Canada PR Express Entry: મોટાભાગના ભારતીયો માટે આજે પણ વિદેશમાં વસવાટ માટે પહેલી પસંદ કેનેડા છે. જે દર વર્ષે હજારો લોકોને કાયમી વસવાટ (PR)ની તક આપે છે. ભારતીય યુવાનો માટે આ દેશ શિક્ષણ, રોજગાર અને સારી જીવનશૈલી માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે. જોકે આ દેશમાં PR મેળવવું હવે પહેલા જેટલું સરળ રહ્યું નથી, પરંતુ દરેક માટે મુશ્કેલ પણ નથી. હકીકતમાં, જેમની પાસે લાયકાતનો અભાવ છે તેમના માટે કેનેડિયન PR મેળવવું વધુ મુશ્કેલ બન્યું છે.
કેનેડામાં પરમિનન્ટ રેસિડેન્સી માટે જરૂરી CRS સ્કોર
કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી મારફત પરમિનન્ટ રેસિડેન્સી (PR) મેળવવા માટે CRS સ્કોર (કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ) મહત્ત્વનો છે. IRCC (રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા) એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ આ સ્કોર નક્કી કરે છે. જેમાં ઉંમર, શિક્ષણ, કાર્ય અનુભવ, અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં કમાન્ડ અને કૌટુંબિક સ્થિતિ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. CRS સ્કોર જેટલો ઊંચો હશે, તેટલી જ ઝડપથી કાયમી વસવાટ માટે પીઆર મળશે. તેના દ્વારા કેનેડિયન સરકાર તરફથી PR માટે ઔપચારિક આમંત્રણ મળવવાની શક્યતા વધે છે. CRS માં નોકરીની ઓફર (LMIA) હવે સામેલ નથી.
CRS સ્કોર શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?
CRS (કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ) એક પોઈન્ટ-આધારિત સિસ્ટમ છે. ઉમેદવારો 1,200 પોઈન્ટ સુધી કમાઈ શકે છે. આ પોઈન્ટ્સને ચાર મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે:
માનવ મૂડી પરિબળ: ઉંમર, શિક્ષણ, ભાષા પ્રાવીણ્ય અને કાર્ય અનુભવ.
જીવનસાથી પરિબળ: જો ઉમેદવાર પરિણીત હોય તો જીવનસાથીનું શિક્ષણ અને ભાષા પ્રાવીણ્ય પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
સ્કિલ ઈમિગ્રન્ટ્સ: શિક્ષણ અને અનુભવના આધારે વધારાના પોઈન્ટ.
વધારાના પોઈન્ટ: જેમ કે કેનેડામાં પ્રાંતીય નોમિનેશન (PNP) અથવા કેનેડિયન યુનિવર્સિટીમાંથી ડિગ્રી.
તમારે કયો સ્કોર મેળવવો જોઈએ?
2025 માટેના તાજેતરના ડેટા અનુસાર, એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો માટે CRS કટઓફ રેન્જ 500થી ઉપર રહ્યું છે. જોકે, કેટેગરી-આધારિત ડ્રોમાં (જેમ કે હેલ્થકેર, ટેક અથવા STEM વ્યવસાયો), ઓછા સ્કોર સાથે પણ ITA મેળવવાની તકો છે. 1 ઓક્ટોબર, 2025 સુધીમાં કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC) ઉમેદવારો માટે ન્યૂનતમ CRS સ્કોર 534 જરૂરી હતો. બીજી બાજુ, હેલ્થકેર અને સોશિયલ સર્વિસિસ કેટેગરી ડ્રો માટે ન્યૂનતમ CRS સ્કોર 470 નક્કી કરવામાં આવ્યો હતો. 15 ઓક્ટોબર, 2025ના રોજ, હેલ્થકેર કેટેગરીમાં 2500 ઉમેદવારોને ન્યૂનતમ CRS સ્કોર 472 સાથે પીઆર મળ્યા હતા. પહેલા ડ્રોમાં એજ્યુકેશન કેટેગરી માટે કટ-ઓફ સ્કોર 462 હતો, જે અગાઉના 479 કરતા ઓછો હતો. આનો અર્થ એ થયો કે હવે શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે તકો વધી છે.


