70,000 People Signed Up For Trump Card: અમેરિકામાં 50 લાખ ડોલરના રોકાણ પર કાયમી વસવાટની મંજૂરી આપતો વિઝા પ્રોગ્રામ 'ટ્રમ્પ કાર્ડ' અત્યંત સફળ રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ ગોલ્ડન વિઝા કાર્ડ માટે અત્યારસુધીમાં લગભગ 70,000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે જણાવ્યું છે.
ગત સપ્તાહે ટ્રમ્પે ધનિકોને અમેરિકામાં વસવાટ માટે આકર્ષિત કરતું ગોલ્ડન વિઝા કાર્ડ ટ્રમ્પ કાર્ડ લોન્ચ કર્યું હતું. જેના રજિસ્ટ્રેશન માટે સત્તાવાર વેબસાઈટ trumpcard.gov પણ લોન્ચ કરી હતી. આ કાર્ડ વિદેશી નાગરિકને 50 લાખ ડોલરના રોકાણ પર અમેરિકાના પરમિનન્ટ રેસિડેન્સી વિઝા આપે છે. લુટનિકે જણાવ્યું હતું કે, આ કાર્ડ વાસ્તવમાં ગોલ્ડ સાબિત થશે. ટ્રમ્પે પણ ગોલ્ડન વિઝા કાર્ડને મળેલા બહોળા પ્રતિસાદના વખાણ કર્યા છે. આ સોમવાર સુધીમાં ડિપાર્ટમેન્ટના ઈન્ટરનલ ડેશબોર્ડ પર 67697 લોકો વેઈટિંગ લિસ્ટમાં નોંધાયા હતા. અને કલાકમાં જ આ આંકડો વધી 68703 થયો હતો.
અમેરિકાની ખાધમાં ઘટાડો કરવાની રીત
લુટનિકે જણાવ્યું હતું કે, આ ગોલ્ડન ટ્રમ્પ કાર્ડનો વિચાર ટ્રમ્પના ડોનર જ્હોન પોલસનની ફંડ એકત્ર કરવાની યોજના પરથી આવ્યો હતો. આ પ્રોગ્રામ અમેરિકાની ખાધમાં 36 લાખ કરોડ ડોલરનો ઘટાડો કરશે અને આવકમાં વધારો કરશે. ટ્રમ્પ કાર્ડનો ઉદ્દેશ બિઝનેસ લીડર્સ અને સંસ્થાઓને અમેરિકામાં વસવાટ માટે આકર્ષિત કરવાનો છે.
લોકો બલ્કમાં ટ્રમ્પ કાર્ડ ખરીદવા તત્પર
એક ગ્લોબલ ટેક્ કંપનીના ચીફ એક્ઝિક્યુટીવે જણાવ્યું હતું કે, જો આ પ્રોગ્રામ અમલી બને તો અમે 100થી વધુ ટ્રમ્પ કાર્ડ ખરીદીશું. વિશ્વની મહાસત્તા ધરાવતા દેશ અમેરિકામાં વસવાટ કરવા માટે ખાસ કરીને આંત્રપ્રિન્યોર્સ, એન્જિનિયર્સ અને વિજ્ઞાનીઓ માટે શ્રેષ્ઠ તક છે. અન્ય કંપનીઓ પણ ટ્રમ્પ કાર્ડ બલ્કમાં ખરીદવા તૈયાર હોવાના અહેવાલ મળ્યા છે.
EB-5 વિઝા પ્રોગ્રામ પણ આપે છે PR વિઝા
અમેરિકાએ 1990માં વિદેશી રોકાણકારોને કાયમી વસવાટની મંજૂરી આપતાં EB-5 વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેના માટે 18 લાખ ડોલર સુધીનું રોકાણ આવશ્યક છે. ગતવર્ષે આ કેટેગરીમાં 14,000 લોકોને PR મળ્યા હતાં. અમેરિકાનો વાણિજ્ય વિભાગ 10 હજાર લોકોને ટ્રમ્પ કાર્ડ આપવાની યોજના ધરાવે છે. લૂટનિકના મતે, 20,000 ટ્રમ્પ કાર્ડ ઈશ્યૂ કરી અમેરિકાની ટ્રેઝરીમાં 1 લાખ કરોડ ડોલરનો વધારો થશે.


