NRI News

Explainer: H-1B વિઝા પર અમેરિકાની કડકાઈ, જાણો ભારતીય IT પ્રોફેશનલ્સ અને કંપનીઓ પર શું અસર થશે

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં H-1B વિઝાના નિયમો કડક બનતા ભારતીય IT પ્રોફેશનલ્સની ચિંતા વધી છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટે H-1B પ્રોગ્રામમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે. 2026માં ભારતની 6 મોટી IT કંપનીઓ માટે H-1B મંજૂરીઓમાં 40% ઘટાડો નોંધાયો છે. $100,000 ફી અને 60-દિવસનો ગ્રેસ પિરિયડ રદ કરવા જેવા પ્રસ્તાવોથી ભારતીયો પર સીધી અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: H-1B વિઝા પર અમેરિકાની કડકાઈ, જાણો ભારતીય IT પ્રોફેશનલ્સ અને કંપનીઓ પર શું અસર થશે

US H-1B Visa Crackdown: અમેરિકન ડ્રીમ પૂરું કરવા માટે H-1B વિઝા ઘણાં ભારતીય IT પ્રોફેશનલ્સ માટે પહેલું પગથિયું ગણાય છે. પરંતુ તાજેતરમાં યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (શ્રમ વિભાગ)ના અહેવાલે અને અધિકારીઓના કડક નિવેદનોએ ભારે ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.

દર વર્ષે મંજૂર થતા H-1B વિઝામાં 70% થી વધુ હિસ્સો ભારતીય નાગરિકોનો હોય છે. તેથી કોઈ પણ નાના-મોટા ફેરફારની સૌથી મોટી અસર સ્વાભાવિક રીતે ભારતીયો પર જ પડે છે. નાણાકીય વર્ષ 2026 માં ભારતની 6 મોટી IT કંપનીઓ માટે H-1B મંજૂરીઓમાં લગભગ 40% નો ઘટાડો નોંધાયો છે. ચાલો વિગતે સમજીએ કે શું ખરેખર અમેરિકા H-1B સિસ્ટમ બંધ કરવા જઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં કયા મોટા ફેરફારો થયા છે.

લેબર ડિપાર્ટમેન્ટની તપાસ અને ચેતવણી

યુએસ લેબર ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી'એસ્પોસિટોએ તાજેતરમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી 365 દિવસમાં H-1B પ્રોગ્રામ સંપૂર્ણપણે બદલાઈ જશે.

  1. દુરુપયોગ સામે કાર્યવાહી: આ પ્રોગ્રામમાં ચાલતી છેતરપિંડી અને ગેરરીતિઓ રોકવા માટે વિભાગ દ્વારા મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી છે.
  2. સર્ચ વોરંટ અને સમન્સ: ‘બનાવટી નોકરીઓ’, ‘બનાવટી નોકરીદાતાઓ’ અને ‘વિઝા મિલો’ ચલાવતા લોકો સામે ડઝનબંધ સમન્સ અને સર્ચ વોરંટ જારી કરાયા છે.
  3. કડક વલણ: ડી'એસ્પોસિટોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘અમારી પાસે હાથકડી તૈયાર છે… અમે વાસ્તવિક કેસ બનાવી રહ્યા છીએ.’ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું આ વલણ દર્શાવે છે કે વિદેશી કાર્યકર વિઝા પ્રોગ્રામમાં મોટા અને કડક ફેરફારો નિશ્ચિત છે.

શું H-1B વિઝા પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ થઈ જશે?

ના. હાલ પૂરતો આ પ્રોગ્રામ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. જો કે, યુએસ કોંગ્રેસમાં આ અંગે કેટલાક પ્રસ્તાવો રજૂ થયા છે.

  • End H-1B Now Act: જાન્યુઆરી 2026માં રજૂ કરાયેલા આ બિલમાં 2026 થી 2035 સુધીમાં વાર્ષિક ધોરણે H-1B વિઝાની સંખ્યા ઘટાડીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ છે.
  • End H-1B Visa Abuse Act: એપ્રિલ 2026 માં રજૂ થયેલા આ બિલમાં વિઝા જારી કરવા પર 3 વર્ષનો પ્રતિબંધ અને લઘુતમ પગાર $200,000 કરવાની માંગ કરાઈ છે.

નોંધનીય છે કે, આ બંને માત્ર પ્રસ્તાવ (Bill) છે, હજુ કાયદો બન્યા નથી. વર્તમાન સ્થિતિ મુજબ તે પસાર થવાની શક્યતા પણ ઓછી ગણાય છે.

તાજેતરમાં લાગુ કરાયેલા 4 મોટા ફેરફારો

ભારતીય વ્યાવસાયિકો પર સીધી અસર કરતા 4 મુખ્ય પગલાં નીચે મુજબ છે.

  1. 100,000 ડૉલરની ની જંગી ફી: સપ્ટેમ્બર 2025 થી યુએસ બહારથી આવતા કામદારોની H-1B અરજીઓ પર $100,000 ની ફી લાદવામાં આવી હતી, જેને સપ્ટેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે. (જોકે, બે ફેડરલ ન્યાયાધીશોએ તેને ગેરકાયદે ઠેરવી છે, પરંતુ સરકાર આ નિર્ણય સામે અપીલ કરી રહી છે.)
  2. 60-દિવસનો ગ્રેસ પિરિયડ રદ કરવાની તૈયારી: ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ નોકરી ગુમાવવાની સ્થિતિમાં નવો વિકલ્પ શોધવા માટે મળતા 60 દિવસના ગ્રેસ પીરિયડ નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ લાગુ થતાં નોકરી ગુમાવનાર વ્યક્તિએ તાત્કાલિક અમેરિકા છોડવું પડશે.
  3. છટણી પર કડક નજર: સપ્ટેમ્બર 2026 ના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, છેલ્લા એક વર્ષમાં અમેરિકન કર્મચારીઓને કાઢીને H-1B વર્કર્સને નોકરી પર રાખનાર કંપનીઓની સખત તપાસ થશે.
  4. પ્રોજેક્ટ ફાયરવૉલ (Project Firewall): સપ્ટેમ્બર 2025 માં શરૂ કરાયેલી આ પહેલ હેઠળ H-1B નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે 175 થી વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે.

આંકડાઓમાં દેખાતી કડક નિયમોની અસર

•નોંધણી: વર્ષ 2024માં 7.8 લાખ, વર્ષ 2026માં ઘટીને 3.58 લાખ

IT કંપનીઓની નોંધણી મંજૂરીઓમાં 92% સુધીનો ઘટાડો

•વિઝા મંજૂરી: વર્ષ 2025માં 1,13,485 વર્ષ 2026માં અત્યાર સુધી ફક્ત 52,360

નિષ્ણાતોનું શું માનવું છે?

નિષ્ણાતોના મતે અમેરિકન ટેક કંપનીઓને હજુ પણ ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓની સખત જરૂર હોવાથી H-1B પ્રોગ્રામ સંપૂર્ણપણે બંધ નહીં થાય. પરંતુ ભવિષ્યમાં આ પ્રોગ્રામ ખૂબ જ જટિલ અને કડક બની જશે. માત્ર અત્યંત આવશ્યક અને ઉચ્ચ પગાર ધરાવતી નોકરીઓ માટે જ વિઝા મળશે, તેમજ નોકરીદાતાઓએ કડક તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ભવિષ્યની વ્યૂહનીતિ માત્ર H-1B પર નિર્ભરતા જોખમી

ભારતીય IT કંપનીઓ અને વ્યાવસાયિકો માટે આ સ્પષ્ટ સંદેશ છે કે હવે માત્ર H-1B વિઝા પર નિર્ભર રહેવું જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને કંપનીઓ માટે સ્થાનિક (અમેરિકન) સ્તરે ભરતી વધારવી જરૂરી બનશે. તો વિદેશમાં કામ કરતા પ્રોફેશનલ્સે તેમની સ્કિલ અને યોગ્યતા આધારે સ્થાન મજબૂત બનાવવું પડશે અથવા અન્ય વૈકલ્પિક વિઝા માર્ગો વિચારવા પડશે.