Updated: Dec 19th, 2022
ક્વિન્સ, ન્યુ યોર્ક, તા. 19 ડિસેમ્બર, 2022, સોમવાર
૧૪ ડિસેમ્બર,૨૦૨૨ થી ૧૫ જાન્યુઆરી,૨૦૨૩ સુધી યોજાનાર પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે ગુજરાતના અમદાવાદમાં તૈયાર થયેલ પ્રમુખ સ્વામી મહારાજ ભવનનું ૧૪ ડિસેમ્બરેના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. તેવામાં માત્ર ભારતમાં જ નહીં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ જેવા ખંડોના વિવિધ દેશોમાં પણ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે ૧૧ ડિસેમ્બરના રોજ ક્વિન્સમાં ન્યુ યોર્કના ગુજરાતી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
'વિશ્વ એક પરિવાર છે' ના વિષય પર યોજાયેલ આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા ભક્તો, સમાજના આગેવાનો તેમજ ૧૫ જેટલી સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી. ઉજવણીમાં પ્રમુખ સ્વામી મહારાજે શીખવેલ મુખ્ય ચાર બાબતો પર ભાર આપવામાં આવ્યું હતું: સેવાની ભાવના, સાર્વત્રિક પ્રેમ, સંસ્કૃતિ તથા સમાજ માટે કાર્ય કરવું. કાર્યક્રમની ઉજવણી વિવિધ લોકો તેમજ બીએપીએસના યુવાઓ દ્વારા વક્તવ્ય, નાટક અને નૃત્ય પ્રસ્તુત કરીને કરવામાં આવી હતી. પરિસરમાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા ફૂલોથી સુશોભિત કરાઈ હતી અને તેમની યાદમાં ભજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ભારતીયો અને કેટલાક વિદેશીઓ મળીને વિવિધ દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવી તેમણે આપેલા ઉપદેશો લોકો સુધી પોહોંચાડી તેમની આધ્યાત્મિકતાનો વારસો આગળ વધારી રહ્યા છે.
નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ. આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.