Explainer: હવે ગ્રીન કાર્ડ મેળવવું બનશે મુશ્કેલ! TCS, Infosys સહિતની 8 IT કંપની સામે અમેરિકાની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Big blow to Indian IT professionals' Green Card dreams : અમેરિકા જઈને નોકરી કરવી અને ત્યાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) મેળવવો, એ હજારો ભારતીય IT પ્રોફેશનલ્સનું સપનું હોય છે. પરંતુ, અમેરિકાના એક નવા અને કડક નિર્ણયે આ સપના સામે મોટો અવરોધ ઊભો કરી દીધો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને TCS, Infosys અને Microsoft જેવી 8 મોટી અને જાણીતી IT કંપનીઓને પોતાના પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ નિર્ણયથી અમેરિકામાં કામ કરતાં વિદેશી કર્મચારીઓમાં ચિંતાનો માહોલ છે.
ચાલો સમજીએ કે આખો મામલો શું છે, PERM પ્રોગ્રામ શું છે અને તેની અમેરિકામાં કામ કરતાં ભારતીયો પર શું અસર પડશે.
કઈ 8 કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે?
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ લેબર (શ્રમ વિભાગ) દ્વારા કુલ 8 મોટી કંપનીઓને PERM પ્રોગ્રામમાંથી સીધી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કંપનીઓમાં નીચેના નામ સામેલ છે.
1… Cognizant (કોગ્નિઝન્ટ)
2… Infosys (ઇન્ફોસિસ)
3… Tata Consultancy Services - TCS (ટાટા)
4… Wipro (વિપ્રો)
5… HCL (એચસીએલ)
6… Capgemini (કેપજેમિની)
7… Microsoft (માઇક્રોસોફ્ટ)
8… Adobe (એડોબ)
લેબર સેક્રેટરી કીથ સોન્ડરલિંગે સ્પષ્ટ કર્યું હતું કે હવેથી આ કંપનીઓની કોઈપણ નવી PERM અરજીઓ સ્વીકારાશે નહીં. જે અરજીઓ પહેલાથી જ પેન્ડિંગ છે તેના પર પણ કોઈ પ્રક્રિયા કરાશે નહીં. માઇક્રોસોફ્ટ અને એડોબ સામે તો ફેડરલ તપાસ પણ ચાલી રહી છે.
H-1B કામદારો વેઠિયા જેવા છે: સરકારનો દાવો
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાનું છે. અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વાન્સે તો H-1B વિઝા ધારકોની સરખામણી 'વેઠિયા/બંધુઆ મજૂરો' (Bonded Laborers) સાથે કરી છે. તેમના મતે, કંપનીઓ અમેરિકન નાગરિકોને નોકરીમાંથી કાઢીને ઓછા પગારે વિદેશી કામદારોને નોકરીએ રાખી રહી છે. તેમણે નીચે મુજબની ચોંકાવનારા દાવા કર્યા છે.
- જો કોઈ વ્યક્તિ H-1B વિઝા પર અમેરિકામાં છે, તો તે સમાન પદ પર રહેલા અમેરિકન નાગરિક કરતા $20,000 ઓછા કમાય છે.
- જો તે વ્યક્તિને વિદેશી આઉટસોર્સિંગ કંપની દ્વારા નોકરી પર રખાયો હોય, તો તે અમેરિકન કરતાં $48,000 ઓછા કમાય છે.
સરકારનો દાવો છે કે 2009થી અત્યાર સુધીમાં આ કંપનીઓએ લગભગ 30 લાખ વિદેશી કામદારોની શોધ કરી છે, 230,000થી વધુ H-1B વિઝા મંજૂરીઓ મેળવી છે અને 100,000થી વધુ કાયમી શ્રમ પ્રમાણપત્રો (PERM) મેળવ્યા છે.
PERM પ્રોગ્રામ અને ગ્રીન કાર્ડ સાથે તેનો સંબંધ
PERM (પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન) એ ગ્રીન કાર્ડ મેળવવાની દિશામાં પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. જ્યારે કોઈ કંપની પોતાના વિદેશી કર્મચારીને કાયમી નોકરી આપવા માંગતી હોય, ત્યારે તેણે પહેલા અમેરિકન સરકાર સામે એ સાબિત કરવું પડે છે કે આ નોકરી માટે કોઈ યોગ્ય અમેરિકન નાગરિક ઉપલબ્ધ નથી. જો સરકારને ખાતરી થાય, તો તે PERM સર્ટિફિકેટ આપે છે. આ સર્ટિફિકેટ મળ્યા પછી જ ગ્રીન કાર્ડની આગળની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. હવે આ 8 કંપનીઓ માટે આ પ્રોગ્રામ જ બ્લોક કરી દેવાતા, ગ્રીન કાર્ડની પ્રક્રિયા અટકી ગઈ છે.
શું H-1B વિઝા પણ સસ્પેન્ડ થઈ જશે?
અહીં એ સમજવું જરૂરી છે કે H-1B વિઝા રદ કરાયા નથી. H-1B એ અસ્થાયી રૂપે કામ કરવા માટેના વિઝા છે, જ્યારે PERM એ કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) માટે છે. તેથી આ 8 કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓએ રાતોરાત પોતાની નોકરી ગુમાવવાનો વારો નહીં આવે.
જો કે, આની સૌથી મોટી અસર ભારતીયો પર પડશે કારણ કે દર વર્ષે મંજૂર થતા H-1B વિઝામાં 70%થી વધુ હિસ્સો ભારતીયોનો હોય છે.
- જે કર્મચારીઓની PERM અરજી હજુ ફાઇલ કરવાની બાકી છે, તેમની પ્રક્રિયા શરૂ જ નહીં થાય.
- જેમની અરજી પેન્ડિંગ છે, તેઓ અટવાઈ જશે.
- આના કારણે વિદેશી કામદારો માટે અમેરિકામાં લાંબા ગાળાનું ભવિષ્ય નક્કી કરવું, પરિવારનું પ્લાનિંગ કરવું કે નોકરી બદલવી ખૂબ જ મુશ્કેલ બની જશે.
માઇક્રોસોફ્ટનો વિવાદ શું છે?
જે.ડી. વાન્સે માઇક્રોસોફ્ટ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે 2025 માં માઇક્રોસોફ્ટે આશરે 6,000 અમેરિકન કર્મચારીઓને છૂટા કર્યા હતા અને તે જ સમયે 6,000 H-1B વિઝા અને 3,682 PERM અરજીઓ મંજૂર કરાવી હતી. જેમાંથી 1,000 જગ્યાઓ એવી હતી જે પહેલા અમેરિકનો પાસે હતી.
માઇક્રોસોફ્ટે શું બચાવ કર્યો?
આના જવાબમાં માઇક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી છે. જેમ કે…
- 6,000 H-1B અરજીઓમાંથી 80% અરજીઓ જૂના કર્મચારીઓના વિઝા એક્સટેન્શન (નવીનીકરણ) માટે હતી, કોઈ નવી ભરતી માટે નહીં.
- નવી ભરતી વાળા કર્મચારીઓ એવા હતા જે પહેલાથી જ કાયદેસર રીતે અમેરિકામાં રહેતા હતા.
- આ અરજીઓ કંપનીના કુલ કર્મચારીઓના માત્ર 1% છે. અમેરિકામાં માઇક્રોસોફ્ટના મોટાભાગના કર્મચારીઓ અમેરિકન નાગરિકો જ છે.
- માઇક્રોસોફ્ટ વિદેશી કામદારોને પણ અમેરિકન કામદારો જેટલો જ ઊંચો પગાર આપે છે.
NASSCOM અને અમેરિકન નેતાઓનું સમર્થન
આ નિર્ણયની ચારેબાજુથી ટીકા પણ થઈ રહી છે. યુએસ કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલે આ નિર્ણયને ‘કાયદેસર રીતે અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સ પર હુમલો’ ગણાવ્યો છે અને કહ્યું હતું કે આનાથી અમેરિકાનું ટૅક્નોલૉજિકલ ઈનોવેશન નબળું પડશે.
બીજી તરફ, ભારતીય IT કંપનીઓના સંગઠન 'NASSCOM' એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય કંપનીઓએ હવે H-1B વિઝા પર પોતાની નિર્ભરતા ઘણી ઓછી કરી દીધી છે. તેઓ હવે અમેરિકામાં જ સ્થાનિક લોકોને નોકરી પર રાખી રહ્યા છે અને અમેરિકન અર્થવ્યવસ્થામાં રોજગારી ઊભી કરી રહ્યા છે.
યુનિવર્સિટીઓના J-1 વિઝા પણ રડાર પર
માત્ર IT કંપનીઓ જ નહીં, પરંતુ અમેરિકાની ટોચની 9 યુનિવર્સિટીઓ (જેવી કે હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ) પણ સરકારના રડાર પર છે. સરકાર J-1 વિઝા પ્રોગ્રામની તપાસ કરી રહી છે. આરોપ છે કે આ યુનિવર્સિટીઓ J-1 વિઝાનો દુરુપયોગ કરીને અમેરિકન સ્નાતક વિદ્યાર્થીઓ અને સંશોધકોના પગાર ઘટાડી રહી છે.
કર્મચારીઓએ હવે શું કરવું?
હાલ પૂરતું વિદેશી કર્મચારીઓએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ નિર્ણયથી તાત્કાલિક કોઈની નોકરી જતી નથી રહી. દરેક કર્મચારીનો કેસ અલગ હોઈ શકે છે. જે કર્મચારીઓ આ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે અને જેમનું ભવિષ્ય ગ્રીન કાર્ડ પર નિર્ભર છે, તેમણે તરત જ પોતાની કંપનીના ઇમિગ્રેશન વિભાગ અથવા કોઈ સારા ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ.




