ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની હત્યાઃ પાર્ટી દરમિયાન માથાકૂટ થતાં રૂમમેટે ચાકૂના ઘા ઝીંક્યા, પોલીસે કરી ધરપકડ
Navsari Man Died in Australia: નવસારી જિલ્લાના બીલીમોરાના અનાવિલ યુવકની ઓસ્ટ્રેલિયામાં મંગળવારે (8 એપ્રિલ) રાત્રે બોલાચાલી થતા તેના જ પંજાબી રૂમ પાર્ટનરે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ચીનમાં મોટી દુર્ઘટના, નર્સિંગ હોમમાં આગ લાગતાં 20 લોકો જીવતા બળી ગયા, અનેકને બચાવાયા
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મૂળ ચીખલી તાલુકાના દેગામના વતની અને વર્ષોથી બીલીમોરાના ચીખલી રોડ પર આવેલી આઈ.ટી.આઈ.ની પાછળ યમુનાનગર સોસાયટીમાં રહેતો 37 વર્ષીય મિહિર દેસાઈએ શહેરની એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર બાદ સાધન સંપન્ન પરિવારની યુવતી સ્ટુડન્ટ્સ વિઝા મેળવી ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને ત્યાંથી તેણે મિહિરને સ્પાઉસ વિઝા મોકલાવી ઓસ્ટ્રેલિયા બોલાવી લીધો હતો. પરંતુ, થોડા વર્ષમાં જ બંને વચ્ચે છુટાછેડા થતા યુવતી શિક્ષણ આટોપી પરત વતન ભારત આવી ગઈ હતી. જ્યારે મિહિર 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહીને છુટક મજુરીકામ કરી જીવન ગુજારતો હતો. મહિરના પરિવારમાં પિતાનું નિધન થયું હતું. વિધવા માતા માયાબેન બીલીમોરા ખાતે એકલવાયું જીવન જીવે છે. એક માત્ર બહેન પાયલના લગ્ન થયા છે અને તે પતિ નિરવ દેસાઈ સાથે જર્મનીમાં ૩ વર્ષથી વસ્યા છે.
રૂમમેટે કરી હત્યા
મળતી માહિતી મુજબ, મિહિર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બરવુડ નામના શહેરમાં રહીને કામધંધો કરતો હતો અને ચાર જણા મળીને એક એપાર્ટમેન્ટમાં ભાડાના રૂમમાં રહેતા હતા. જેમાં મિહિર સાથે બે પંજાબી અને એક મુસ્લિમ યુવક રહે છે. મેંગળવારે (8 એપ્રિલ) રાત્રે ચારેય રૂમ પાર્ટનર પાર્ટી કરી રહ્યા હતા. ત્યારે કોઈક મુદ્દે મિહિર અને એક પંજાબી રૂમ પાર્ટનર વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર ઝઘડામાં પરિણામી હતી. જેમાં ઉશ્કેરાયેલા પંજાબી યુવકે ચપ્પુના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં મિહિરનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની માતા માયાબહેન ઘરે એકલા રહેતા હોવાથી તેમને બનાવની જાણ કરવામાં આવી નથી. મિહિરના બેન-બનેવી જર્મનીથી ભારત આવવા માટે નીકળી ગયા હોવાનું તેમજ મૃતદેહને ભારત લાવવાની જરૂરી કાર્યવાહી ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમાજ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.