Mohammed Shethwala UK visa: UKમાં રહેતા અને એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં પોતાની પત્ની તથા અઢી વર્ષની માસૂમ પુત્રીને ગુમાવનાર એક ગુજરાતના વડોદરાના યુવાન મહમદભાઈ શેઠવાલા પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અમદાવાદ-લંડન ફ્લાઈટ દુર્ઘટનામાં પત્ની અને પુત્રીના આકસ્મિક અવસાન બાદ તેઓ માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ UK સરકારે માનવતા ભૂલીને તેમની વિઝા લંબાવવાની અરજી (FLR) ફગાવી દીધી છે અને તેમને માત્ર 14 દિવસમાં દેશ છોડવાની નોટિસ ફટકારી છે. ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની વાતચીતમાં મહમદભાઈએ પોતાની વેદના, યુકે સરકારની જટિલ કાયદાકીય પ્રક્રિયા અને પ્લેન ક્રેશ બાદ ભારતીય સમાજના વલણ વિશે માહિતી આપી હતી.
મોહમ્મદ તેની પત્ની સાદીકાબાનુના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયો હતો, પરંતુ પત્નીના અવસાન બાદ તેના વિઝા લંબાવવાની અરજી ફગાવી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, વિઝા નકારતી વખતે અધિકારીઓએ એવું કઠોર નિવેદન આપ્યું કે 'આવી દુર્ઘટનાઓ તો બનતી રહે છે'. હાલ મોહમ્મદને 22 એપ્રિલ સુધીમાં યુકે(UK) છોડી દેવાની નોટીસ મળી છે.
સપના પૂરા કરવા લંડન સ્થળાંતર
મૂળ વડોદરાનો રહેવાસી 28 વર્ષીય મોહમ્મદ અને તેની 24 વર્ષીય પત્ની સાદીકા વર્ષ 2022માં ઉજ્જવળ ભવિષ્યની આશાએ બ્રિટન ગયા હતા. સાદીકાએ લંડનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી શરૂ કરી હતી અને તેને વર્ક પરમિટ મળવાની તૈયારી હતી.
એક પ્લેન દુર્ઘટના અને બધું વિખેરાઈ ગયું
2025માં જ્યારે વડોદરામાં ભાઈના નિકાહ હતા, ત્યારે સાદીકા પોતાની 2 વર્ષની દીકરી ફાતિમા સાથે ભારત આવી હતી અને પરત ફરતી વખતે આ એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં વિમાનમાં સવાર તમામ લોકો સહિત સાદીકા અને માસૂમ ફાતિમાનું પણ મોત થયું હતું. મોહમ્મદ તે સમયે નોકરીના કારણે લંડનમાં જ હતો, તેથી તેનો જીવ બચી ગયો હતો.
ખરાબ માનસિક સ્થિતિ અને કાનૂની લડાઈ
પત્ની-પુત્રીના મોતના આઘાતમાંથી મોહમ્મદ હજુ બહાર આવ્યો નથી, ત્યાં વિઝાની સમસ્યા ઊભી થઈ છે. તેનો ડિપેન્ડન્ટ વિઝા જાન્યુઆરીમાં પૂરો થયો હોવાથી તેણે 'ફર્ધર લિવ ટુ રિમેન'(FLR) હેઠળ વિઝા લંબાવવા અરજી કરી હતી. તેણે પોતાની ખરાબ માનસિક સ્થિતિ અને મનોચિકિત્સકની સારવારના રિપોર્ટ્સ પણ રજૂ કર્યા હતા, છતાં સરકારે તેની દયા અરજી ફગાવી દીધી છે.

ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની વાતચીતમાં મહમદભાઈએ પોતાની વેદના વર્ણવી
• આ ઘટના કેવી રીતે બની અને યુકે વિઝાનો શું ઇસ્યુ ઊભો થયો છે?
"એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં મારી પત્ની અને ડોટર ઇન્ડિયાથી રિટર્ન આવતા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું છે. યુકેના કાયદા મુજબ, મારી પત્ની મેઈન એપ્લિકન્ટ હોવાથી તેના મૃત્યુ સાથે મારું વિઝા સ્ટેટસ પણ પૂરું થઈ જાય છે. મારા વિઝા 23 જાન્યુઆરી 2026માં પૂરા થતા હતા. આ સંજોગોને જોતા વકીલોની સલાહથી મેં 26 જાન્યુઆરીએ FLR - ફર્ધર લીવ ટુ રીમેન એપ્લિકેશન મૂકી હતી. પરંતુ, 9 એપ્રિલે યુકે ગવર્મેન્ટે મને આ અરજી માટે અયોગ્ય ગણાવીને એપ્લિકેશન રિજેક્ટ કરી અને 14 દિવસમાં દેશ છોડવા માટે સીધી ઇમિગ્રેશન બેલ આપી દીધી. નિયમ મુજબ, રિજેક્શન પછી અન્ય વિઝા માટે એપ્લાય કરવા 14 દિવસનો સમય આપવો જોઈએ, જે મને અપાયો નથી."
• હવે તમારી માંગ શું છે અને આગળની કાયદાકીય પ્રક્રિયા શું રહેશે?
"મારા વકીલ હવે યુકે ગવર્મેન્ટ સામે અપીલ કરીને ચેલેન્જ કરવાના છે. અમારી માંગ એ જ છે કે સરકાર પોતાના બનાવેલા કાયદાનું પાલન કરે અને મને નવી ફાઈલ મૂકવા માટે 14 દિવસનો સમય આપે. મેં મારી માનસિક સ્થિતિ અંગે 17-18 પેજની વિગતો અને રિપોર્ટ આપ્યા હોવા છતાં, ગવર્મેન્ટે તેને ધ્યાનમાં લીધા વિના કોપી-પેસ્ટ જવાબ આપી દીધો છે."
• કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયામાં અત્યાર સુધી તમને કેટલો ખર્ચ થયો છે?
"આ કાનૂની પ્રક્રિયામાં અત્યાર સુધી મેં અંદાજે 8,500 પાઉન્ડનો ખર્ચ કર્યો છે. મેં ગવર્મેન્ટને 4000 પાઉન્ડ ફી પેટે ચૂકવ્યા છે. મારી માનસિક સ્થિતિ બહુ ખરાબ હોવાથી અને સરકારી હોસ્પિટલમાં 7 મહિનાનું વેઇટિંગ હોવાથી, મારે પ્રાઇવેટ સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડ્યું, જેના દોઢ કલાકના સેશન માટે મેં 800 પાઉન્ડ ચૂકવ્યા છે. આ ઉપરાંત ડોક્ટરોના રિપોર્ટ કઢાવવા માટે પણ ખર્ચ થયો છે."

• પત્ની અને દીકરીના નિધન બાદ તમે ભારતમાં પરત ફરવાને બદલે યુકેમાં જ કેમ રહેવા માંગો છો?
"ભારતીય સમાજ એવો છે કે તેઓ વારંવાર પૂછપરછ કરીને એ જ દુઃખદ ઘટના યાદ કરાવે છે. જ્યારે હું આઘાતમાંથી બહાર આવવા માંગતો હતો, ત્યારે લોકોના સવાલો અને મેણાં-ટોણાના લીધે હું દોઢ મહિનો પણ ભારતમાં રહી શક્યો ન હતો. યુકેમાં લોકોને બીજાની પર્સનલ લાઈફ વિશે પૂછપરછ કરવાનો ટાઈમ નથી હોતો, તેથી કોઈ મને વારંવાર સવાલો નહીં કરે અને હું શાંતિથી રહી શકીશ."
• એર ઇન્ડિયા તરફથી તમને કોઈ સહાય કે નોકરીની ઓફર મળી છે?
"હા, એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના લોકો મને લંડનમાં અને મારા પરિવારને ભારતમાં પર્સનલી મળ્યા હતા અને જોબની ઓફર પણ કરી હતી. પરંતુ યુકેમાં વિઝા એક્સટેન્ડ કરવા માટે જે 42,000 પાઉન્ડની સેલેરી લિમિટ જોઈએ, તે તેઓ આપી શકે તેમ ન હોવાથી યુકેની જોબ શક્ય ન બની. નવેમ્બરમાં તેમણે મને ભારતમાં સારી પોસ્ટ પર જોબ આપવાની વાત કરી હતી, પરંતુ હવે ચાર મહિના થઈ ગયા છે અને હાલ તેમના તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી કે ફોન લાગતો નથી."
• તમારી દીકરી અને પત્નીની યુકે સાથે જોડાયેલી યાદોનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે?
"મારી દીકરીનો જન્મ અહીં જ થયો હતો અને તેના ઉછેર માટે મેં મારી જોબ પણ ફ્લેક્સિબલ કરી નાખી હતી. હું રોજ તેને જે ગાર્ડનમાં રમાડવા લઈ જતો હતો, તે ગાર્ડનમાં હું આજ સુધી પ્રવેશી શક્યો નથી. હું હાલ ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ કરું છું, પરંતુ જે રેસ્ટોરન્ટનું જમવાનું મારી દીકરીને બહુ ભાવતું હતું, ત્યાંથી ઓર્ડર આવે તો પણ હું લેવા નથી જતો. ત્યાંના સ્ટાફને હું ફેસ કરી શકું તેમ નથી. મને ઇન્ડિયા જઈને મારા સાસુ-સસરા સામે જવામાં પણ ડર લાગે છે."
મોહમ્મદનું કહેવું છે કે જો તે અત્યારે ભારત પરત આવશે, તો તેને ડગલે ને પગલે પત્ની અને દીકરીની યાદ આવશે, જેનાથી તેની માનસિક સ્થિતિ વધુ બગડી શકે છે. હાલ તે લંડનમાં ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવે છે અને કોર્ટમાં ન્યાયની આશા રાખી રહ્યો છે. જો કોર્ટમાંથી રાહત નહીં મળે, તો તેને લંડનમાં છોડી ભારત આવવું પડશે.




