કેનેડામાં ખાલિસ્તાનીઓએ મંદિર બાદ ગુરુદ્વારાને નિશાન બનાવ્યું, ભારતવિરોધી સૂત્રો લખ્યાં
Canada Khalistani Protest News: કેનેડામાં જસ્ટિન ટ્રૂડો વડાપ્રધાન પદ પરથી દૂર થયા બાદ ખાલિસ્તાનીઓનો જુસ્સો વધી ગયો છે. વેનકુવરમાં એક ઐતિહાસક ગુરૂદ્વારા પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ જાહેરમાં ભારત વિરોધી સુત્રોચ્ચાર લખ્યા છે. રૉસ સ્ટ્રીટ ગુરૂદ્વારાના નામે ઓળખાતી ખાલસા દિવાન સોસાયટી ગુરૂદ્વારામાં ખાલિસ્તાનીઓ દ્વારા આ નાપાક ગતિવિધિઓ આચરવામાં આવી હતી. જેનો ગુરૂદ્વારાના પ્રવક્તાએ વિરોધ નોંધાવતાં ટીકા કરી છે.
ગુરૂદ્વારાના પ્રવક્તાએ આ મામલે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની શીખોના એક જૂથે અમારા પવિત્ર ગુરૂદ્વારાની દિવાલને દુષિત કરી છે. તેના પર ખાલિસ્તાની સુત્રોચ્ચાર લખ્યા છે. આ કૃત્ય અત્યંત નિંદનીય છે. કટ્ટરપંથી તાકાત શીખોમાં ભાગલા પાડવા માગે છે. આ કૃત્ય ભય પેદા કરનારું છે. કટ્ટરપંથી આપણા વડવાઓનું બલિદાન અને સમર્પણ સમજી રહ્યા નથી. આપણા વડીલોએ વિવિધતા અને સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. અમે તેમની આ ભાગલા પાડો નીતિને સફળ થવા દઈશું નહીં.
ગુરૂદ્વારમાં ઉજવણી પહેલાં કર્યું આ કૃત્ય
ખાલસા સાજણા દિવસ નિમિત્તે રવિવારે ગુરૂદ્વારામાં નગર કીર્તન અને બૈસાખી પરેડનું આયોજન કર્યું હતું. ખાલિસ્તાની સમર્થકોને આ ઉજવણી અને કાર્યક્રમમાં સામેલ થતાં અટકાવવામાં આવતાં તેઓએ આ કૃત્ય કર્યું હોવાની જાણકારી મળી છે. ખાલિસ્તાનીઓએ ગુરૂદ્વારા ઉપરાંત સુરી અને બ્રિટિશ કોલંબિયાના મંદિરોને પણ ટાર્ગેટ બનાવ્યા હતાં. અહીં પણ ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતાં.
હિન્દુ-શીખમાં ભાગલાની કૂટનીતિ
મંદિરના પ્રવક્તા પુરૂષોત્તમ ગોયલે જણાવ્યું હતું કે, કેનેડામાં હિન્દુ અને શિખ વચ્ચેની એકતાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લક્ષ્મીનારાયણ મંદિરમાં બંને ધર્મના લોકો સાથે મળીને કામ-સેવા કરે છે. આથી તેઓએ મંદિરને ટાર્ગેટ બનાવ્યું છે. તેઓએ મંદિરની બહાર પણ કાળા રંગથી સુત્રોચ્ચાર લખ્યા છે. તેઓ સતત હિન્દુ અને શીખ વચ્ચે ભાગલા પાડવાની કૂટનીતિ ઘડી રહ્યા છે.
ગતવર્ષે ડિસેમ્બરમાં રૉસ સ્ટ્રીટ ગુરૂદ્વારામાં હિન્દુ અને શિખ સમુદાયના 60 લોકો એકત્રિત થયા હતાં. તેમણે જાહેરાત કરી હતી કે, ભાગલા પડાવવાનું ષડયંત્ર રચનારાને નિષ્ફળ બનાવાશે. 2023-24માં કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા અનેક મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. પોલીસે અત્યારસુધી આ વિદ્રોહીઓની ધરપકડ કરી નથી. તે સમયે લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ હોબાળો કર્યો હતો.