની જેલમાં બંધ છે. માત્ર 24 વર્ષના ગુજરાતીને આ પ્રકારના કારનામાને કારણે અમેરિકામાં 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ મામલે આગામી 9 મે, 2025ના રોજ નીલની સજાની સુનાવણી કરવામાં આવશે.
અમેરિકામાં ગુજરાતી યુવકને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે
અમેરિકામાં નકલી FBI એજન્ટ બનીને મેરિલેન્ડના એક વૃદ્ધા સાથે છેતરપિંડી કરનારા ગુજરાતી યુવક નીલની 23 જુલાઈ, 2024માં શિકાગોના ઓ'હેર એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે નીલ વિરૂદ્ધમાં મેરિલેન્ડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મોન્ટેગોમેરી કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેસ સોંપવામાં આવ્યો હતો. જ્યારે જો નીલ ગ્રીન કાર્ડમાં હોય તો તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
જ્યારે નીલ 5 માર્ચ, 2024ના રોજ વિક્ટિમના ઘરથી ગોલ્ડથી ભરેલું પાર્સલ લેવા ગયો હતો. જેમાં વૃદ્ધાએ 7.79 લાખ ડોલર ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, જ્યારે બીજી વખત નીલે પાર્સલ લીધાના બે મહિના બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તેને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો: રશિયા સાથે યુદ્ધવિરામ નહીં કરે યુક્રેન: ટ્રમ્પ સાથે વિવાદ બાદ પણ ઝેલેન્સ્કી મક્કમ
મળતી માહિતી મુજબ, અમેરિકામાં રહેતા નીલ જેવા ગુજરાતીઓ ઈન્ડિયાથી ચાલતા ફેક કોલ્સ સેન્ટર્સ દ્વારા અમેરિકન્સને ઠગવાના કૌભાંડમાં વિકટમના ઘરેથી પાર્સલ લેવા જવાનું કામ કરતાં હોવાનું સામે આવ્યું હતું. અત્યારસુધીમાં કેટલાક ગુજરાતીઓ આ પ્રકારના કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેઓ અમેરિકન સિટીઝન પાસેથી પૈસા પડાવવાની ઘટનામાં કુરિયર લેવા જતા ઝડપાયા છે.